મૃતદેહ એ હદે સળગી ગયા કે DNA ટેસ્ટ પહેલાં સોંપવા શક્ય ન બન્યા: અગ્નિકાંડમાં ૨૮નાં મૃત્યુ અને ૩ ગંભીર રીતે દાઝ્યા
આગ પછીના દ્રશ્યો
રાજકોટ ગેમ-ઝોનમાં શનિવારે બનેલી કાળજું કંપાવતી આગની ગોઝારી ઘટનામાં બદનસીબ વ્યક્તિઓનાં શરીર એ હદે સળગી ગયાં હતાં કે પોટલાંમાં બંધાઈને સિવિલ હૉસ્પિટલમાં આવેલા ૨૮ મૃતદેહમાંથી એક પણ ઘટના બન્યાના ૨૪ કલાક પછી પણ સ્વજનોને સોંપી શકાયો નથી.
રાજકોટના ગેમ-ઝોનમાં શનિવારે લાગેલી આગમાં ૨૮ લોકો બળીને મૃત્યુ પામ્યા હતા અને ૩ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાળકો સહિત જે લોકો આગમાં મૃત્યુ પામ્યા તેમના મૃતદેહને ઓળખવા મુશ્કેલ બન્યા હતા, જેથી તમામ મૃતદેહની ઓળખ માટે તેમનાં ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલ અને પરિવારજનોનાં રેફરલ સૅમ્પલ ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગરની ફૉરેન્સિક સાયન્સ લૅબોરટરીમાં પહોંચાડવામાં આવ્યાં હતાં, જેનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વજનોને સોંપવા શક્ય બન્યા નહોતા. જોકે ગઈ કાલે મોડી સાંજે એવી વિગતો બહાર આવી હતી કે પાંચ મૃતદેહનાં સૅમ્પલ મૅચ થયાં છે.