ટેક્સસ હાઉસિંગ માર્કેટમાં વીઝા-પ્રતિબંધો સાથે જોડાયેલા સ્થળાંતરને કારણે મંદી આવી છે.
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં ભારતવિરોધી ભાવનાઓ વધી રહી છે ત્યારે ટેક્સસમાં ઘર વેચવા કાઢનારા એક ભારતીય મૂળના મકાનમાલિકે જણાવ્યું હતું કે ઘરની હિન્દુ ધાર્મિક ઇમેજને કારણે તેમનું ઘર વેચવું મુશ્કેલ બની ગયું છે, જેને કારણે તેમને તેમના ઘરમાંથી ભગવાન ગણેશની મૂર્તિ દૂર કરવાની ફરજ પડી હતી. ઘર જોવા આવેલી એક પાર્ટી ઘરમાં મૂર્તિ જોઈને પાંચ મિનિટમાં જ ત્યાંથી નીકળી ગઈ હતી. ટેક્સસ હાઉસિંગ માર્કેટમાં વીઝા-પ્રતિબંધો સાથે જોડાયેલા સ્થળાંતરને કારણે મંદી આવી છે.
ભારતીય મૂળના રવિ વાવિલાલા ૨૦૨૩માં નૉર્થ કૅરોલિનાના શાર્લોટથી તેમના પરિવાર સાથે ટેક્સસના સેલિના વિસ્તારમાં આવ્યા હતા. સેલિનામાં ભારતીય પરિવારો મોટા પ્રમાણમાં વસ્યા છે. સ્થળાંતર કર્યાના થોડા સમય પછી રવિને સ્ટેજ-ફૉર કૅન્સર હોવાનું નિદાન થયું હતું અને બાદમાં તેમણે નોકરી ગુમાવી દીધી હતી. વધતા પડકારોનો સામનો કરીને પરિવારે ઘર વેચાણ માટે મૂક્યું હતું. જોકે ઘર વેચવું મુશ્કેલ સાબિત થયું હતું.
ADVERTISEMENT
એક સંભવિત ખરીદનાર ઘરની મુલાકાતે આવ્યો હતો, પરંતુ થોડી વારમાં જ ત્યાંથી ચાલ્યો ગયો હતો. રવિના રિયલ એસ્ટેટ એજન્ટે કહ્યું હતું કે તેને ઘરની ધાર્મિક સજાવટ ગમી નહોતી, તમારે ઘરને ન્યુટ્રલ બનાવવું પડશે.
આ ફેરફારના ભાગરૂપે પરિવારે ભગવાન ગણેશની મૂર્તિ દૂર કરીને એને સ્ટોરેજ સુવિધામાં મૂકી હતી. ઘરને ન્યુટ્રલ બનાવવા છતાં ૩ મહિના પછી પણ કોઈ ઑફર મળી નથી અને હવે નુકસાન સાથે ઘર વેચવાનો વારો આવી શકે છે.
