આ ગુજરાતી કલાકારોને વર્ષ 2021માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં છે, જેમણે રાષ્ટ્રપતિ ભવનમાં જઈ રામનાથ કોવિંદના હસ્તે આ અવોર્ડ મેળવ્યો હતો.

વર્ષ 2021માં ગુજરાતી કલાકારો પદ્મશ્રીથી સન્માનિત
વર્ષ 2021 હવે પુરૂ થવા પર છે. કેટલાક ગુજરાતી ઓ માટે આ વર્ષ ઉત્સાહિત અને આનંદમય રહ્યું છે. એમાંય જે ગુજરાતીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મ એવોર્ડથી નવાજવામાં આવ્યાં તેઓ માટે આ વર્ષ ગર્વનું બની ગયું છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2020 અને 2021 માટે પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા હતાં. જેમાં ગુજરાતની કેટલીક હસ્તીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.
હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ
સુરેન્દ્રનગરના થાનગઢના વતની અને પોતાની આગવી અને સરળ શૈલીમાં હાસ્યને રજૂ કરી લોકોને ખડખડાટ હસાવતાં શાહબુદ્દીન રાઠોડને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે સ્થાનિક ભાષામાં સરળ હાસ્ય દેશ-વિદેશમાં પહોંચાડવામાં અને થાનમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.
અભિનેત્રી સરિતા જોષી
ગુજરાતી રંગભૂમિથી કરીઅર શરૂ કરીને ફિલ્મો અને ટીવી-સિરિયલમાં અકલ્પનીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરનારાં દિગ્ગજ અભિનેત્રી સરિતા જોષીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સરિતા જોષીને 2022માં પદ્મશ્રી ખિતાબ આપવામાં આવ્યો હતો, પણ કોવિડને કારણે ગયા વર્ષે એ સમારંભ યોજાયો નહોતો, જેથી આ વર્ષે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં.
કલાકાર મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા
ગુજરાતી ગાયક સ્વ. મહેશ કનોડિયા અને તેમના ભાઈ, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાનો એવોર્ડ પત્ની રતનબેન કનોડિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે મહેશ કનોડિયાનો એવોર્ડ તેમના ભત્રીજા અને અભિનેતા હિતુ કનોડિયાએ સ્વીકાર્યો હતો.
લિજ્જત પાપડના માલિક જસવંતીબેન જમનાદાસ પોપટ
પાપડની વાત આવે ત્યારે સૌપ્રથમ લિજ્જત પાપડ યાદ આવે છે. આ પાપડના માલિક તરીકે જાણીતા 93 વર્ષિય ગુજરાતી મહિલા જસવંતીબેન જમનાદાસ પોપટને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા. તેઓ મૂળ કાઠિયાવાડના હાલારી લોહાણા સમાજમાંથી આવે છે. હાલ તેઓ મુંબઈ રહે છે.
પ્રો. સુધીર જૈન
IIT ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. સુધીર જૈનને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પ્રો. જૈને ભૂકંપ ઈજનેરી શિક્ષણ, સંશોધન અને પ્રેક્ટિસ ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.
ગફુરભાઈ બિલખીયા
જ્યારે વાપીના ઉદ્યોગસાહસિક અને ગાંધીવાદી ગફુરભાઈ બિલખીયાને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.