આજે પણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે
ફાઇલ તસવીર
ગુજરાતમાં ગઈ કાલે સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને મધ્ય ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હોય એમ સાર્વત્રિક વરસાદ જેવો માહોલ સર્જાયો હતો અને મધ્ય ગુજરાતના ઘણા તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. પંચમહાલના મોરવા હડફ તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. આજે પણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૭૮ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં મધ્ય ગુજરાતના મહેમદાવાદમાં બે ઇંચ, નડિયાદ અને સોજિત્રામાં એક ઇંચથી વધુ; જ્યારે ખેડા, પાદરા, વસો, આણંદ, બોરસદ, માતર, પાવીજેતપુર, સંજેલી, લીમખેડા, સંતરામપુર તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપીના કુકરમુંડા અને નિઝર, ડાંગ જિલ્લાના વઘઈ અને આહવા, સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


