ભયના વાતાવરણ વચ્ચે ભારત અને કૅનેડાના સંબંધો સુધરે એવી પ્રાર્થના સાથે ભારતીય યુવાનોએ જાતે રસોઈ બનાવીને પુણેના પ્રખ્યાત દગડુ શેઠ સ્વરૂપના ‘નૉર્થ યૉર્ક ચા રાજા’ ગણપતિબાપ્પાને ૫૬ ભોગનો થાળ પણ ધરાવ્યો
ટૉરોન્ટોમાં ઉત્સવપ્રેમી ગુજરાતી યુવકોએ ઊજવ્યો ગણેશોત્સવ
મુંબઈ : કૅનેડા અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધો વણસ્યા છે. ભારતે ઍડ્વાઇઝરી પણ જાહેર કરી છે અને ભયનું વાતાવરણ છે. આ માહોલમાં ટૉરોન્ટોના નૉર્થ યૉર્ક વિસ્તારમાં રહેતા મુંબઈ અને ગુજરાતના ઉત્સવપ્રેમી ગુજરાતી યુવકોએ પુણેના પ્રખ્યાત દગડુ શેઠ સ્વરૂપના ગણપતિબાપ્પાની પધરામણી કરી હતી. વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરી યુવકોએ જાતે રસોઈ બનાવીને ગણપતિબાપ્પાને ૫૬ ભોગનો થાળ ધરાવ્યો હતો. ‘નૉર્થ યૉર્ક ચા રાજા’ની આરતી દરમિયાન ૬૦ જેટલા યુવાનોએ ભેગા થઈને ગણપતિબાપ્પાને પરિસ્થિતિ જલદી થાળે પડે એવી પ્રાર્થના કરી હતી.
અમે કૅનેડામાં ભારતની ધરતી પર ઊજવાતા આર્ય દેશના તહેવારોને મિસ કરતા હતા એમ જણાવીને સુરતના વ્રજ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે મિત્રો સાથે કૅનેડામાં એક પરિવાર બનીને રહીએ છીએ. આથી અમે સાત મિત્રોએ ગણેશોત્સવ દરમિયાન ગણપતિબાપ્પાને અમારા ઘરે લાવવાની યોજના બનાવી અને ટૉરોન્ટોમાં આવેલા એક ભારતીય સ્ટોરમાંથી દગડુ શેઠ સ્વરૂપના ગણપતિની દોઢ ફુટ ઊંચી મૂર્તિ ખરીદી હતી.’
અમે ગણેશોત્સવ દરમિયાન વિઘ્નહર્તા ગણપતિબાપ્પાને સાથે મળીને પ્રાર્થના કરી હતી કે ‘ભારત અને કૅનેડા વચ્ચેની પરિસ્થિતિ જલદી થાળે પડી જાય તથા સૌને સારું સ્વાસ્થ્ય, સંપત્તિ અને માનસિક શાંતિ આપે. સુખકર્તા દુઃખહર્તા ગણપતિબાપ્પા અમને નકારાત્મક બાબતોથી દૂર રાખે.’