ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ વરસી ગયો : સાર્વત્રિક વરસાદને પગલે ૨૬ ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આ વખતે ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે જેના કારણે શરૂઆતના તબકકામાં જ ગુજરાતમાં સીઝનનો સરેરાશ ૫૧.૧૬ ટકા વરસાદ વરસી ગયો છે. એમાં પણ આ વખતે કચ્છ પર મેઘો મહેરબાન થયો હોય એમ અત્યાર સુધીમાં ગુજરાતમાં સૌથી વધુ ૫૮.૪૬ ટકા વરસાદ પડી ગયો છે.
ચોમાસાની આ સીઝનમાં ગુજરાતમાં કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૫૫.૨૨ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૯.૩૯ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૩૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૪૮.૦૨ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગુજરાતના જીવાદોરી સરદાર સરોવર ડૅમમાં ૫૪.૯૦ ટકા જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૨૦૬ ડૅમોમાં ૫૯.૫૫ ટકા જેટલું પાણી ભરાયેલું છે. રાજ્યમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે ૨૬ ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયાં છે. ૪૧ ડૅમ હાઈ અલર્ટ પર છે, ૨૧ ડૅમ અલર્ટ પર અને ૨૩ ડૅમોને વૉર્નિંગ આપવામાં આવી છે.


