બે વર્તમાનપત્રોની ઑફિસો અને શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની આૅફિસને આગ લગાડી, પચીસ પત્રકારો ૩ કલાક આગ સાથે ન્યુઝ-રૂમમાં ફસાઈ રહ્યા
ઢાકાના શાહબાગ વિસ્તારમાં ગઈ કાલે હજારોની સંખ્યામાં યુવા નેતા શરીફ ઉસ્માન હાદીના સમર્થકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ જ ટોળાએ પછી હિંસક તોડફોડ શરૂ કરી હતી.
બંગલાદેશમાં શેખ હસીનાવિરોધી આંદોલન ચલાવનારા સ્ટુડન્ટ્સ-નેતા અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીનું મૃત્યુ થતાં બંગલાદેશમાં ફરી એક વાર હિંસક તોફાનો ફાટી નીકળ્યાં છે. ૩૨ વર્ષનો શરીફ ઉસ્માન હાદી ગયા શુક્રવારે ૧૨ ડિસેમ્બરે ઢાકામાં ચૂંટણીપ્રચાર કરી રહ્યો હતો ત્યારે બાઇકસવાર બંદૂકધારીઓએ તેને ગોળી મારી દીધી હતી. હાદીના માથામાં ગોળી વાગી હતી એટલે તેને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ભરતી કરાયો હતો. સોમવારે તેને ઍર ઍમ્બ્યુલન્સથી સિંગાપોર લઈ જવાયો હતો. સિંગાપોરના ડૉક્ટરોએ ઘણી કોશિશ કરી, પરંતુ હાદીને બચાવી શકાયો નહોતો.

ADVERTISEMENT
પ્રદર્શનકારીઓએ ગુરુવારે મધરાતે વર્તમાનપત્રની ઑફિસ સળગાવી દીધી હતી
બંગલાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે એક દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી હતી. જોકે હાદીના મૃત્યુની ખબર પડતાં જ ગુરુવારે મોડી રાતે ઢાકા સહિત બંગલાદેશનાં અલગ-અલગ શહેરોમાં હિંસા ભડકી ઊઠી હતી. ગઈ કાલે સાંજે પોણા છ વાગ્યે સિંગાપોરથી બંગલાદેશના હજરાત શાહજલાલ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઉસ્માદ હાદીના શબને લાવવામાં આવ્યું હતું. એ પછી તો બંગલાદેશમાં પ્રદર્શનકારીઓ રોડ પર ઊતરી આવ્યા હતા.
હાદીની હત્યાના વિરોધમાં રાતોરાત થયેલાં વિરોધ-પ્રદર્શનો બાદ પોલીસ અને અર્ધલશ્કરી દળો ઢાકા અને અન્ય શહેરોમાં તહેનાત કરવામાં આવ્યાં હતાં. સેન્ટ્રલ ઢાકાના શાહબાગ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અને પ્લૅકાર્ડ સાથે પ્રદર્શનકારીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યાં હતાં, સૂત્રોચ્ચાર કર્યો હતો અને ન્યાય ન મળે ત્યાં સુધી પાછા નહીં ફરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઈશ નિંદાના આરોપમાં બંગલાદેશમાં હિન્દુને માર માર્યો, ઝાડ સાથે બાંધીને સળગાવી નાખ્યો

ટોળાએ દીપુચંદ્રને મારીને સળગાવ્યો ત્યારે લોકો વિડિયો લેવા તૈયાર હતા, પણ કોઈએ બચાવવાની પહેલ ન કરી
ગુરુવારે રાતે બંગલાદેશના મૈમનસિંઘના ભાલુકા ઉપજિલ્લામાં પયગંબર મુહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપસર એક ટોળાએ હિન્દુ વ્યક્તિ દીપુચંદ્ર દાસની હત્યા કરી નાખી હતી. ટોળાએ તેને માર માર્યો હતો. ત્યાર બાદ હુમલાખોરોએ તેના શરીરને ઝાડ સાથે બાંધીને આગ ચાંપી દીધી હતી. દીપુચંદ્ર દાસ સ્થાનિક કપડાંની ફૅક્ટરીમાં કામ કરતો હતો અને આ વિસ્તારમાં ભાડૂત તરીકે રહેતો હતો. ભાલુકા પોલીસ-સ્ટેશનના ડ્યુટી ઑફિસર રિપોન મિયાએ જણાવ્યા અનુસાર ટોળાએ તેના પર ઈશ નિંદા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને દીપુચંદ્ર દાસના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના સંદર્ભે હજી સુધી કોઈ કેસ દાખલ કરવામાં આવ્યો નથી.
શરીફ ઉસ્માન હાદીને યુનુસે શહીદ જાહેર કર્યો, આજે રાષ્ટ્રીય શોક, પત્ની-દીકરીની જવાબદારી સરકાર લેશે

