વિપક્ષો અને નાગરિકો આ આરોપોની ખરા અર્થમાં તપાસ કરાવવા ઇચ્છે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ટૉરોન્ટોઃ કૅનૅડાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી હંગામો મચી ગયો છે. કૅનેડામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ચીનના હસ્તક્ષેપના આરોપોને લઈને ખળભળાટ મચી ગયો છે. વિપક્ષો અને નાગરિકો આ આરોપોની ખરા અર્થમાં તપાસ કરાવવા ઇચ્છે છે.
અનેક સરકારી ઇન્ટેલિજન્સ એજન્સીઓના ઇનપુટ્સને લઈને એવી શંકા જાગી છે કે ચીને કૅનેડાના પૉલિટિક્સમાં હસ્તક્ષેપ કર્યો છે. જોકે ચીન આ વાતને ફગાવી રહ્યું છે.
કૅનેડિયન સિક્યૉરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના સીક્રેટ ઇન્ટર્નલ ડૉક્યુમેન્ટ્સની વિગતો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવાઈ છે, જેમાં કૅનેડાની ચૂંટણી વ્યવસ્થામાં ચાઇનીઝ સરકારના હસ્તક્ષેપ કરવાના પ્લાનની વિગતો આપવામાં આવી છે. એ મુજબ ચીન તરફથી અઘોષિત કૅશ ડોનેશન આપવામાં આવે છે, ખોટી માહિતી ફેલાવવામાં આવે છે, ચોક્કસ કૅનેડિયન ઉમેદવારોને ટાર્ગેટ બનાવવામાં આવે છે અને અપપ્રચાર દ્વારા લોકોનો અભિપ્રાય બદલવાની કોશિશ કરવામાં આવે છે. કૅનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના વિરોધી નેતાઓએ જણાવ્યું હતું કે જસ્ટિન ટ્રુડો ચીનની મદદથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વિરોધ પક્ષોના નેતાઓ કહે છે કે છેલ્લા એક દશકથી કમ્યુનિસ્ટ ચીન ટ્રુડોને સપોર્ટ આપે છે એ અત્યંત ગંભીર આરોપ છે.
ડોનેશન પાછું આપવું પડ્યું હતું
નોંધપાત્ર છે કે એનજીઓ ટ્રુડો ફાઉન્ડેશને આ પહેલાં બે લાખ ડૉલર (૧.૬૪ કરોડ રૂપિયા)નું ડોનેશન એવી વ્યક્તિ પાસેથી મેળવ્યું હતું કે જેનો સીધો સંબંધ ચાઇનીઝ સરકારની સાથે છે. આખરે ખૂબ જ હંગામો મચી જવાના કારણે આ ડોનેશન પાછું આપી દેવામાં આવ્યું હતું.