શ્રદ્ધા-આફતાબ કેસને લવ-જેહાદ સાથે સરખાવી આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વ સરમાએ કચ્છની સભામાં આ શબ્દો કહ્યા અને કહ્યું કે થોડી ધીરજ રાખો, બહુ જલદી કૉમન સિવિલ કોડ પણ આવશે અને મુસ્લિમ બહેનોને ચાર-ચાર લગ્નમાંથી મુક્તિ મળશે

તસવીર : એ.એન.આઈ
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલો શ્રદ્ધા-આફતાબ કેસ હવે ગુજરાત વિધાનસભા ઇલેક્શનમાં પણ દાખલ થયો છે. શ્રદ્ધાની હત્યાને ટાંકીને આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વએ ગઈ કાલે કચ્છની વિધાનસભા બેઠકની એક રૅલીમાં કહ્યું હતું કે જો મજબૂત નેતાગીરી નહીં હોય તો દેશના દરેક શહેરમાં આફતાબ પેદા થશે અને આપણે સમાજનું રક્ષણ નહીં કરી શકીએ.
બીજેપીના પ્રચારાર્થે ગુજરાતમાં ઉતારવામાં આવેલા દેશભરના આઠ મુખ્ય પ્રધાન પૈકીના હેમંત બિસ્વએ કોઈ પણ જાતના સંકોચ વિના લોકસભાના ઇલેક્શનના પ્રચારનો પણ આરંભ કરી દીધો હોય એમ કહી દીધું હતું કે ગુજરાતમાં બીજેપી લાવવાની છે એ તો બધાને ખબર છે, પણ આપણે એ પણ યાદ રાખવાનું છે કે ૨૦૨૪ના લોકસભા ઇલેક્શનમાં પણ આપણે નરેન્દ્ર મોદીને લાવવાના છે. બિસ્વએ કહ્યું હતું કે ‘બહેન-દીકરીઓની રક્ષા એ જ કરી શકે જે તાકાતવાન હોય અને નરેન્દ્ર મોદીથી અત્યારે વધારે સક્ષમ કોઈ નેતાગીરી આ દેશમાં જોવા મળતી નથી.’
હેમંત બિસ્વએ આફતાબ-શ્રદ્ધાના કેસને લવ-જેહાદનું જ પરિણામ ગણાવતાં કહ્યું હતું કે ‘આફતાબ પ્રેમના નામે શ્રદ્ધાને મુંબઈથી દિલ્હી લઈ આવ્યો અને લવ-જેહાદ વચ્ચે તેણે એક માસૂમ દીકરીના ૩પ ટુકડા કરી નાખ્યા.’
ADVERTISEMENT
હેમંત બિસ્વએ કહ્યું હતું કે ‘ભાજપ મુસ્લિમ મહિલાઓનું સન્માન કરે છે અને એટલે જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બીજેપી ગવર્મેન્ટે ત્રિપલ તલાક પ્રથામાંથી મુસ્લિમ મહિલાઓને મુક્તિ અપાવી. મોદીજીની કામ કરવાની રીત અનોખી છે. તેમણે બધાં કામો શાંતિથી પાર પાડ્યાં. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી, ટ્રિપલ તલાકની પ્રથા દૂર કરી અને કોઈ દેકારો થયો નહીં. મુસ્લિમ બહેનો, હવે થોડી ધીરજ રાખો. કૉમન સિવિલ કોડ પણ આવવાનો છે અને ચાર-ચાર લગ્નમાંથી મુક્તિ પણ મળવાની છે.’
હેમંત બિસ્વએ કચ્છના પ્રવાસ દરમ્યાન દરેક તબક્કે આ જ વાત કરી હતી જે જોતાં એવું અનુમાન મૂકવામાં આવે છે કે તેમને પાર્ટી તરફથી પણ કોઈ જાતની મનાઈ ફરમાવવામાં નહોતી આવી અને બીજેપી કોર કમિટીની પરમિશન સાથે જ તેઓ આ વાત કહેતા હતા.