શરીફ ઉસ્માન હાદી
સ્ટુડન્ટ લીડર શરીફ ઉસ્માન હાદીના મૃત્યુથી હચમચી ઊઠેલી મુહમ્મદ યુનુસ સરકારે તેને રાતોરાત શહીદ જાહેર કરી દીધો હતો અને તેને કવિ કાઝી નજરુલ ઇસ્લામની બાજુમાં દફનાવવામાં આવશે. આ પહેલાં રાષ્ટ્રને ટેલિવિઝન સંબોધનમાં યુનુસે શનિવારે હાદીના માનમાં રાજ્યશોકનો દિવસ જાહેર કર્યો હતો. એ સિવાય યુનુસે જાહેરાત કરી હતી કે સરકાર ઉસ્માનની પત્ની અને પુત્રીની જવાબદારી લેશે. યુનુસે ઉસ્માનને ફાસીવાદી શક્તિઓ સામે લડતા ફ્રન્ટલાઇન યોદ્ધા તરીકે પણ વર્ણવ્યો હતો.
હત્યારો ભારત આવ્યાની શંકા
બંગલાદેશી સુરક્ષાબળોના કહેવા મુજબ ‘૧૨ ડિસેમ્બરે શરીફ ઉસ્માન હાદી પર હુમલો કરનાર આરોપી ફૈઝલ કરીમ હત્યા કરીને ભારત ભાગી આવ્યો છે. ઘટનાના એક દિવસ પહેલાં તે ગર્લફ્રેન્ડ સાથે એક રિસૉર્ટમાં ગયો હતો. ત્યાં તેણે ગર્લફ્રેન્ડને કહ્યું હતું કે કાલે કંઈક એવું થવાનું છે જેનાથી બંગલાદેશ હલી જશે. તેણે ગર્લફ્રેન્ડને ઉસ્માન હાદીનો વિડિયો પણ બતાવ્યો હતો.’
ઇન્ક્લાબ મંચના નેતાની હત્યા પછી બંગલાદેશમાં ભારતવિરોધી વલણ વધુ વેગ પકડી રહ્યું છે.
બંગલાદેશની નૅશનલ સિટિઝન પાર્ટી (NCP)ના ચીફ ઑર્ગેનાઇઝર હસનત અબદુલ્લાહે ભારતીય હાઈ કમિશનને પણ દેશમાંથી બહાર કાઢવાની માગણી કરી હતી અને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો બંગલાદેશને અસ્થિર કરવામાં આવશે તો ભારતના પૂર્વોત્તર રાજ્યો સેવન-સિસ્ટર્સને અલગ કરી દઈશું.
ન્યુઝ-ચૅનલની આૅફિસને આગ લગાડી, પચીસ પત્રકારો ૩ કલાક આગમાં ફસાયા

પ્રોથોમ ઓલો ન્યુઝપેપરની ઑફિસ પાસે એક દુકાન પણ સળગાવી દેવામાં આવી ત્યારે એક છોકરી દુકાનમાંથી પુસ્તકોને બચાવતી જોવા મળી હતી
ગુરુવારે બંગલાદેશમાં યુવાનોના હિંસક પ્રદર્શન પછી બેફામ થયેલા ટૉળાએ ડેલી સ્ટાર અને પ્રોથોમ આલો નામનાં વર્તમાનપત્રોની ઑફિસો સળગાવી મારી હતી. એને કારણે પચીસ પત્રકારો ત્રણ કલાક સુધી ન્યુઝ-રૂમમાં આગની જવાળાઓ વચ્ચે ફસાયેલા રહ્યા હતા.

ઢાકામાં ડેઇલી સ્ટાર વર્તમાનપત્રમાં લગાડેલી આગમાં પચીસ પત્રકારો ફસાઈ ગયા હતા
પ્રદર્શનકારીઓએ શેખ હસીનાની પાર્ટી અવામી લીગની ઑફિસને પણ ફૂંકી દીધી હતી. પ્રોથોમ આલોની જ્યાં ઑફિસ છે એ પરિસર પાસેની એક દુકાનને પણ આગ લગાડી હતી.
ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનની આૅફિસની બહાર હિંસા
બંગલાદેશના ચટગાંવમાં ભારતની અસિસ્ટન્ટ હાઈ કમિશનની ઑફિસની બહાર હિંસા ભડકી ઊઠી હતી. એમાં બે પોલીસ-અધિકારી સહિત ૪ લોકો ઘાયલ થયા હતા.


