આ બેઠક સૌથી જૂના પક્ષ પાસે રહે તો સારું કેમ કે પરંપરાગત આ બેઠક કૉન્ગ્રેસની રહી છે
પીઢ નેતા સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ
સંસદની આગામી ચૂંટણી માટે બેઠક ફાળવણીની સમજૂતીમાં આમ આદમી પાર્ટી (આપ)ને ભરૂચ લોકસભાની બેઠક આપવા કૉન્ગ્રેસની મંત્રણા વચ્ચે પક્ષના નેતા અને પીઢ નેતા સ્વ. અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે શુક્રવારે એવી આશા દર્શાવી હતી કે આ બેઠક સૌથી જૂના પક્ષ પાસે રહે તો સારું કેમ કે પરંપરાગત આ બેઠક કૉન્ગ્રેસની રહી છે અને અહમદ પટેલ દ્વારા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું હતું.
આપને આ બેઠક આપવામાં આવી રહી હોવાના અહેવાલો બાદ કૉન્ગ્રેસના કાર્યકરો અને લોકો નિરાશ અને ઉદાસ થયા છે એમ પટેલે વધુમાં જણાવ્યું હતું. મુમતાઝ પટેલે દાવો કર્યો હતો કે આપને ભરૂચની બેઠક આપવામાં આવે એ સામે પક્ષના નેતા રાહુલ ગાંધીએ વાંધો લીધો હતો.
ADVERTISEMENT
મંત્રણા ચાલી રહી છે અને આખરી નિર્ણય આવવાને વાર છે. અમને આશા છે કે આ બેઠક કૉન્ગ્રેસ પાસે જ રહેશે, પરંતુ આ બેઠક આપને આપવાની માહિતી જાણવા મળી તેથી લોકો હતાશ અને ઉદાસ થયા છે. પરંપરાગત ભરૂચની બેઠક કૉન્ગ્રેસની રહી છે. કૉન્ગ્રેસનો ટેકો મેળવવા માટે તેઓ યુતિ ઇચ્છે છે એમ મુમતાઝ પટેલે જણાવ્યું હતું.
મુમતાઝ સાથોસાથ સ્વ. નેતાના પુત્ર ફૈઝલ અહમદ અને પક્ષના ઘણા નેતાઓએ પણ પક્ષના મોવડી મંડળને અનુરોધ કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભરૂચની બેઠક ઉપરથી કૉન્ગ્રેસના ઉમેદવારને જ ઊભો રાખવો જોઈએ.
નાઇટ ક્લબમાં પ્રવેશ ન મળતાં આખી રાત ઠંડીમાં થીજી ગયેલા ભારતીય મૂળના વિદ્યાર્થીનું થયું મૃત્યુ
નાઇટ ક્લબના પ્રવેશ માટે ઇનકાર કર્યા બાદ ભારતીય મૂળના વિદ્યાર્થી અકુલ ધવનનું મૃત્યુ નીપજ્યું હોવાની વાતને ઇલિનૉઇસના અધિકારીઓએ સમર્થન આપ્યું હતું. અકુલ ધવન ઇલિનૉઇસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. ગયા મહિને અમેરિકાના વેસ્ટ નેવાડા સ્ટ્રીટમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હાઇપરથેર્મિયાને કારણે ધવનનું મૃત્યુ નીપજ્યું હોવાની વાતને અધિકારીઓએ સમર્થન આપ્યું હતું. કડકડતી ઠંડીમાં ધવન થીજી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. કૅમ્પસ પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ૧૮ વર્ષના ધવનનો મૃતદેહ ૧૦ કલાક બાદ મળી આવ્યો હતો. ધવનના જવાથી અમારી જિંદગીમાં શૂન્યાવકાશ સર્જાયો છે અને હવે અમે પહેલાં જેવા નહીં રહીએ, એમ ધવનનાં માબાપે ન્યુઝ ગૅઝેટને લખેલા એક પત્રમાં જણાવ્યું હતું.

