Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ગુજરાતી રસોઈના શોખીન મુકેશ કલ્યાણજી-આણંદજીના ઘરમાં પગ મૂકતાં જ સીધા કિચ

ગુજરાતી રસોઈના શોખીન મુકેશ કલ્યાણજી-આણંદજીના ઘરમાં પગ મૂકતાં જ સીધા કિચ

26 December, 2018 11:32 AM IST |

ગુજરાતી રસોઈના શોખીન મુકેશ કલ્યાણજી-આણંદજીના ઘરમાં પગ મૂકતાં જ સીધા કિચ

કલ્યાણજી, મુકેશ અને આનંદજી

કલ્યાણજી, મુકેશ અને આનંદજી


વો જબ યાદ આએ - રજની મહેતા

Once we accept our limitations, we go beyond them



- Albert Einstein


મનુષ્યમાત્રમાં મર્યાદા હોય છે, પરંતુ જે પોતાની મર્યાદાનો સ્વીકાર કરે છે તે જ વ્યક્તિ મર્યાદાને અતિક્રમીને સફળતાનાં કપરાં ચડાણો ચડી શકે છે. મશહૂર બાસ્કેટ-બૉલ ખેલાડી માઇકલ જૉર્ડન કહે છે, ‘ÒLimits, like fear; is often an illusion.

મુકેશ પોતાની ગાયકીની મર્યાદાથી પૂરા સભાન હતા એટલું જ નહીં, તે જાહેરમાં એનો સ્વીકાર પણ કરતા. વીતેલા યુગના મહાન સંગીતકાર ઓ. પી. નૈયર સાથેની મારી વાતચીતમાં તેમણે એક કિસ્સો શૅર કર્યો હતો એ તેમના શબ્દોમાં પ્રસ્તુત છે :



ફિલ્મ ‘એક બાર મુસ્કુરા દો’ (૧૯૭૨)ના એક ગીત ‘ચેહરે સે ઝરા આંચલ જબ આપને સરકાયા’ (ગીતકાર એસ. એચ. બિહારી)નું રેકૉર્ડિંગ ચાલતું હતું. આ ગીત મુકેશ અને આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ થતું હતું. વારંવાર રીટેક થતા હતા એનું કારણ એટલું જ કે મુકેશ પોતે જ પોતાની ગાયકીથી સંતુષ્ટ નહોતા. આ કારણે તેમની ભૂલો થતી હતી. છેવટે કંટાળીને તે કહે, ‘નૈયરસાબ, યે ગાના મુઝસે નહીં હોગા. આપ કિસી ઔર સે ગવા લીજિએ.’

મેં એટલું જ કહ્યું, ‘મુકેશચંદ, અગર યે ગાના કિસી ઔર સે ગવાના હોતા તો આપકો ક્યૂં બુલાતા? યે ગાના આપ હી ગાઓગે.’

મને સમજાવતા હોય એમ મુકેશે કહ્યું, ‘પર આપ દેખ રહે હો કિ મૈં ઠીક સે નહીં ગા પા રહા હૂં. આપ ક્યૂં વક્ત ઝાયા કર રહે હો?’

‘મુઝે પૂરા ભરોસા હૈ યે ગાના આપ ઠીક તરહ સે ગા સકેંગે ફિર ભી મુઝે તસલ્લી (સંતોષ) નહીં હુઈ તો મૈં ગાના કૅન્સલ કર દૂંગા પર કિસી ઔર કી આવાઝ મેં રેકૉર્ડ નહીં કરૂંગા. આપ ઇત્મિનાન સે ગાઈએ. કોઈ જલદી નહીં હૈ.’

મારી વાતો સાંભળી તેમને એહસાસ થયો કે મને તેમની ક્ષમતા પર પૂરો ભરોસો છે અને એ રેકૉર્ડિંગ સરસ રીતે પૂરું થયું.


મુકેશ સાથેનાં તેમનાં સ્મરણોની વાત કરતાં આણંદજીભાઈ આવો જ એક કિસ્સો શૅર કરતાં કહે છે


એક રેકૉર્ડિંગમાં અમે જોયું કે તેમનો ચહેરો લાલઘૂમ થઈ ગયો છે. અમને ચિંતા થઈ. તેમને હાઈ બ્લડ-પ્રેશર રહેતું. મનમાં શંકા થઈ કે હાઈ સ્કેલમાં ગાતા હશે એટલે તકલીફ થતી હશે. એટલે અમે રેકૉર્ડિંગ અટકાવ્યું. સ્કેલ થોડો નીચો કર્યો અને રેકૉર્ડિંગ શરૂ કર્યું. તરત તેમણે પૂછયું, ‘ક્યા હુઆ?’

અમે કહ્યું, ‘ઊંચા સ્કેલમાં ગીત જામતું નહોતું એટલે સ્કેલ થોડો નીચો કર્યો. હવે બરાબર લાગે છે.’

