વાળ ખાવાની ટેવ ધરાવતી ૮ વર્ષની ભૂમિ ચૌહાણના પેટમાંથી ૧૫X૧૦ સેન્ટિમીટર વાળની ગાંઠ સર્જરી દ્વારા અમદાવાદની સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોએ દૂર કરી તેને પીડામુક્ત કરી

ઑપરેશન બાદ માતા-પિતા સાથે આઠ વર્ષની ભૂમિ ચૌહાણ.
ગુજરાતના અમદાવાદમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં પેટમાં તકલીફની સારવાર કરાવવા આવેલી આઠ વર્ષની દીકરીના પેટમાંથી માથાના વાળનો ગુચ્છો મળી આવતાં ડૉક્ટરો અચરજ પામવાની સાથે ચોંકી ઊઠ્યા હતા. માથાના વાળ ખાવાની ટેવ ધરાવતી ૮ વર્ષની ભૂમિ ચૌહાણના પેટમાંથી ૧૫X૧૦ સેન્ટિમીટર વાળની ગાંઠને ડૉક્ટરોએ સર્જરી દ્વારા દૂર કરી દીકરીને પીડામુક્ત કરી હતી.
અમદાવાદમાં મિલમાં કામ કરતા અને ગાંધીનગર પાસે ભોયણ ગામ રહેતા કમલેશસિંહ ચૌહાણની દીકરી ભૂમિને છેલ્લા કેટલાક સમયથી પેટમાં દુખાવાની તકલીફ હતી. આ તકલીફ અસહ્ય થતાં તેને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા. ડૉક્ટરોએ સીટી સ્કૅન, એક્સ-રે સહિતના રિપોર્ટ કઢાવતાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ પછી સર્જરી માટે સિવિલ મેડિસિટીની મહિલા અને બાળ રોગ હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. બાળરોગ સર્જરી વિભાગનાં અસોસિયેટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી, ઍનેસ્થેસિયા વિભાગનાં ડૉ. સોનલ ભાલાવત અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરાઈ હતી. ડૉક્ટરોએ ૧૫X૧૦ સેન્ટિમીટરની વાળની ગાંઠ બહાર કાઢી હતી અને ઑપરેશન સફળ રહ્યું હતું.
ડૉ. જયશ્રી રામજીએ કહ્યું કે ‘અમારી ટીમ દ્વારા આ દીકરીના પરિવારજનોને તેની હિસ્ટરી પૂછતાં ખબર પડી હતી કે ત્રણ વર્ષની ઉંમરથી આ દીકરીને માથાના વાળ ખાવાની ટેવ પડી હતી, જેની ગાંઠ પેટમાં થતાં તકલીફ થઈ હતી. આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને નાની બાળકીઓ અને કિશોરીઓમાં વધારે જોવા મળે છે.’