અમદાવાદમાં યોજાયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાક્યું
રાહુલ ગાંધી
અમદાવાદમાં યોજાયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાએ લાદેલી ટૅરિફને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકવાની સાથે-સાથે મોદી સરકાર તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સામે વાક્પ્રહાર કર્યા હતા.
કૉન્ગ્રેસના અધિવેશનમાં પોતાના વકતવ્યમાં બોલતાં રાહુલ ગાંધીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘પહેલાં નરેન્દ્ર મોદીજી અમેરિકા ગયા ત્યારે ગળે લાગ્યા હતા, યાદ છે? આ વખતે ગળે લાગવાના ફોટો દેખાયા? રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઑર્ડર આપ્યો, જેમને મોદીજી પોતાના મિત્ર કહે છે તેઓએ ઑર્ડર આપ્યો કે આ વખતે ગળે નહીં મળીએ, આ વખતે નવી ટૅરિફ લગાવીશું. ચું પણ ન નીકળી, આજ સુધી ગાયબ છે. જનતાનું ધ્યાન ન જાય એટલે પાર્લમેન્ટમાં બે દિવસ ડ્રામા ચલાવ્યો, પણ સચ્ચાઈ એ છે કે આર્થિક તોફાન આવવાનું છે. કોવિડ હતો ત્યારે નરેન્દ્ર મોદીજીએ થાળી વગડાવી, મોબાઇલ ફોનની લાઇટ બતાવી, હવે આર્થિક તોફાન આવી રહ્યું છે, સામે છે. કરોડો લોકોને નુકસાન થશે. ૫૦ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આજે છે. ક્યાં છે નરેન્દ્ર મોદી? ક્યાં છુપાઈ ગયા? બંગલાદેશના રાષ્ટ્રપતિ ઊલટું બયાન દે છે અને નરેન્દ્ર મોદી તેમની સાથે બેઠા છે. ચૂપ, એક શબ્દ પણ નીકળતો નથી. ક્યાં ગઈ ૫૬ ઇંચની છાતી?’

