બન્ને દેશો વચ્ચે દોહામાં બેઠક થઈ અને કતરના વિદેશ મંત્રાલયે કરી જાહેરાત
અફઘાનિસ્તાનના રક્ષાપ્રધાન મુલ્લા મોહમ્મદ યાકૂબ અને પાકિસ્તાનના રક્ષાપ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફ શનિવારે દોહામાં યુદ્ધવિરામ માટે સહમત થયા હતા.
પાકિસ્તાને શુક્રવારે અફઘાનિસ્તાન પર ઍરસ્ટ્રાઇક કરી એમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પહેલાં ૧૫ ઑક્ટોબરે બન્ને દેશ વચ્ચે ૪૮ કલાક માટે સીઝફાયર થયું હતું. શુક્રવારે એ સમય સમાપ્ત થતાં જ પાકિસ્તાને હુમલો કરી દીધો હતો. જોકે ચાલી રહેલા સંઘર્ષને રોકવા માટે શનિવારે મળેલી એક બેઠકમાં તાત્કાલિક ધોરણે સીઝફાયર કરવા પર બન્નેએ સહમતી જતાવી હતી. આ વાતની જાહેરાત કતરના વિદેશ મંત્રાલયે કરી હતી. કતર અને ટર્કીની મધ્યસ્થતાથી દોહામાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત થઈ હતી. કતર વિદેશ મંત્રાલયના સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે બન્ને દેશો હવે પછીના કેટલાક દિવસો ફૉલોઅપ મીટિંગ કરવા તૈયાર છે જેથી સંઘર્ષવિરામને ટકાઉ બનાવી શકાય.
કતરે આ સમાધાનને એક મોટી કૂટનીતિક સફળતા ગણાવીને આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સીમા પર તનાવ ઘટશે તો આ ક્ષેત્રમાં સ્થાયી શાંતિનો પાયો નખાશે.
ADVERTISEMENT
પાકિસ્તાને ૪૨ વર્ષથી રહેતા ૨૦ હજાર અફઘાનીઓને કાઢ્યા
પાકિસ્તાન પહેલેથી બેમોઢાળું જ રહ્યું છે. કહે કંઈક અને કરે કંઈક. એક તરફ દોહામાં યુદ્ધવિરામની વાત પર સહમતી જતાવી અને બીજી તરફ પાકિસ્તાનના કરાચીમાં ૨૦૦ એકર જમીન પર રહેતા ૨૦,૦૦૦ અફઘાની શરણાર્થીઓની આખી બસ્તી ખાલી કરાવી દીધી. ૩૦૦૦ ઝૂંપડીઓને પણ તોડી નાખી હતી. આ શરણાર્થીઓ ૧૯૮૩થી એટલે કે ૪૨ વર્ષથી અહીં રહેતા હતા.
અફઘાનિસ્તાની નેતાની ચીમકી ઃ પાકિસ્તાની સેનાને ભારતની સીમા સુધી પહોંચાડી દઈશું
પાકિસ્તાન વારંવાર સીઝફાયર પછી પણ હુમલો કરી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાનના આંતરિક બાબતોના ડેપ્યુટી પ્રધાન અને તાલિબાની નેતા મૌલવી મુહમ્મદ નબી ઓમારીએ પાકિસ્તાનને હવે કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે અફઘાની સેના અને રાષ્ટ્ર જો ધાર્મિક આદેશથી તમને આક્રમણકારી ઘોષિત કરી દેશે તો કસમ ખાઉં છું કે તમારી સેનાનો પીછો કરીને ભારતીય બૉર્ડર સુધી પહોંચાડી દઈશું.


