Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ડીસામાં ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ૩થી ૧૨ વર્ષનાં પાંચ બાળકો પણ થયાં ભડથું

ડીસામાં ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં ૩થી ૧૨ વર્ષનાં પાંચ બાળકો પણ થયાં ભડથું

Published : 03 April, 2025 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૧ જણનો ભોગ લેનારી આ દુર્ઘટનામાં ઍલ્યુમિનિયમ પાઉડરથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ : ફૅક્ટરીના માલિક ઇડરથી ઇન્દોર તરફ ભાગવા જતા હતા ત્યારે મંગળવારે રાતે પોલીસે ઝડપી લીધા

ખૂબચંદ મોહનાની અને તેનો પુત્ર દીપક પોલીસના હાથે ગઈ કાલે રાતે ઝડપાઈ ગયા હતા.

ખૂબચંદ મોહનાની અને તેનો પુત્ર દીપક પોલીસના હાથે ગઈ કાલે રાતે ઝડપાઈ ગયા હતા.


ડીસાની ફટાકડા ફૅક્ટરી અને ગોડાઉનમાં બનેલા ભયાનક વિસ્ફોટ અને આગમાં ૩થી ૧૨ વર્ષનાં પાંચ દીકરા-દીકરીઓનાં અવસાન થયાં છે જેમાં ચાર દીકરીઓ અને એક ૩ વર્ષનો દીકરો મૃત્યુ પામ્યાં હતાં. આ ઉપરાંત ૧૭ વર્ષનો એક તેમ જ ૧૮ વર્ષના બે કિશોરો મૃત્યુ પામ્યાં છે. મૃતકોના મૃતદેહ ઍમ્બ્યુલન્સ દ્વારા મધ્ય પ્રદેશમાં આવેલા તેમના વતન મોકલાયા હતા. જ્યારે ભાભરના એક યુવાનનો મૃતદેહ પણ ઍમ્બ્યુલન્સ દ્વારા તેના ઘરે મોકલાયો હતો.

પરવાનગી વગર ચાલતી ફટાકડાની ફૅક્ટરીના ગોડાઉનમાં મંગળવારે લાગેલી ભીષણ આગની ઘટનામાં ઍલ્યુમિનિયમ પાઉડરથી બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. બીજી તરફ કાળજું કંપાવતી આ ઘટનાના કસૂરવાર એવા ફટાકડાની ફૅક્ટરી અને ગોડાઉનના માલિક ખૂબચંદ મોહના અને તેમના પુત્ર દીપક મોહનાની રાતે ઇડરથી ઇન્દોર તરફ ભાગવા જતાં પોલીસે ઝડપી લીધા હતા. ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટના બનાવ સંદર્ભે તપાસ કરવા ગુજરાત સરકારે ચાર સભ્યોના ખાસ દળની રચના કરી છે. 



બનાસકાંઠાના ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડાની ફૅક્ટરીના ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટ થયો હતો અને એમાં સ્લૅબ ધરાશાયી થવાની સાથે આગ ફાટી નીકળી હતી જેમાં ૨૧ શ્રમિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ૬ શ્રમિકો દાઝી ગયા હતા. આ ઘટના વિશે બનાસકાંઠાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અક્ષયરાજ મકવાણાએ મીડિયાને કહ્યું હતું કે ‘આ કેસમાં બે મુખ્ય આરોપીઓ ઉપરાંત ચાર અન્ય લોકોને પણ પૂછપરછ કરવા રાખ્યા છે તેઓ આરોપીઓને ભગાડવામાં સાથે હતા. આ કેસમાં ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી પાસેથી જે પ્રાથમિક કારણ આવ્યું છે એ છે ઍલ્યુમિનિયમ પાઉડર. આ પાઉડર સળગે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે. ખુલ્લામાં સળગાવવામાં આવે તો સળગીને બંધ થઈ જાય છે, પરંતુ બંધ કમરામાં જ્યાં પૂરતી જગ્યા ન મળે તો એના કારણે બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે. આ અમારું પ્રાથમિક તારણ છે.’


ગુજરાત સરકારના ગૃહ વિભાગે ડીસામાં ફટાકડાની ફૅક્ટરીમાં થયેલા વિસ્ફોટના બનાવ સંદર્ભે આ અતિ ગંભીર બનાવની વિસ્તૃત, વિશ્લેષ્ણાત્મક અને તટસ્થ તપાસ કરવા મહેસૂલ વિભાગના સેક્રેટરી લૅન્ડ રીફૉર્મ્સના અધ્યક્ષસ્થાને ખાસ તપાસ દળની રચના કરી છે. અન્ય સભ્યોમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક, ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરીના ડાયરેક્ટર તથા માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયરનો સમાવેશ કર્યો છે. આ ટીમ સમગ્ર બનાવ વિશે તપાસ કરીને ૧૫ દિવસમાં એનો અહેવાલ સરકારને રજૂ કરશે.

અમદાવાદ, મહેસાણા અને સુરતમાં ફટાકડાનાં ગોડાઉનમાં શરૂ થઈ તપાસ


ડીસામાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ પોલીસ અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું અને ગઈ કાલે અમદાવાદ, મહેસાણા અને સુરતમાં ફટાકડાનાં ગોડાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી. અમદાવાદના અસલાલી અને કણભામાં તેમ જ અમદાવાદ પાસે વાંચ ગામે આવેલી ફટાકડાની ફૅક્ટરીઓ અને ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત મહેસાણા અને સુરતમાં ફટાકડાનાં ગોડાઉનમાં પણ પોલીસે તપાસ હાથ ધરીને ફાયર સેફ્ટી તેમ જ અન્ય જરૂરી સિક્યૉરિટી બાબતોનું ધ્યાન રખાય છે કે કેમ એ વિશે ફટાકડાના વિક્રેતાઓને મળીને પૂછપરછ કરીને તેમને ત્યાં તપાસ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK