ખુદ ગુજરાત સરકારની જ વિધાનસભામાં કબૂલાત
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ૨.૫૭ કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાની વિગતો ખુદ ગુજરાત સરકારે ગઈ કાલે વિધાનસભામાં જાહેર કરી હતી.
ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવા બાબતે પ્રશ્નો પૂછ્યા હતા. એનો જવાબ આપતાં ગુજરાત સરકારે માહિતી જાહેર કરી હતી કે ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરવાનો અનાજનો ૧૪,૫૪,૭૨૬ કિલોનો ૨,૫૭,૩૧,૯૮૬ રૂપિયાનો જથ્થો બારોબાર વેચાણ કે ગેરકાયદે સગેવગે કરાયો હતો જે પકડવામાં આવ્યો હતો. અનાજ સગેવગે કરવામાં ૧૦૨ માણસો સંડોવાયેલા છે. કૉન્ગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આ સિવાય કરોડો રૂપિયાનું લાખો કિલો અનાજ કાળાબજારિયાઓ બારોબાર સગેવગે કરીને ગરીબોનો કોળિયો ઝૂંટવી રહ્યા છે અને તંત્ર દ્વારા દેખાવ પૂરતા કેસ કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં થયેલી આ જાહેરાત ખરેખર ચિંતાનો વિષય છે. ગરીબો માટેના સસ્તા દરના અનાજનું સગેવગે થવાનું વ્યવસ્થામાં મોટા પાયે ગેરરીતિના સંકેતો આપી જાય છે.

