મહિનામાં બીજી હત્યા, એજન્ટોએ શનિવારે મિનીઆપોલિસમાં ૩૭ વર્ષના ઍલેક્સ પ્રિટીની ગોળીએ દીધો, લોકોમાં ભારે રોષ, નૅશનલ ગાર્ડ તહેનાત કરાયા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા કડક ઇમિગ્રેશન કાર્યવાહી વચ્ચે ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એજન્ટોએ શનિવારે મિનીઆપોલિસમાં ૩૭ વર્ષના ઍલેક્સ પ્રિટીની ગોળી મારીને હત્યા કરી હતી, જેના કારણે લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. ૭ જાન્યુઆરીએ ૩ બાળકોની માતા ૩૭ વર્ષની રેની ગુડની ICE એજન્ટોએ ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ શહેરમાં વ્યાપક વિરોધ-પ્રદર્શનો વચ્ચે આ નવી ઘટના બની હતી.
ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS)એ જણાવ્યું હતું કે પ્રિટીએ પિસ્તોલ લઈને એજન્ટો પાસે જવાનો પ્રયાસ કર્યો હતો અને પછી નિઃશસ્ત્ર થયા પછી હિંસાનો આશરો લીધો હતો. વાઇરલ થયેલા વિડિયોમાં પ્રિટી બરફથી ઢંકાયેલી ફુટપાથ પર એક મહિલા પ્રદર્શનકારીને કેમિકલ સ્પ્રેથી બચાવવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. એ પહેલાં એક એજન્ટ તેને બર્ફીલા રસ્તા પર ખેંચી લે છે. જોકે નજીકના લોકો દ્વારા લેવામાં આવેલા વિડિયોમાં પ્રિટી પિસ્તોલને બદલે મોબાઇલ ફોન પકડીને બતાવે છે. ફુટેજમાં તે અન્ય વિરોધીઓને મદદ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે જેમને અધિકારીઓ દ્વારા જમીન પર પછાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ગવર્નરે શું કહ્યું?
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે આ ઘટના બાદ મિનીઆપોલિસમાં નૅશનલ ગાર્ડ તહેનાત કર્યા છે અને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને આ કામગીરી સમાપ્ત કરવા અને હજારો હિંસક, અપ્રશિક્ષિત અધિકારીઓને મિનેસોટામાંથી બહાર કાઢવા જણાવ્યું છે. તેમણે આ ઘટના પછી વાઇટ હાઉસ સાથે વાત કરી હતી અને તાત્કાલિક કામગીરી બંધ કરવાની માગણી કરી હતી. વોલ્ઝે ટ્વિટર પર લખ્યું હતું કે ‘આ ચિંતાજનક છે. પ્રેસિડન્ટે આ કામગીરી બંધ કરવી જોઈએ. મિનેસોટામાંથી હજારો હિંસક, અપ્રશિક્ષિત અધિકારીઓને તાત્કાલિક દૂર કરવા જોઈએ.’
પાંચ સેકન્ડમાં ૧૦ ગોળી છોડી
ઍલેક્સ પ્રિટી પર માત્ર પાંચ સેકન્ડમાં ઓછામાં ઓછી ૧૦ ગોળી છોડવામાં આવી હતી. ઍલેક્સ જ્યારે એક મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર પહેલાં પેપરસ્પ્રેનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીના વડા ક્રિસ્ટી નોએમે ઍલેક્સ પ્રિટીને ઘરેલુ આતંકવાદી ગણાવ્યો હતો.
ટ્રમ્પે એજન્ટોનો બચાવ કર્યો
પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ICE એજન્ટોનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને પોતાને સુરક્ષિત રાખવા પડશે, જે સરળ વાત નહોતી. મિનેસોટાના ગવર્નર અને મિનીઆપોલિસના મેયર પર પોલીસને રોકવાનો આરોપ લગાવતાં ટ્રમ્પે પૂછ્યું હતું કે ‘સ્થાનિક પોલીસ ક્યાં છે? તેમને ICE અધિકારીઓનું રક્ષણ કરવાની મંજૂરી કેમ ન આપવામાં આવી?’
પરિવારે નિવેદન બહાર પાડ્યું
કોલોરાડોમાં રહેતાં ઍલેક્સ પ્રિટીનાં માતા-પિતાએ તેને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેતી વખતે સુરક્ષિત રહેવા કહ્યું હતું. ઍલેક્સ પ્રિટીના પરિવારે કહ્યું હતું કે ‘પ્રશાસન દ્વારા અમારાન પુત્ર વિશે કહેવામાં આવેલાં ભયાનક જૂઠાણાં નિંદનીય અને ઘૃણાસ્પદ છે. અમે દિલથી ભાંગી ગયા છીએ, પણ ખૂબ ગુસ્સે પણ છીએ. ઍલેક્સ દયાળુ હતો જેણે પોતાના પરિવાર અને મિત્રો અને મિનીઆપોલિસ VA હૉસ્પિટલમાં ICU નર્સ તરીકે સંભાળ રાખતા અમેરિકન નિવૃત્ત સૈનિકોની ખૂબ કાળજી રાખી હતી. ઍલેક્સ આ દુનિયામાં ફરક લાવવા માગતો હતો. કમનસીબે તે એની અસર જોવા માટે અમારી સાથે રહેશે નહીં. અમે તેને હીરો એમનેમ નથી કહેતા. તે છેલ્લે-છેલ્લે પણ એક મહિલાનું રક્ષણ કરી રહ્યો હતો. ટ્રમ્પના હત્યારા અને કાયર ICE ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો ત્યારે ઍલેક્સ સ્પષ્ટપણે બંદૂક પકડી રહ્યો નથી. તેના જમણા હાથમાં તેનો ફોન છે અને તેનો ખાલી ડાબો હાથ તેના માથા પર ઊંચો છે


