૨૦૨૪ના પહેલા ત્રિમાસિકમાં ગ્રોથ સૌથી વધારે રહ્યો છે
રિશી સુનક
છેલ્લાં ત્રણ વર્ષમાં બ્રિટનની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહી છે અને ૨૦૨૪ના પહેલા ત્રિમાસિકમાં ગ્રોથ સૌથી વધારે રહ્યો છે. બ્રિટનમાં હવે મંદી ઓસરી રહી છે એટલે આગામી ચૂંટણીમાં વડા પ્રધાન રિશી સુનકના પ્રચાર-અભિયાનને બૂસ્ટ મળશે. માર્ચ સુધીના ત્રણ મહિનામાં ઘરેલુ ઉત્પાદનમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો છે. નૅશનલ સ્ટૅટિસ્ટિક્સના આંકડા જણાવે છે કે ૨૦૨૧ના ચોથા ક્વૉર્ટર બાદ આ સૌથી મજબૂત વૃદ્ધિ છે અને એ ૧.૫ ટકાના દરે વધી છે. આ આંકડાને વડા પ્રધાન સુનકે આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે અર્થતંત્ર સુધરી રહ્યું છે. નાણાપ્રધાન જેરેમી હન્ટે કહ્યું હતું કે ગયાં થોડાં વર્ષ આપણા માટે મુશ્કેલ હતાં, પણ આ આંકડા દર્શાવે છે કે કોવિડ-19 બાદ આપણું અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું છે. જોકે બ્રિટનમાં વિપક્ષ એવા લેબર પાર્ટીએ કહ્યું હતું કે સુનક અને જેરેમી હન્ટ આઉટ ઑફ ટચ છે. ઓપિનિયન પોલ્સમાં લેબર પાર્ટીને મોટી લીડ મળી છે.