અંકલેશ્વર પાસે આવેલા જૂના દીવા ગામમાં દસ ફુટ પાણીમાં અટવાઈ ગયેલાં મા-દીકરીને રેસ્ક્યુ કરાયાં
જૂના દીવા ગામમાં આવેલા શિક્ષક વિનોદ મૈસૂરીના ઘર પાસે ભરાયેલાં નર્મદા નદીનાં પાણી.
અમદાવાદઃ નર્મદા નદીનાં પૂરનાં પાણી અંકલેશ્વરની પાસે આવેલા જૂના દીવા ગામમાં ફરી વળ્યાં હતાં ત્યારે વડોદરા એક્ઝામ આપવા ગયેલા ભાઈને પ્રેગ્નન્ટ બહેનની ચિંતા થતાં તેમને ઘૂંટણસમાં પાણીમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં.
જૂના દીવા ગામના રહીશ અને અંકલેશ્વરની શાળામાં શિક્ષક તરીકે કામ કરતા વિનોદ મૈસૂરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ગામની પાછળ નર્મદા નદી વહે છે. રવિવારે મારે એક્ઝામ હોવાથી હું વડોદરા એક્ઝામ આપવા ગયો હતો. મને ખબર પડી કે ગામમાં નર્મદા નદીનાં પાણી ભરાઈ રહ્યાં છે અને એ પાણી વધશે. ગામમાં મારાં મમ્મી અને બહેન એકલાં હતાં. ધર્મિષ્ઠાબહેન પ્રેગ્નન્ટ છે અને તેઓ ઘરે આવ્યાં છે. એટલે તેમની ચિંતા થઈ હતી. હું ગામમાં પહોંચી શકું એટલો સમય નહોતો એટલે વાલિયા રહેતા મારા બનેવી હિરેનકુમાર અને મારાં બહેન લીનાબહેનને જાણ કરી હતી કે તમે જઈને બહેન અને મમ્મીને લઈ આવો. એટલે તેઓ કાર લઈને ગામમાં આવ્યાં હતાં. આ દરમ્યાન ગામમાં પાણી ભરાઈ ગયાં હતાં. એમ છતાં પણ તેઓ ઘૂંટણસમાં પાણીમાંથી મારાં બહેન અને મમ્મીને કારમાં બેસાડીને સલામત રીતે લઈ ગયાં હતાં. તેઓ ગયા પછી ગામમાં આવેલા મારા ઘરમાં ૧૦ ફુટ પાણી ભરાઈ ગયાં હતાં. ભગવાનનો પાડ માનું છું કે મને ખબર પડી અને હું બહેન અને મમ્મીને સલામત સ્થળે ખસેડી શક્યો.’