સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સવાર-સવારમાં કમોસમી વરસાદથી ખેતરોમાં ઊભા મોલને નુકસાનઃ અંકલેશ્વરમાં બે, સાવરકુંડલામાં દોઢ, ઉમરપાડામાં દોઢ, તલાલા અને ઝઘડિયામાં સવા ઇંચ વરસાદ: અડધો ઇંચ કમોસમી વરસાદમાં સુરત પાણી-પાણી થયું: હજી પણ ભારે વરસાદની આગાહી
ગઈ કાલે પડેેલા વરસાદમાં સુરતની હાલત જુવો કેવી થઈ હતી.
ગુજરાતના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગઈ કાલે પણ કમોસમી વરસાદ ખાબકતાં મે મહિનામાં માવઠાનો માર ગુજરાતના ખેડૂતો સહન કરી રહ્યા છે. કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભા મોલને નુકસાન થયું છે. આટલું ઓછું હોય એમ હજી પણ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે.
ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૪૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં અંકલેશ્વરમાં બે, સાવરકુંડલામાં દોઢ, ઉમરપાડામાં દોઢ, તલાલા અને ઝઘડિયામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં અડધો ઇંચ કમોસમી વરસાદ પડતાં ડભોલી, વરાછા સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. સુરત, ભરૂચ, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, નવસારી, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદના પગલે તલ, કેરી, અડદ, બાજરી, ડાંગર સહિતના પાકોને નુકસાન થયું છે. વરસાદના પગલે ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં મૂકવામાં આવેલી ડુંગળીની ૭૦૦૦ જેટલી ગૂણીઓ પલળી ગઈ હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના રસ્તા પર સૂકવેલી ડાંગર પલળી જતાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજથી ત્રણ દિવસ દરમ્યાન ક્યાંક ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થવાની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગઈ કાલે ગુજરાતમાં ક્યાં, કેટલું મહત્તમ તાપમાન?
કંડલા ઍરપોર્ટમાં ૪૨ ડિગ્રી
રાજકોટમાં ૪૧.૩ ડિગ્રી
અમદાવાદમાં ૪૧ ડિગ્રી
અમરેલીમાં ૪૦.૯ ડિગ્રી
સુરેન્દ્રનગરમાં ૪૦.૮ ડિગ્રી
ગાંધીનગરમાં ૪૦.૫ ડિગ્રી
ડીસામાં ૪૦.૨ ડિગ્રી
ભુજમાં ૪૦.૨ ડિગ્રી


