સુરતના ચોર્યાસી અને અમરેલીના ખાંભા તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ : સાંજે ૬ વાગ્યા સુધીમાં ૩૫ તાલુકાઓમાં વરસાદ પડ્યો
સુરતમાં પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયાં હતાં. પ્રદીપ ગોહિલ
અમદાવાદ ઃ ગુજરાતમાં ગઈ કાલે અમદાવાદ, સુરત સહિત સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૩૫ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. એમાં પણ અમદાવાદ અને સુરતના અનેક વિસ્તારોમાં પડેલાં જોરદાર વરસાદી ઝાપટાંના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.
ગુજરાતમાં ગઈ કાલે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં અને અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ત્રણ ઇંચ જેટલો, રાજકોટના ઉપલેટા તાલુકામાં બે ઇંચથી વધુ, ગીર સોમનાથના તાલાલા અને ઉના તેમ જ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ગઈ કાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર તેમ જ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
સુરતમાં ગઈ કાલે પડેલા વરસાદના કારણે ગોડદરા રોડ, ડીંડોલી, લિંબાયત સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં ઘાટલોડિયા, મણિનગર, ઉસ્માનપુરા, પાલડી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં, જેના કારણે આ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.


