બુધવારે મોડી રાતે સાંતલડી નદીમાં પૂર આવતાં અને પૂરનાં પાણી વચ્ચે એક લક્ઝરી બસ ફસાઈ હોવાનો મેસેજ મળ્યો હતો
લોકોને બચાવતી અમરેલી પોલીસ-ટીમ
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદમાં પોલીસની સતર્કતાનો કિસ્સો બહાર આવ્યો છે. અમરેલી તાલુકામાં પડેલા વરસાદને કારણે બુધવારે મોડી રાતે સાંતલડી નદીમાં પૂર આવતાં અને પૂરનાં પાણી વચ્ચે એક લક્ઝરી બસ ફસાઈ હોવાનો મેસેજ મળતાં અમરેલી રૂરલ પોલીસની ટીમે અડધી રાતે નદીનાં પૂરમાં ફસાયેલી બસમાંથી બાળકો સહિત તમામ ૨૦ વ્યક્તિઓને બચાવી લીધી હતી.
પોલીસ-ઇન્સ્પેક્ટર જી. આર. રબારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પાણી ભરાવાને કારણે બસનું એન્જિન બંધ પડી ગયું હતું. પૂરનાં પાણી રોડ પર થઈને વહી રહ્યાં હતા એટલે સમય બગાડ્યા વિના અમે જીપ સાથે દોરડું બાંધ્યું હતું અને ૭ પોલીસ-કર્મચારીઓ અને ગામના પાંચ છોકરાઓ ૧૦૦ મીટર સુધી અંદર જઈને દોરડાના સહારે ૪ બાળકો તેમ જ મહિલાઓ સહિત ૨૦ વ્યક્તિઓને સહીસલામત બહાર લાવ્યા હતા.’


