બીજેપીના મોરબી વિધાનસભાના કૅન્ડિડેટ કાન્તિ અમૃતિયાએ ઝૂલતા પુલની દુર્ઘટના સમયે કરેલી કામગીરીના પારિતોષિક રૂપે આ ટિકિટ મળી છે. જોકે કાન્તિભાઈ એવું માનતા નથી. તેઓ કહે છે, ‘ચાલી વરહથી મોરબી માટે કામ કરતો રચ્યો છું’

કાન્તિ અમૃતિયા
મોરબી વિધાનસભાની બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારા કાન્તિ અમૃતિયા આ વખતે પ્રચારમાં કોઈ જાતના તાયફા નથી કરતા. કોઈ જમણવાર પણ નહીં અને પોતાની પ્રચાર યાત્રામાં માઇક પણ નહીં. કાન્તિભાઈ કહે છે, ‘કેવી રીતે ભુલાય કે મારા પરિવારના દોઢસો જણે હજી હમણાં જ જીવ દીધો છે. જે થાય એ બધુંય શાંતિથી કરવાનું ને મને ખાતરી છે મોરબીવાસી પણ આ વાત સમજે છે એટલે મારી ભેગા છે.’
૩૦ ઑક્ટોબરે મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો અને પંદરમી મિનિટે પહેરેલે કપડે મચ્છુમાં લોકોને બચાવવા માટે ઝંપલાવી દેનારા કાન્તિ અમૃતિયાને એ સમયે તેમણે કરેલા સેવાકાર્યને કારણે જ ટિકિટ આપવામાં આવી છે. એ દિવસને યાદ કરતાં કાન્તિભાઈ કહે છે, ‘ઘટના થ્યાને એકાદ કલાક થ્યો હશે ત્યાં તો સાયબનો ફોન આવી ગ્યો. એ મને કાન્તિલાલ કઈને બોલાવે. ફોનમાં પેલું જ વાક્ય હતું, ‘કાન્તિલાલ, શું પોઝિશન છે ને શું જરૂરિયાત છે?’ મેં એમને તરત જ કીધું કે જરૂરિયાતમાં અહીંયા કાંય એટલે કાંય નથી. તાત્કાલિક બધુંય મોકલો તો વધારેમાં વધારે લોકોને સુવિધા મળી જાય. બસ, મોદીને કીધું એટલે કલાકમાં તો જિલ્લા આખામાંથી બધી સગવડું આવી ગઈ.’
ADVERTISEMENT
૨૦૧૭ના વિધાનસભા ચૂંટણીમાં કાન્તિ કૉન્ગ્રેસના બ્રિજેશ મેરજા સામે હાર્યા હતા. એ પછી બ્રિજેશ મેરજા બીજેપીમાં આવ્યા અને પેટા ચૂંટણીમાં તે જીત્યા એટલે અમૃતિયાની કરીઅર પર ફુલસ્ટૉપ લાગી ગયાનું રાજકીય પંડિતોમાનતા હતા, પણ ઝૂલતા પુલ સમયની કામગીરીએ અમૃતિયાને ફિનિક્સ પક્ષીની જેમ ફરી ઊભા કર્યા.

