ભુજમાં ખેડૂતોએ યોજી સભા અને રૅલી : દુધઈ સબ-બ્રાન્ચ કૅનલ અને ભચાઉ તાલુકાની વાંઢિયા સબ-બ્રાન્ચ કૅનલના પ્રશ્ન સહિત જમીનના મુદ્દે કચ્છના ખેડૂતો જાગ્રત થઈ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ભુજમાં એકઠા થયા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીનું પાણી સરદાર સરોવર ડૅમમાંથી સમગ્ર કચ્છમાં પહોંચતું કરવાની માગણી સાથે ગઈ કાલે કચ્છના વડામથક ભુજમાં નર્મદા બચાવો, કચ્છ બચાવોના નારા સાથે ખેડૂતોએ સભા અને રૅલી યોજી હતી, જેમાં કચ્છમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટ્યા હતા. દુધઈ સબ-બ્રાન્ચ કૅનલ, ભચાઉ તાલુકાની વાંઢિયા સબ-બ્રાન્ચ કૅનલના પ્રશ્ન સહિત જમીનના મુદ્દે કચ્છના ખેડૂતો જાગ્રત થઈ ભુજમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ એકઠા થયા હતા અને કચ્છ જિલ્લાના ખેડૂત-આગેવાનોએ વિવિધ ૧૧ મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ભુજમાં ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આયોજિત આ સભા અને રૅલીમાં સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટ્યા હતા અને નર્મદા બચાવો, કચ્છ બચાવોના નારા લગાવ્યા હતા. પહેલાં સભા યોજાઈ હતી અને ત્યાર બાદ સભામાં એકઠા થયેલા ખેડૂતોએ વિશાળ રૅલી યોજી હતી.
આ રૅલી કલેક્ટર કચેરી સુધી ગઈ હતી જ્યાં નર્મદાના પાણી માટે માગણી કરીને નર્મદા કૅનલનાં અધૂરાં કામો તાકીદે પૂરાં કરવાં તેમ જ ગૌચર જમીનોના મુદ્દે કલેક્ટર સમક્ષ માગણી કરાઈ હતી. નર્મદાના વધારાના એક મિલ્યન એકર ફુટ પાણી કચ્છને ફાળવાયાં છે એમાંથી નૉર્ધર્ન લિન્ક કૅનલ, સધર્ન લિન્ક કૅનલ અને સારણનાં કામો ચાલુ છે, પણ હાઈ કન્ટુર કૅનલ અને અબડાસા લિન્ક કૅનલની વહીવટી મંજૂરી આપી નથી તો તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે. આ બન્ને કૅનલ પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારોને લાગુ પડે છે અને આ વિસ્તારોમાં પાણીના અન્ય કોઈ
ADVERTISEMENT
સ્રોત નથી તો વહીવટી મંજૂરી તાત્કાલિક આપીને કામ ચાલુ કરાવવા માગણી કરી છે. પાણી ન હોવાથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે એવો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરાયો છે.
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ શિવજી આહિરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છમાં નર્મદાનું માંડ થોડું પાણી પહોંચ્યુ છે, પરંતુ આખા કચ્છમાં નર્મદાનું પાણી હજી પણ પહોંચતું થયું નથી, એટલે નર્મદાના પાણીના મુદ્દે ખેડૂતોની સભા યોજી હતી. આ સભામાં નર્મદાનું પાણી કચ્છના ભાગમાં આવ્યું છે એ આપવા માગણી કરાઈ છે. સરકારી યોજના પ્રમાણે પાણી મળ્યું નથી. આ ઉપરાંત દુધઈ સબ-બ્રાન્ચ કૅનલનું નિરાકરણ થતું નથી, ભચાઉ તાલુકાની વાંઢિયા સબ-બ્રાન્ચ કૅનલનું કામ મંદ ગતિએ ચાલે છે, એ હજી પૂરું થયું નથી. પાણી બાબતે કચ્છની સ્થિતિ ખરાબ છે. કચ્છમાં કંપનીઓનો વિકાસ થાય એનો વાંધો નથી, પરંતુ ખેડૂતોના ભોગે નહીં. ગૌચર જમીનોમાં ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવે વગેરે સહિતના ૧૧ મુદ્દાઓ સાથે આવેદનપત્ર અપાયું છે.’