ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની ધમકીઓ આપવાનું બંધ કરો : ડેન્માર્કનાં વડા પ્રધાને આપી પ્રતિક્રિયા
ડેન્માર્કનાં વડા પ્રધાન મેટ્ટે ફ્રૅડરિકસેન
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર કહ્યું હતું કે અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાનાં કારણોસર ગ્રીનલૅન્ડની જરૂર છે. ત્યાર બાદ ડેનિશ વડા પ્રધાને કહ્યું છે કે અમેરિકાને આ પ્રદેશમાં કબજો કરવાનો અધિકાર નથી.
વેનેઝુએલા પર હુમલો કરીને એના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોની ધરપકડ કર્યાના એક દિવસ પછી ટ્રમ્પે ફરીથી ભાર મૂક્યો હતો કે ‘સંસાધનોથી ભરપૂર આર્કટિક પ્રદેશ ગ્રીનલૅન્ડ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. આ ટાપુ રશિયન અને ચીની જહાજોથી ઘેરાયેલો છે. અમેરિકાને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ગ્રીનલૅન્ડની જરૂર છે અને ડેન્માર્ક એ કરી શકશે નહીં.’
ADVERTISEMENT
જોકે ટ્રમ્પના આ નિવેદન બાદ ડેન્માર્કનાં વડા પ્રધાન મેટ્ટે ફ્રૅડરિકસેને પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘હું અમેરિકાને ધમકીઓ આપવાનું બંધ કરવાની ભારપૂર્વક વિનંતી કરીશ. અમેરિકાને ગ્રીનલૅન્ડ પર કબજો કરવાની જરૂર છે એ વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. અમેરિકાને ડેનિશ રાજ્યના ત્રણ (ડેન્માર્કની મુખ્ય ભૂમિ અને એના ટાપુઓ, ફેરો ટાપુઓ અને ગ્રીનલૅન્ડ)માંથી કોઈ પણ દેશને એની સાથે જોડવાનો કોઈ અધિકાર નથી. આ પ્રદેશો એક જ સાર્વભૌમ રાજ્ય હેઠળ એક થયા છે અને વિદેશનીતિ, સંરક્ષણ અને ચલણ શૅર કરે છે. જોકે ફેરો ટાપુઓ અને ગ્રીનલૅન્ડ નોંધપાત્ર સ્વાયત્તતાનો આનંદ માણે છે.’