તરત તેમણે કહ્યું, ‘મેરે લિએ આપને સ્કેલ નીચા કિયા ના? અગર ઐસા હી થા તો રિહસર્લ મેં ક્યૂં ઉપર સે ગવાયા? મૈં ઇસી સ્કેલ મેં ગાઉંગા. અગર ગાતે-ગાતે મર ભી ગયા તો કોઈ બાત નહીં. લોગ ઇતના તો બોલેંગે કે ગાતે-ગાતે મરા.’

અને આમ તેમણે ઓરિજિનલ સ્કેલમાં જ ગીત રેકૉર્ડ કરાવ્યું.


આ જ તો મુકેશના અવાજની ખૂબી હતી. લો સ્કેલ હોય કે હાઈ સ્કેલ, તેમના અવાજની મીઠાશને સ્કેલની ઝંજીરો કેદ નહોતી કરી શકતી. આવો જ એક કિસ્સો એક મશહૂર સંગીતકારે મને કહ્યો છે. (હું નામ એટલા માટે નથી આપતો, કારણ કે અમુક કિસ્સાઓ ઑફ ધ રેકૉર્ડ હોય છે).

એક રેકૉર્ડિંગમાં એવું બન્યું કે અનેક રીટેક થયા બાદ ગીતમાં જે દર્દ જોઈતું હતું એ અસર મુકેશ આપી નહોતા શકતા. કંટાળીને તેમણે એટલું જ કહ્યું કે ‘આજ કોઈ મુઝે સૂર મેં ગવા દે તો મૈં ઉસે ઇનામ દૂંગા.’ એ દિવસે લાંબો સમય રિહસર્લ ચાલ્યું. અંતે કંટાળીને સંગીતકારે એક ફાઇનલ ટેક લઈને ગીત રેકૉર્ડ થયું. સૌને ખબર હતી કે ધારેલું કામ થયું નથી. મુકેશ પોતે પણ નિરાશ થઈને રેકૉર્ડિંગ પૂરું થતાં ચૂપચાપ નીકળી ગયા. આ તરફ રેકૉર્ડિસ્ટે નાના-મોટા ટેãક્નકલ સુધારા કરી ગીતને ફાઇનલ ટચ આપ્યો અને સંગીતકારે ફાઇનલ રેકૉર્ડિંગ કેવું થયું છે એ સાંભળવાનું શરૂ કયુર્ર઼્ં. અને અહો આર્યમ્. જેમ-જેમ ગીત આગળ વધતું ગયું એમ મુકેશના અવાજના જાદુ છવાતો ગયો. એક સમય એવો હતો કે સંગીતકાર માથે હાથ દઈને બેઠા હતા કે શું થશે? અને હવે તેમને માનવામાં નહોતું આવતું કે તે શું સાંભળી રહ્યા છે. ગીત પૂરું થતાં તેમના મોંમાંથી વાહ-વાહ નીકળતી હતી.

મુકેશ ખુલ્લેઆમ પોતાની મર્યાદાનો સ્વીકાર કરતા. એક નવો ગાયક આવતાંવેંત થોડા જ સમયમાં લોકપ્રિય થઈ ગયો. વિવેચકો એમ કહેતા કે આ તો મુકેશથી વધુ બેસૂરું ગાય છે. એક ઇન્ટરવ્યુમાં કોઈએ તેમને આ વાત કરી. તેમનો જવાબ હતો, ‘મુઝે લગતા હૈ મૈં ઉસસે ઝ્યાદા બેસુરા હૂં. અગર મૈંં પૉપ્યુલર હો સકતા હૂં તો વો ક્યૂં નહીં?’

મુકેશના મજાકિયા સ્વભાવની વાત કરતાં આણંદજીભાઈ કહે છે...


એક દિવસ અમે, મોહમ્મદ રફી, મુકેશ અને બીજા લોકો એક ફંક્શનમાં બેઠા વાતો કરતા હતા. અચાનક એકદમ ગંભીર ચહેરે મુકેશ મોહમ્મદ રફીને પૂછે છે, ‘યાર રફી, તૂ કભી બીમાર નહીં પડતા?’

આવો પ્રશ્ન સાંભïïળી રફી તો ડઘાઈ ગયા. તે એકદમ સિરિયસ થઈને બોલ્યા,‘ભાઈસાબ, ક્યોં ઐસી બદદુઆ દેતે હો?’

ખડખડાટ હસતાં-હસતાં મુકેશ બોલ્યા, ‘યાર, તૂ બીમાર પડેગા તો હી મુઝે ઝ્યાદા કામ મિલેગા ના.’

અને આ મજાક સાંભïળી મોહમ્મદ રફી સહિત સૌ હસી પડ્યા.


