કંઈક આવા જ ભાવ સાથે બીજેપીના પ્રેસિડન્ટ જે. પી. નડ્ડાએ ગુજરાતના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણીએ પાણીનો ગ્લાસ ભરી આપ્યો ત્યારે એ ગ્લાસ લેવાને બદલે તેમના હાથમાં રહેલી બૉટલ સીધી જ મોઢે માંડી

જોઈ લો, વિજય રૂપાણી પાસેનો પાણીનો ગ્લાસ ન લીધો અને બૉટલમાંથી પાણી પીધું જે. પી. નડ્ડાએ. (તસવીર : ચિરાગ ચોટલિયા)
ગુજરાત વિધાનસભાનો માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના પ્રેસિડન્ટ જે. પી. નડ્ડા પણ પ્રચારાર્થે ગુજરાત આવ્યા હતા. ગુજરાતમાં સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન તેમની સાથે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હતા એ દરમ્યાન નડ્ડાએ તેમની સાથે જે વર્તન કર્યું એ જરા પણ અણદેખ્યું કરી શકાય એવું નહોતું.
એક સભા દરમ્યાન જે. પી. નડ્ડા પોતાની સ્પીચ પૂરી કરીને ફરી પોતાની જગ્યાએ આવીને બેઠા ત્યારે નડ્ડા પોતાની સાથે લાવ્યા હતા એ મિનરલ વૉટરની બૉટલમાંથી વિજય રૂપાણીએ તેમને પાણીનો ગ્લાસ ભરીને ધર્યો હતો, પણ એ ગ્લાસ લેવાને બદલે નડ્ડાજીએ તેમના હાથમાંથી પાણીની બૉટલ લઈને ડાયરેક્ટ એ જ બૉટલમાંથી પાણી પીધું હતું. નડ્ડાજીના આ વર્તનથી નૅચરલી રૂપાણી ઝંખવાયા અને તેમણે પાણી ભરેલો ગ્લાસ સામે પડેલી ટિપાઈ પર પાછો મૂકી દીધો હતો.
જે. પી. નડ્ડાનું આ જે વર્તન હતું એમાં સ્પષ્ટપણે દેખાતું હતું જાણે તેઓ રૂપાણી પાણી પીરસે તો એ પાણી પીવા પણ રાજી ન હોય અને જો એવું જ હોય તો વિજય રૂપાણીની ઇમેજ કયા સ્તરે ખરડાઈ હોય એ પણ સ્પષ્ટ થાય છે.