સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગઈ કાલે યોજાયેલા મેગા મેડિકલ કૅમ્પમાં ઉપસ્થિત રહેલા સી. આર. પાટીલે સભાને સંબોધતાં કહ્યું હતું

સભાને સંબોધન કરી રહેલા ગુજરાત પ્રદેશ બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે બધી જ સીટો જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે અને આ તમામ સીટો ૫૦,૦૦૦ મતોથી જીતવાનું કાર્યકરોને લક્ષ્ય આપ્યું છે.
સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગઈ કાલે યોજાયેલા મેગા મેડિકલ કૅમ્પમાં ઉપસ્થિત રહેલા સી. આર. પાટીલે સભાને સંબોધતાં કહ્યું હતું કે ‘થોડા દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી આવવાની છે ત્યારે જીત એક માત્ર લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય નિશ્ચિત કર્યું છે. સીટ તો બધી જીતવી જ છે, પણ દરેક સીટ ૫૦,૦૦૦થી વધુ મતથી જીતવી છે એવું લક્ષ્ય લઈને બીજેપીના કાર્યકરો ચાલે.’
આમ આદમી પાર્ટી સામે વાક્પ્રહાર કરતાં તેઓએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ચૂંટણી સમયે રેવડીવાળા આવી ગયા છે. કેવાં-કેવાં વચનો આપી જાય છે. એ વચનો પૂરાં કરી શકશે કે નહીં એની કોઈ ચિંતા કરતા નથી. જેને કંઈ આપવાનું નથી એ તો કંઈ પણ કરી શકે. બીજેપીના કાર્યકરો જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે એનાથી ભવ્ય પરિણામ પક્ષના હિતમાં આવવાનું છે.