આણંદજીભાઈને સાથે વાતોનો દોર ચાલતો હતો એટલામાં શાંતાબહેન નોકર સાથે ચા- નાસ્તો લઈને આવ્યાં. શાહપરિવાર ખાવાના શોખીન તો છે જ અને એનાથી વધુ ખવડાવવાના શોખીન છે. દરેક વખતે તેમને ત્યાં નિતનવી વાનગીઓ ચાખવા મળે. સામાન્ય રીતે પ્રોડ્યુસર અને બીજા કસબીઓ ગીતના ડિસ્કશન માટે ભેગા થાય ત્યારે ખાવાપીવાની જવાબદારી પ્રોડ્યુસરની હોય. મોટે ભાગે આ બેઠકો ઘરમાં થતી. અહીં આ જવાબદારી શાહપરિવાર સુપેરે નિભાવતો. તેમના કિચનની હોમમેડ ચટાકેદાર વાનગીઓના અનેક ચાહકો હતા, પછી તે દિલીપકુમાર હોય કે પછી અમિતાભ બચ્ચન. મુકેશ પણ આમાંથી બાકાત નહોતા. શાંતાબહેન એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘મુકેશ ઘરમાં પગ મૂકે એટલે સીધા કિચનમાં આવીને પૂછે, ભાભી, આજ ક્યા ખાના બના હૈ? તેમને ડાયાબિટીઝ હતો એ છતાં કેરીનો રસ ખાય. ગુજરાતી રસોઈ તેમને ખૂબ ભાવતી. તેમનાં પત્ની સરલાબહેનનું શરીર ભારે એટલે તે ધીમે ચાલે. મુકેશ ઝડપથી ચાલતાં થોડે દૂર જઈ પાછા ફરે. ત્યાં સુધી બચીબહેન એક ભેળવાળા આગળ ઊભાં રહે. રસ્તામાં કોઈ મળે તો મુકેશ કોઈ સાથે વધુ વાતચીત કરવા ઊભા ન રહે. કેવળ હાથ હલાવી અભિવાદન કરી ચાલતા જાય. અમે પૂછ્યું, કેમ આમ? તો કહે, ‘સરલાને ભેળ બહુ ભાવે છે; હું પાછો આવું ત્યારે એટલું જ કહે, મુકેશ, આને ત્રણ ભેïળના પૈસા આપી દે; તમે જ કહો, હું રસ્તામાં વાત કરવા ઊભો રહું તો અહીં શું થાય?’

દિલ્હીના કાયસ્થ બ્રાહ્મણ મુકેશે વડોદરાનાં ગુજરાતી શ્રીમાળી બ્રાહ્મણ પરિવારનાં સરલા ત્રિવેદી (બચીબહેન) સાથે પ્રેમલગ્ન કયાર઼્ હતાં. આ કારણે તે સારું ગુજરાતી બોલી શકતા. શ્રીમંત પિતાની પુત્રીના પરિવારને મુકેશ સાથે લગ્ન કરે એનો વિરોધ હતો એટલે બન્નેએ ભાગીને ચૂપચાપ લગ્ન કયાર઼્.

આણંદજીભાઈ તેમની સાથેના સ્ટેજ-શોની યાદો તાજી કરતાં કહે છે...


પરદેશમાં અમારો સૌપ્રથમ

સ્ટેજ-શો તેમની સાથે ૧૯૭૨માં લંડનમાં થયો હતો. ત્યાર બાદ તેમની સાથે અમે દેશ-પરદેશ ઘણા શો કર્યા. એક વખત બનારસમાં અમારા એક શોનું આયોજન થયું હતું. મુકેશ સાથે કમલ બારોટ અને કલ્પના ઐયર પણ અમારી સાથે હતાં. બન્યું એવું કે પ્રોગ્રામ શરૂ થયો અને અધવચ્ચે આયોજકો ગુમ થઈ ગયા. એ દિવસોમાં આજની જેમ નહોતું કે ફુલ પેમેન્ટ મïળે પછી જ શો શરૂ થાય. મોડી રાતે શો પૂરો થયો અને અમને આ વાતની ખબર પડી. હોટેલ ગયા તો મૅનેજર કહે કે પહેલાં પૈસા આપો તો જમવાનું આપું. અમારી સાથે મ્યુઝિશ્યનની ટીમ મોટી હતી. જે પૈસા અમારી પાસે હતા એમાંથી બનારસથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈની પ્લેનની ટિકિટો લેવાની હતી એટલે ભૂખ્યા પેટે જ અમે ત્યાંથી નીકળી ગયા. ઍરર્પોટ જતાં રસ્તામાં મુકેશ મને કહે, ‘ઝોર સે ભૂખ લગી હૈ, આપકે સાથ મેં કુછ હૈ ક્યા?’

