આ ચિત્રની લંબાઈ ૧૨૦ ફુટ અને પહોળાઈ ૯૧.૫ ફુટ છે. આ ચિત્ર તૈયાર કરવામાં એક નહીં, પરંતુ ૧૧ વિવિધ પ્રકારનાં અનાજ ભેગાં કરીને કુલ ૧૦૧ ક્વિન્ટલ અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ચિત્ર બનાવવામાં કોઈ કૃત્રિમ રંગનો ઉપયોગ કર્યો નથી.
પ્રતીકાત્મક તસવીર
નેપાલના જનકપુર ધામ સ્થિત નેપાલના બે અને ભારતના આઠ કલાકારો મળીને કુલ ૧૦ કલાકારોએ એક મોટા મેદાનમાં અનાજના દાણામાંથી ભગવાન શ્રીરામ અને સીતાનું મોટું ચિત્ર બનાવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર વિશ્વની સૌથી મોટી તસવીર છે.
આ ચિત્રની લંબાઈ ૧૨૦ ફુટ અને પહોળાઈ ૯૧.૫ ફુટ છે. આ ચિત્ર તૈયાર કરવામાં એક નહીં, પરંતુ ૧૧ વિવિધ પ્રકારનાં અનાજ ભેગાં કરીને કુલ ૧૦૧ ક્વિન્ટલ અનાજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ભવ્ય ચિત્ર બનાવવામાં કોઈ કૃત્રિમ રંગનો ઉપયોગ કર્યો નથી. ચિત્ર બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર કલાકાર સતીશ ગુજરનું કહેવું છે કે વિવાહ પંચમીના અવસરે કલાકારો એકત્ર થાય છે, કારણ કે એને એક મોટી ઘટના માનવામાં આવે છે. તેમણે ભગવાન શ્રીરામ, દેવી સીતા, વિશ્વામિત્ર અને રાજા જનકનાં ચિત્ર બનાવ્યાં છે.
ADVERTISEMENT
સતીશ ગુજરે ગયા વર્ષની શરૂઆતમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામ અને દેવી સીતાનું ચિત્ર બનાવવા માટે પણ અનાજનો ઉપયોગ કર્યો હતો. આ ચિત્ર ૧૦,૮૦૦ ચોરસ ફુટ વિસ્તારને આવરી લે છે. નેપાલમાં જે કલાકૃતિ બનાવવામાં આવી છે એને બનાવતાં એક અઠવાડિયું લાગ્યું હતું અને એનું કામ ગયા સપ્તાહના અંતે પૂરું થયું હતું. ત્યાર બાદ એને લોકોને જોવા માટે ખોલવામાં આવ્યું હતું. કેટલાક લોકો આ ચિત્ર જોયા બાદ ખુશ છે અને એની ઉજવણી કરી રહ્યા છે, તો અમુક લોકોને લાગે છે કે આ તો એક રીતે અનાજનો બગાડ છે, કારણ કે આપણા દેશમાં દરરોજ ઘણા લોકો જમવા ન મળતાં ભૂખ્યાં જ સૂઈ જાય છે.
