હાર્દિકના સ્થાને હવે લાલજી પટેલે મોરચો સંભાળ્યો

ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનનો મોરચો હવે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સંભાળ્યો હોય એમ જણાય છે. ગુજરાત સરકારે જાહેર કરેલા પૅકેજનો વિરોધ કરીને પાટીદારોને અનામત આપવાની માગણી સાથે એક કરોડ ફૉર્મ ભરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત સરકારના પૅકેજનો પાટીદાર સમાજ વિરોધ કરે છે અને આ પૅકેજથી સમાજને સંતોષ નથી. સરદાર પટેલ ગ્રુપ હવે પાટીદાર સમાજના ઘરે-ઘરેથી એક કરોડ માહિતી ફૉર્મ ભરાવશે. ગુજરાતમાં સરદાર પટેલ ગ્રુપ તથા અન્ય પાટીદાર સંગઠનો દ્વારા આ ફૉર્મ ભરાવીને ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટરોને આ વિશેનું આવેદનપત્ર આપીને આ ફૉર્મ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે અને તેમને જણાવવામાં આવશે કે પાટીદારો કઈ સ્થિતિમાં જીવે છે અને પાટીદાર સમાજને પણ અનામત આપો એવી માગણી કરવામાં આવશે.’
આ ઉપરાંત અધર બૅકવર્ડ ક્લાસ (OBC) પંચમાં પણ રજૂઆત કરવામાં આવશે. આ ફૉર્મ ભરાવવાની શરૂઆત મહેસાણાથી કરવામાં આવશે.


