Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે પછી યુદ્ધનું મેદાન ફક્ત રાજકોટ નહીં, સમગ્ર ગુજરાત હશે; ૨૬ બેઠકો પર અસર કરીશું

હવે પછી યુદ્ધનું મેદાન ફક્ત રાજકોટ નહીં, સમગ્ર ગુજરાત હશે; ૨૬ બેઠકો પર અસર કરીશું

04 April, 2024 09:47 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

આજે સાંજ સુધીમાં પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો BJPના કાર્યાલય કમલમમાં રાજપૂત બહેનોની જૌહર કરવાની ચીમકી

ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના આગેવાનોએ મીડિયા સમક્ષ તેમની રજૂઆત કરી હતી.

ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના આગેવાનોએ મીડિયા સમક્ષ તેમની રજૂઆત કરી હતી.


કેન્દ્રીય પ્રધાન અને સૌરાષ્ટ્રમાં રાજકોટ લોકસભાની બેઠકના BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ માટે કરેલી વિવાદિત ટિપ્પણી બાદ વિવાદનો ઉકેલ લાવવા ગઈ કાલે અમદાવાદમાં મળેલી BJPના ક્ષત્રિય આગેવાનો અને ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના આગેવાનો સાથેની બેઠક નિષ્ફળ રહી હતી. પરષોત્તમ રૂપાલાને માફી આપવાની વાત લઈને આવેલા BJPના ક્ષત્રિય આગેવાનોની વાતને સંકલન સમિતિના આગેવાનોએ મંજૂર નહોતી કરી અને ચીમકી ઉચ્ચારતાં એવી જાહેરાત કરી હતી કે હવે પછી યુદ્ધનું મેદાન ફક્ત રાજકોટ નહીં, સમગ્ર ગુજરાત હશે અને ૨૬ બેઠકો પર અસર કરીશું. પરષોત્તમ રૂપાલાના મુદ્દે અમદાવાદમાં મળેલી બેઠકમાં ક્ષત્રિય આગેવાનો એક જ વાત પર અડગ રહ્યા કે BJP પહેલાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે, સમાજ માફી નહીં આપે. રૂપાલાના મુદ્દે પુનર્વિચારણા કરીને માફી આપવાની BJPની ફૉર્મ્યુલાને રાજપૂત આગેવાનોએ ફગાવી હતી. BJPના ક્ષત્રિય આગેવાનોએ રાજપૂત સમાજની આ વાતને હાઈ કમાન્ડ સુધી પહોંચાડશે એવી ખાતરી આપી હતી. બીજી તરફ આજે સાંજ સુધીમાં પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો ગાંધીનગર–અમદાવાદ હાઇવે પર આવેલા BJPના મુખ્ય કાર્યાલય કમલમમાં રાજપૂત બહેનોએ જૌહર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 


બેઠક પછી કયા આગેવાનોએ શું કહ્યું ?
અમે પુનર્વિચારણા માટે વાત કરી, પણ તેમને મંજૂર નથી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 

અમદાવાદમાં મળેલી બેઠક બાદ ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને BJPના સિનિયર આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને કહ્યું હતું કે ‘સંકલન સમિતિની કોર કમિટીની સમક્ષ અમારી વાત કરી છે. પરષોત્તમ રૂપાલાએ માફી માગી હતી અને પ્રદેશ અધ્યક્ષે પણ માફ કરી દેવા વિનંતી કરી હતી. મેં આ વાત કોર કમિટી સમક્ષ રજૂ કરી હતી. અમે બધાએ તેમને પણ સાંભળ્યા હતા અને અમે પુનર્વિચારવા માટે વાત કરી, પણ તેમણે સર્વાનુમતે અમને જણાવ્યું કે પરષોત્તમભાઈને માફી આપવાની વાત લઈને તમે આવ્યા છો એ અમને મંજૂર નથી.’રજવાડાં આપી દીધાં, પણ એક વ્યક્તિ સંસદપદ નથી છોડી શકતી : રમજુભા જાડેજા 

ગુજરાત રાજપૂત સમાજની સંકલન સમિતિના સંયોજક રમજુભા જાડેજાએ કહ્યું કે ‘અમને સમજાવવાની કે હળવાશથી લેવાની જે વાત પક્ષ અને સરકારે કરી એનું આ પરિણામ છે. એક સામાન્ય વાત છે કે આ નૈતિક અધઃપતનને અટકાવવા એક વ્યક્તિ તેમનું પોતાનું સંસદપદ નથી છોડી શકતી? જેણે આટલાં રજવાડાંઓ આપી દીધાં તેમણે કેવી રીતે આપી દીધાં હશે? તમે એક ખાલી સંસદસભ્ય તમારે જિંદગી આખી રહેવાનું છે? એવું કોઈ સંજોગોમાં ક્ષત્રિય સમાજ સ્વીકારે નહીં એટલા માટે તેમની ટિકિટ રદ કરવા સિવાયની કોઈ પણ જાતની ચર્ચા કરી નથી. હવે પછી જે થવાનું હોય એના માટે તૈયારી અમે ચાલુ કરી દીધી છે.’

