લંડનમાં પ્રેસની સાથેની વાતચીતમાં રાહુલે ભારત જોડો યાત્રા, ચીન વિશેની વિદેશનીતિ, મૂડીવાદ અને ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વિશેના સવાલોના જવાબો આપ્યા હતા
લંડનમાં શનિવારે સાંજે ઇન્ડિયન જર્નલિસ્ટ્સ અસોસિએશન સાથેના સંવાદ દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી. તસવીર પી.ટી.આઇ.
લંડનઃ ‘ભારત મૌન રહે એમ બીજેપી ઇચ્છે છે.’ શનિવારે સાંજે લંડનમાં ઇન્ડિયન જર્નલિસ્ટ્સ અસોસિએશન સાથેના સંવાદ દરમ્યાન કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ વાત જણાવી હતી. રાહુલને બીબીસીની ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.
આ સંવાદમાં રાહુલે તેમની ભારત જોડો યાત્રા, ચીન અને રશિયા વિશે ભારતની વિદેશનીતિ અને ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ વિશે સવાલોના જવાબો આપ્યા હતા.
ADVERTISEMENT
ઇન્ડિયન જર્નલિસ્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ ડૅનિશ ખાન દ્વારા આ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઑડિયન્સમાં મોટા ભાગે ઇન્ડિયા અને યુકેના જર્નલિસ્ટ્સ હતા.
રાહુલે કહ્યું હતું કે ‘ભારતમાં બધી જ જગ્યાએ અવાજને દબાવવામાં આવી રહ્યો છે જેનું ઉદાહરણ બીબીસીની ડૉક્યુમેન્ટરી છે. યુકેમાં અત્યારે એના વિશે ચર્ચા ચાલી રહી છે. એનું કારણ એ છે કે બીબીસીએ દમનનો અનુભવ કર્યો છે. જોકે છેલ્લાં નવ વર્ષથી ભારતમાં મીડિયાનું દમન કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પત્રકારોને ધમકી આપવામાં આવે છે, તેમના પર હુમલા થાય છે અને જેઓ સરકારની સામે નમી જાય છે તેમને ઇનામ આપવામાં આવે છે.’
પીએમ કૅન્ડિડેટ છે?
રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે હવે પછીની લોકસભાની ચૂંટણીમાં તેઓ પીએમ પદના ઉમેદવાર રહેશે તો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘હું પીએમ કૅન્ડિડેટ રહું એ ચર્ચાનો વિષય નથી. વિપક્ષનો કેન્દ્રીય વિચાર બીજેપી અને આરએસએસને હરાવવાનો છે.’
પીએમ કરે છે દેશનું અપમાન
રાહુલ પર વિદેશની ધરતી પર દેશનું અપમાન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે એના વિશે તેમણે કહ્યું હતું કે ‘મને યાદ છે કે આ પહેલાં વડા પ્રધાને વિદેશ જઈને જાહેરાત કરી હતી કે આઝાદીનાં ૬૦ વર્ષ સુધી કંઈ પણ થયું નહોતું. તેમણે કહ્યું હતું કે આપણે એક દશક ગુમાવ્યો છે. ભારતમાં ખૂબ જ ભ્રષ્ટાચાર છે. આ બધું તેમણે વિદેશમાં કહ્યું હતું. જ્યારે તેઓ કહે છે કે ૬૦ વર્ષમાં કંઈ પણ થયું નથી ત્યારે શું એ દરેક ભારતીયનું અપમાન નથી?’
આ પણ વાંચો: રાહુલને બીજેપીના ચાર સવાલ
ભારત જોડો યાત્રા વિશે
‘ભારત જોડો યાત્રા’ વિશે રાહુલે કહ્યું હતું કે ‘અમે સમગ્ર દેશમાં ભારત જોડો યાત્રા કરી હતી. એ ક્રાંતિકારી હતી અને નૅશનલ પ્રેસને એને કવર કરવાની ફરજ પડી હતી.’
સૈનિકોની હત્યા થઈ
રાહુલ ગાંધીએ વધુ એક વખત આર્મ્ડ ફોર્સિસની સામે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું હતું કે ‘ચીનના લોકો અમારી જમીનમાં પ્રવેશ્યા છે, અમારા સૈનિકોને મારી નાંખ્યા હતા અને વડા પ્રધાન એ વાતનો ઇનકાર કરે છે. વિદેશપ્રધાન એસ. જયશંકર ચીનના ખતરાને સમજતા નથી.’
અદાણીના મુદ્દે
કૉન્ગ્રેસ પાર્ટી સતત ગૌતમ અદાણીનો મુદ્દો ઉઠાવી રહી છે ત્યારે એના વિશે રાહુલે કહ્યું હતું કે ‘અદાણી છેલ્લાં ત્રણ વર્ષમાં ધનવાનોના લિસ્ટમાં ૬૦૯માં સ્થાનેથી બીજા સ્થાને પહોંચ્યા છે. તેમના વડા પ્રધાનની સાથે સારા સંબંધો છે.’
લોકશાહી પર ક્રૂર હુમલો
બીજેપી સરકાર પર હુમલો વધારતાં રાહુલે આરોપ મૂક્યો હતો કે ભારતમાં લોકશાહીના માળખા પર ઘાતક હુમલા થઈ રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે મીડિયા, જુડિશરી, સંસદ સહિતનાં તમામ બંધારણીય માળખાં પર હુમલા થઈ રહ્યા છે. અમે નૉર્મલ માધ્યમો દ્વારા લોકોના અવાજને રજૂ કરવામાં ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છીએ.
ભારતવિરોધી વિદેશી તાકાતો ટુકડે-ટુકડે ગૅન્ગની મદદથી ભારત પર હુમલા કરી રહી છે. દુનિયાને એ બતાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે ભારતમાં જુડિશરી અને લોકશાહી સામે ખતરો છે. આ સદંતર જૂઠાણું છે અને ભારતની છબિને નુકસાન પહોંચાડવાની કોશિશ છે. - કિરેન રિજિજુ, કાયદાપ્રધાન


