બંગલાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે ગયા મહિને સાંપ્રદાયિક હિંસાની ૫૧ ઘટનાઓ નોંધી હતી.
પ્રતીકાત્મક તસવીર
બંગલાદેશમાં હિન્દુઓની સ્થિતિ સુધરવાનું નામ નથી લેતી. આ વખતે સુનામગંજ જિલ્લામાં રહેતા જૉય મહાપાત્રો નામના યુવાનની હત્યા થઈ છે. પરિવારનું કહેવું છે કે જૉયની પહેલાં મારપીટ કરવામાં આવી હતી અને એ પછી તેને ઝેર પીવડાવી દીધું હતું. એ પછી તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તે બચી શક્યો નહોતો.
ભારતના વિદેશમંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું કે ‘બંગલાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા અલ્પસંખ્યકો સાથે તેમનાં ઘરો અને વ્યવસાયો પર થતા હુમલાનો સિલસિલો ચિંતાજનક છે. આ પ્રકારની સાંપ્રદાયિક ઘટનાઓ સામે સખતાઈ જરૂરી છે. આ ઘટનાઓમાં વ્યક્તિગત દુશ્મની, રાજનીતિક મતભેદો અને અન્ય કારણોને જોડી દેવાની પ્રવૃત્તિ ચિંતાજનક છે. ’
ADVERTISEMENT
એક મહિનામાં ૫૧ ઘટનાઓ
બંગલાદેશ હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદે ગયા મહિને સાંપ્રદાયિક હિંસાની ૫૧ ઘટનાઓ નોંધી હતી. એમાં ૧૦ હત્યાઓ, ચોરી અને લૂંટફાટની ૧૦ વ્યક્તિગત ઘટનાઓ તેમ જ વ્યાપારિક સંસ્થાઓ અને મંદિરો પર કબજો જમાવીને લૂંટફાટ કરવાની ૨૩ ઘટનાઓ સામેલ છે. જાન્યુઆરી મહિનામાં ૪ હિન્દુઓની હત્યા થઈ છે એને કારણે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાનો સંયુક્ત મૃત્યુનો આંકડો ૧૪ સુધી પહોંચી ગયો છે.