હાઈ કમાન્ડ માટે પરષોત્તમ રૂપાલા અગત્યના છે કે ગુજરાતના ૭૫ લાખ ક્ષત્રિયો અને ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો? : કરણસિંહ ચાવડા
ગુજરાત રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે ‘અમે તેમને એમ કહ્યું કે એક બાજુ ગુજરાતના ૭૫ લાખ ક્ષત્રિયો છે અને સમગ્ર ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો છે તો તમે હાઈ કમાન્ડને જેમણે તમને મોકલ્યા છે તેમને અમારી વાત પહોંચાડીને કહેજો કે તમારા માટે પરષોત્તમ રૂપાલા અગત્યના છે કે ગુજરાતના ૭૫ લાખ ક્ષત્રિયો અને ભારતના બાવીસ કરોડ ક્ષત્રિયો અગત્યના છે? ઍ સ્ટૅન્ડ ક્લિયર કરજો. પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની આ છેલ્લી મીટિંગ, આના પછી કોઈ મીટિંગ ક્ષત્રિય સમાજ કરવાનું નથી. અમારી સંકલન સમિતિની કોર કમિટીમાં બે-ત્રણ માતાઓએ એવું કહ્યું કે કાલે પાંચ વાગ્યા સુધીમાં પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો અમે કમલમમાં જઈને જૌહર કરીશું એટલે બહેનોને વિનંતી કરું છું કે અમે જીવતા હોઈશું ત્યાં સુધી આ લડાઈ લડવાના છીએ, આવું કોઈ પગલું ભરતાં નહીં. કોઈ પણ રાજકીય પક્ષ એવો નથી કે અમને દબાણ કરી શકે. આ યુદ્ધનું મેદાન છે અને હવે પછી યુદ્ધનું મેદાન ફક્ત રાજકોટ નહીં હોય, સમગ્ર ગુજરાત હશે. ૨૬ બેઠકો પર અમે આની ૧૦૦ ટકા અસર કરીશું. આ આંદોલન કોઈ સમાજ સામે નથી, આ આંદોલન ફક્ત પરષોત્તમ રૂપાલાની સામે છે.’  

રામરાજ્યમાં બહેન-દીકરીઓની આવી સ્થિતિ નહોતી : તૃપ્તિબા રાઓલ 

ગુજરાત રાજપૂત સમાજનાં મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલે મીડિયાને કહ્યું હતું કે ‘થોડા સમય પહેલાં એવું કહેવામાં આવ્યું કે વર્ષો પછી રામરાજ્ય આવ્યું. રામરાજ્ય આવ્યું તો રામરાજ્યમાં બહેનો-દીકરીઓની આવી સ્થિતિ નહોતી કે બહેનો-દીકરીઓએ આટલા દિવસ સુધી લડત આપવી પડે અને ઉપર સુધી નોંધ ન લેવામાં આવે. નિમ્ન કક્ષાની રાજનીતિ પર આજના નેતાઓ ઊતરી ગયા છે અને માત્ર રાજપૂત સમાજનો ઇતિહાસ ભૂસવાની વાત નથી, આ તો રાજપૂત સમાજના ઇતિહાસ પર છાંટા ઉડાડવાની વાત છે. રાજા-મહારાજા ઝૂક્યા, રજવાડાંઓ ઝૂક્યાં અને રોટી-બેટીનો વ્યવહાર કર્યો... આ કોઈ પણ રીતે સ્લિપ ઑફ ટંગ નથી. મોવડીમંડળ ટિકિટ રદ નથી કરતું તો અહીંથી રાજપૂત સમાજ એવું માની લેશે કે પરષોત્તમ રૂપાલાનું નિવેદન છે એને BJP પણ સમર્થન આપે છે.’




અમદાવાદમાં યોજાયેલી BJPના ક્ષત્રિય આગેવાનો સાથેની મીટિંગમાં રાજપૂત સમાજનાં મહિલા આગેવાનો પણ આવ્યાં હતા. તસવીર (જનક પટેલ)

અત્યારે હું અનશન પર છું : પદ્મિનીબા વાળા  
રાજપૂત સમાજનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ મીડિયાને કહ્યું હતું કે ‘અમારું સન્માન જળવાઈ રહે. બહેનો-દીકરીઓ સામે જોઈને અને અમારા ફેવરમાં ડિસિઝન આવે એવી આશા અમે રાખી રહ્યાં છીએ. અત્યારે હું અનશન પર છું. અમારું એક જ ડિસિઝન છે કે પરષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 09:47 AM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK