અનાર પટેલ કૉન્ગ્રેસના વિધાનસભ્યોને જ નડશે?

ગુજરાત BJPને અને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલને સાણસામાં લઈ શકાય એવો તેમની દીકરી અનાર પટેલના ભ્રષ્ટાચારનો મુદ્દો કૉન્ગ્રેસના હાથમાં આવ્યા પછી પણ ગુજરાત કૉન્ગ્રેસ વિધાનસભામાં ધારી રીતે એનો વિરોધ ન કરી શકી એવું કૉન્ગ્રેસની કોર કમિટીને લાગે છે, જેને લીધે કૉન્ગ્રેસની કોર કમિટીએ અત્યારે કામચલાઉ રીતે નક્કી કર્યું છે કે કૉન્ગ્રેસ તેના હાલના તમામ વિધાસનસભ્યોને આવતી વિધાનસભામાં ટિકિટ આપવા બાબતે વિચારણા કરશે.
આ સંદર્ભમાં કૉન્ગ્રેસની કોર કમિટીના એક સિનિયર નેતાએ કહ્યું હતું કે ‘આ તક બહુ ખરાબ રીતે ગુજરાત કૉન્ગ્રેસે ગુમાવી છે. ૧૯૯૫માં કેશુભાઈ પટેલની સરકારમાં જે બળવો થયો હતો એમાં પણ સગાવાદ જ બહાર આવ્યો હતો અને શંકરસિંહ વાઘેલાએ એનો પૂરો લાભ લીધો હતો. ગુજરાતના કૉન્ગ્રેસના નેતા આ કામ નથી કરી શક્યા, જે તેમણે હજી પણ હાથમાં લેવાની જરૂર છે.’
અનાર પટેલ પર ગુજરાતની સરકાર બહુ મહેરબાન રહે છે એના પુરાવા રજૂ કરવામાં અને વિધાનસભામાં આનંદીબહેન પટેલનો વિરોધ કરવામાં કૉન્ગ્રેસે ધારી હતી એવી તાકાત દેખાડી નહીં એવું BJPના કેટલાક સિનિયર નેતાઓને લાગ્યું છે. પાટીદાર અનામત આંદોલન પછી અનાર પટેલનો મુદ્દો BJPને ભારે પડી શકતો હતો, પણ હવે એમાં દમ રહ્યો નથી.
ADVERTISEMENT


