સરદાર પટેલ ગ્રુપના પ્રેસિડન્ટ લાલજી પટેલની અનશનની અરજી રિજેક્ટ

સરદાર પટેલ ગ્રુપના આ પ્રેસિડન્ટ અને કન્વીનર હાર્દિક પટેલ વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા છે. હાર્દિક પટેલ અત્યારે અમદાવાદમાં તોફાનોને કારણે જે કોઈ હેરાન થયું છે તે સૌની સાથે મીટિંગ કરી રહ્યો છે, પણ એમાં જોડાવાને બદલે લાલજી પટેલે સરકાર વિરુદ્ધ અનશન કરવાની પરમિશન માગી હતી. હાર્દિક પટેલે એ અનશનમાં જોડાવાની ના પાડી હતી, જ્યારે લાલજી પટેલે કહ્યું હતું કે બન્નેની માગણી એક જ છે એટલે તે બીજું કામ કરે એમાં અમને વાંધો નથી.
અનશનની આ પરમિશન આપવાથી ગુજરાતમાં નવેસરથી શાંતિ જોખમાઈ શકે એવી સંભાવના હોવાનું કારણ આપીને ઍપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત આવતા દસ દિવસ સુધી આવી અરજી કરવી નહીં એવી સૂચના પણ આપવામાં આવી છે.
શાંતિનો વિશ્વાસ અપાવવા સરકારની સખાવત : BRTS ને સિટી બસ-સર્વિસ મહિના માટે ફ્રી
અમદાવાદમાં યોજાયેલી પાટીદાર મહાક્રાન્તિ રૅલી પછી ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનો હવે શાંત થયાં છે અને જનજીવન થાળે પડવાનું શરૂ થયું છે ત્યારે આ શાંતિ કાયમી છે અને હવે ગભરાવાની કોઈ જરૂર નથી એવો સંદેશ લોકો સુધી પહોંચે એ માટે ગુજરાત સરકારે જાતજાતનાં પગલાં લેવાં શરૂ કર્યા છે. આ ઍક્શનના ભાગરૂપે ગુજરાત સરકારે ગુજરાતનાં તમામ શહેરોની સિટી બસ-સર્વિસ અને જ્યાં પણ BRTS છે ત્યાં એની સફર ફ્રી કરવાનો આદેશ મ્યુનિસિપલ કૉર્પોરેશનને આપ્યો છે.
ગુજરાતમાં શાંતિ : કરફ્યુમાં રાહત
અનામતની માગણી માટે પાટીદારોના આંદોલન બાદ મંગળવારે રાત્રે ગુજરાતમાં શરૂ થયેલાં તોફાનોમાં ગઈ કાલે રાહતનો દિવસ રહ્યો હતો અને એક પણ નવો હિંસાનો બનાવ નોંધાયો નહોતો. રાજ્યમાં એકદમ શાંતિનો માહોલ હતો.
ક્યાં કરફ્યુ છે? : અમદાવાદમાં રામોલ, નિકોલ, બાપુનગર, ઓઢવ, નરોડા અને કૃષ્ણનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં અને બનાસકાંઠાના ગઢ ગામમાં કરફ્યુ છે.
કરફ્યુ ક્યાંથી હટ્યો? : મહેસાણા, ઊંઝા, વીસનગર, કડી, મોરબી, રાજકોટ, જામનગર, સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તાર તથા અમદાવાદના નારણપુરા, ઘાટલોડિયા અને વાડજ વિસ્તાર.
ત્રીજા દિવસે પણ ફ્લૅગ-માર્ચ : આર્મીએ ગઈ કાલે ત્રીજા દિવસે પણ અમદાવાદના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લૅગ માર્ચ કરી હતી.


