વિસાવદર મત વિસ્તારના ‘આપ’ના વિધાનસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું, બીજેપીમાં જોડાશે
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાના રાજીનામાનો પત્ર આપ્યો હતો.
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. સૌરાષ્ટ્રમાં આવેલા વિસાવદર મત વિસ્તારના ‘આપ’ના વિધાનસભ્ય ભૂપેન્દ્ર ભાયાણીએ ગઈ કાલે પોતાના વિધાનસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે અને તેઓ હવે બીજેપીમાં જોડાશે એવી જાહેરાત કરી હતી. પોતાના પક્ષમાંથી વિધાનસભ્યે રાજીનામું આપતાં ગુજરાત ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વિસાવદરના મતદારોની માફી માગી હતી.
ભૂપત નામથી જાણીતા ભૂપેન્દ્ર ભાયાણીએ ગઈ કાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રૂબરૂ મળીને વિસાવદર વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપતો પત્ર આપ્યો હતો જેને અધ્યક્ષે સ્વીકાર્યો હતો. રાજીનામું આપ્યા બાદ ભૂપત ભાયાણીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘આમ આદમી પાર્ટી દેશ-લેવલે અને ગુજરાતમાં જે પ્રકારે કામ કરી રહી છે એમાં એનું વાતાવરણ મને યોગ્ય ન લાગ્યું. મારે મારા વિસ્તારનું હિત, જનતાનું હિત લક્ષમાં રાખવાનું હોય છે. મને એવું લાગ્યું કે હું આપમાં રહીને એ નહીં કરી શકું. એટલે મેં આવો નિર્ણય કર્યો છે. હું પહેલાં બીજેપીમાં જ હતો. બીજેપી રાષ્ટ્રવાદી પાર્ટી છે એ દેશની જનતા જાણે છે. આવનારા દિવસોમાં હું બીજેપીમાં જોડાવાનો છું. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મોવાડી મંડળ જે નિર્ણય કરશે એ હું માન્ય રાખવાનો છું.’
ADVERTISEMENT
આમ આદમી પાર્ટી, ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘બીજેપી પાસે ૧૫૬ વિધાનસભ્યો હોવા છતાં પણ વારંવાર અમારા પક્ષના વિધાનસભ્યોને પોતાની પાર્ટીમાં બોલાવતા હતા. દર અઠવાડિયે એક વિધાનસભ્યને ઑફર થતી હતી અને આજે ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે. આ માટે હું વિસાવદરની જનતાની માફી માગું છું. બીજેપીના નેતાઓ ઇચ્છી રહ્યા છે કે વિપક્ષમાં કોઈ પણ નેતા મજબૂત ન થાય. એ માટે તેઓ સતત અમારા વિધાનસભ્યોનો સંપર્ક કરતા હતા.’
