કૈસા યે ઇશ્ક હૈ

રશ્મિન શાહ
ફેસબુક પર મળ્યાં હોય અને મૅરેજ કરતાં હોય એવા કિસ્સાઓની કંઈ નવાઈ નથી, પણ ગવર્નમેન્ટ ઑફિસર હોય, અત્યંત સિનિયર પોઝિશન પર હોય અને ખ્યાતનામ હોય એવી વ્યક્તિએ આ પ્રકારે મૅરેજનો રસ્તો પકડ્યો હોય એવું કદાચ દેશમાં પહેલી વાર હવે બનશે અને એ અમદાવાદમાં બનશે. ગુજરાતના જાણીતા અને અત્યારે અમદાવાદના ઝોન-૨ વિસ્તારનાં DCP ઉષા રાડા પોતાના ફેસબુક-ફ્રેન્ડ નરેશ સાથે આજે અમદાવાદમાં સિવિલ મૅરેજ કરશે. ઉષા રાડા અને નરેશ બન્ને ફેસબુક પર પહેલી વાર મળ્યાં અને એ પછી તેમની વચ્ચેની દોસ્તી પ્રેમમાં પરિણમી અને હવે બન્ને મૅરેજ કરી રહ્યાં છે.
નરેશભાઈ વિશે વાત કરવા ઉષાબહેન રાજી નથી, પણ હા, તેમણે આ મૅરેજ થઈ રહ્યાં છે એ વાતની પુષ્ટિ આપી હતી. નરેશભાઈ લંડનના હીથ્રો ઍરપોર્ટ પર ગ્રાઉન્ડ ઑફિસર તરીકે ડ્યુટી બજાવે છે. સૌથી પહેલાં બન્ને ફેસબુક પર મળ્યાં અને ફેસબુક પર મળ્યાં એ પછી દોસ્તી આગળ વધી. સંબંધોમાં ઘનિષ્ઠતા આવી એટલે ઉષાબહેને પોતાનો વૉટ્સઍપ નંબર આપ્યો અને ફેસબુક ઉપરાંત બન્ને વચ્ચે વૉટ્સઍપ પર પણ વાત શરૂ થઈ અને સંબંધોમાં લાગણી ઉમેરાય.
ઉષા રાડા અને નરેશભાઈ બન્ને એકબીજાને અગાઉ ક્યારેય નહોતાં મળ્યાં. મૅરેજનું નક્કી થયા પછી નરેશભાઈ ચારેક દિવસ પહેલાં અમદાવાદ આવ્યા ત્યારે બન્ને પહેલી વખત મળ્યાં હતાં. થઈ રહેલાં આ સિવિલ મૅરેજ પછી બન્ને ફૅમિલી માટે એક નાનકડું ફંક્શન રાખવામાં આવશે. મૅરેજ પછી બન્ને ફૉરેન ફરવા જશે અને એક મહિના પછી ઉષા રાડા ફરીથી પોતાની ડ્યુટી જૉઇન કરશે.


