પોલીસે શનિવારે મોડી સાંજે જણાવ્યું હતું કે ૭ વ્યક્તિઓની વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી એક અમદાવાદનો, જ્યારે બીજા ગાંધીનગરના છે, જેમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ (પી.ટી.આઇ.) ઃ ગુજરાત પોલીસે હ્યુમન ટ્રાફિકિંગ બદલ બે એજન્ટ્સની ધરપકડ કરી છે. બે મહિના પહેલાં એક ભારતીય નાગરિક મેક્સિકોથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાની કોશિશમાં બૉર્ડર પર દીવાલ ચડતી વખતે મૃત્યુ પામ્યો હતો એ કેસમાં આ પગલું ભરવામાં આવ્યું છે.
પોલીસે શનિવારે મોડી સાંજે જણાવ્યું હતું કે ૭ વ્યક્તિઓની વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી એક અમદાવાદનો, જ્યારે બીજા ગાંધીનગરના છે, જેમાંથી બે જણની ધરપકડ કરવામાં આવી છે.
આ સ્ટેટમેન્ટમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે ‘આ ૭ વ્યક્તિઓએ બ્રિજકુમાર યાદવ અને તેના પરિવાર પાસેથી રૂપિયા મેળવ્યા હતા અને તેને, તેની વાઇફ પૂજા અને દીકરા તન્મયને અમેરિકામાં ગેરકાયદે મોકલવાની કોશિશ કરી હતી. આ ૭ જણે બ્રિજકુમારને અમેરિકામાં આ રીતે પ્રવેશવાનાં જોખમો વિશે નહોતું જણાવ્યું.’ આ યાદવ પરિવારને ૨૦૨૨ની ૧૧ નવેમ્બરે મુંબઈમાં લઈ જવાયો હતો, અહીંથી તેમને ઇસ્તનબુલ અને ત્યાંથી કોઈ રીતે મેક્સિકોમાં લઈ જવાયો હતો. ૨૦૨૨ની ૨૧ ડિસેમ્બરે યુએસ-મેક્સિકો બૉર્ડર પર દીવાલ ચડીને અમેરિકામાં પ્રવેશવાની કોશિશ દરમ્યાન યાદવનું મોત થયા બાદ ગુજરાત પોલીસે તપાસ શરૂ કરી હતી. યાદવની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને આ ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી.


