સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, સ્ટૅચ્યુ ઑફ યુનિટી જેવાં ગુજરાતનાં પ્રવાસન, ઐતિહાસિક, ધાર્મિક સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળો સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર વિવિધ સ્થળોએ લાખો લોકોએ કર્યા યોગ

અમદાવાદમાં મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમમાં વિદ્યાર્થિનીઓએ યોગ કર્યા હતા.
અમદાવાદ ઃ ગુજરાતનાં પ્રવાસન, ઐતિહાસિક, ધાર્મિક સહિતનાં ૭૫ આઇકૉનિક સ્થળો સહિત સમગ્ર ગુજરાતમાં વિવિધ સ્થળોએ ગઈ કાલે લાખો લોકોએ પોતાના સ્વાસ્થ્યને માટે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગ-પ્રાણાયમ કર્યા હતા.
ગુજરાતમાં યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયો હતો. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણાં રાજ્યપ્રધાન ડૉ. ભાગવત કરાડ અને ગુજરાતના રમતગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ મહાનુભાવોએ પણ શહેરીજનો સાથે મળીને યોગ-પ્રાણાયમ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ગુજરાતમાં ૭૫ આઇકૉનિક સ્થળો પર યોગપ્રેમીઓએ યોગ દિનની ઉજવણી કરી હતી. આ વર્ષે માનવતા માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરી રહ્યા છીએ
અમદાવાદ રિવરફ્રન્ટ પર ઉપરાંત સાબરમતી આશ્રમમાં વિદ્યાર્થિનીઓએ યોગ કર્યા હતા. આ ઉપરાંત નર્મદા નદીના કિનારે સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે, નવસારી પાસે આવેલા નૅશનલ સૉલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ દાંડી, કચ્છના સફેદ રણ, મોઢેરામાં આવેલા સૂર્યમંદિર, પાટણમાં રાણી કી વાવ, ભરૂચના ગોલ્ડન બ્રિજ સહિતનાં આઇકૉનિક સ્થળે યોગ ડેની ઉજવણી કરાઈ હતી. બી.એસ.એફ. ગુજરાતના જવાનોએ ગાંધીનગર, નડાબેટ, સફેદ રણ, ધોળાવીરા, સૂર્યમંદિર સહિતનાં સ્થળોએ યોગ ડેની ઉજવણીમાં ભાગ લીધો હતો.