મને હંમેશાં ટૂરમાં ચણાનાં પૅકેટ સાથે રાખવાની આદત હતી. ઘણી વાર લોકો મજાક પણ કરતા. એ રાતે ચણાનો જે સ્વાદ આવ્યો છે એવો કદી નથી આવ્યો. મુકેશ કહે, ‘આપકી યે આદત આજ કામ આયી. અબ મૈં ભી બાહર જાતે વક્ત ચના સાથ રખૂંગા.’

લખનૌમાં અમારો એક શો હતો ત્યાં એક ઇન્સ્પેક્ટર અમને મળવા આવ્યો. આવીને અમારી માફી માગે. અમે કારણ પૂછ્યું તો કહે, ‘ઉસ દિન બનારસ મેં આપ લોગોં કો અકેલા છોડ કર હમ ભાગ ગએ થે, ઉસકે લિયે માફી માંગ રહા હૂં. યકીન કીજિએ હમ આપકો ઔર આપકે સંગીત કો બહુત પ્યાર કરતે હૈં. ઇસલિએ આજ આપ સે મિલકર માફી માંગને ચલા આયા.’

એક સ્ટેજ-શોમાં મુકેશ આવ્યા તો અમે જોયું કે ખિસ્સા આગળથી તેમનું પૅન્ટ થોડું ફાટેલું હતું. તે હંમેશાં સ્ટાર્ચ કરેલું પૅન્ટ પહેરતા. અમે તેમનું ધ્યાન દોર્યું તો કહે, ‘કૌન દેખનેવાલા હૈ? સબ મેરા ગાના સુનને આએ હૈં. ઔર કિસીને દેખ ભી લિયા તો ક્યા ફર્ક પડનેવાલા હૈ?’

એક સ્ટેજ-શોમાં એવું થયું કે ગીતનું મુખડું પૂરુ થયું અને તેમણે ભૂલથી બીજા ગીતનો અંતરો ગાવાની શરૂઆત કરી. ભૂલનો અહેસાસ થતાં તેમણે ગાવાનું બંધ કર્યું, પણ કલ્યાણજીભાઈએ બાજી સાચવી લીધી. તેમણે ઑડિયન્સને કહ્યું, ‘જોયું? આ રીતે અમે રિહસર્લ કરીએ છીએ. એક ગીત રેકૉર્ડ કરતાં અમે કેટલી મહેનત કરીએ એ અમે દેખાડ્યું. હવે પૂરું ગીત સાંભળો.’


એક આડવાત. ગાયકીની બાબતમાં સજાગ એવા મુકેશ જીવનમાં એક ભૂલ કરી બેઠા. તલત મહમૂદની જેમ તે પણ હીરો બનવાનો મોહ જતો ન કરી શક્યા. ‘નિર્દોષ,’ ‘દુ:ખસુખ’, ‘આદાબ અર્ઝ’, ‘થૅન્ક યુ’ અને ‘માશૂકા’ અને ‘અનુરાગ’ જેવી નિષ્ફïળ ફિલ્મોમાં તે હીરો હતા. પ્રોડ્યુસર તરીકે તેમની ‘મલ્હાર’ અને ‘માશૂકા’ આ બન્ને ફિલ્મો ફ્લૉપ ગઈ. ફિલ્મ ‘અનુરાગ’માં તેમનું જ સંગીત હતું. અધૂરામાં પૂરું હોય તેમ તે ફિલ્મોના ડિસ્ટિÿબ્યુશનના ધંધામાં પડ્યા. સરવાળે ગાયકીમાં જમાવેલાં નામ અને દામ બન્ને ગુમાવવાનો સમય આવ્યો. એ દિવસોમાં તેમને ગાયક તરીકે કામ મળતું ઓછું થઈ ગયું. સમય એવો આવ્યો કે ‘કૅવેન્ડર્સ’ બ્રૅન્ડ સિગારેટની જાહેરાતની જિંગલમાં તેમણે ગાયું. આ સંજોગોમાં તેમની ગાયકીની સેકન્ડ ઇનિંગ્સ કલ્યાણજી-આણંદજીના સંગીતથી શરૂ થઈ જે છેવટ સુધી ચાલી.

આણંદજીભાઈ મુકેશ સાથેની યાદોનું સમાપન કરતાં કહે છે, ‘તેમની સાથે રેકૉર્ડ થયેલું અમારું છેલ્લું ગીત હતું ફિલ્મ ‘દરિંદા’નું. ઇન્દિવરલિખિત એ ગીતના શબ્દો હતા ‘ચાહે આજ મુઝે ના પસંદ કરો, ચાહે દ્વાર રિદય કે બંધ કરો, આખિર મેં તુમ્હે મેરા હી હોના હોગા.’ ત્યાર બાદ થોડા સમય પછી લતા મંગેશકર સાથે તે અમેરિકાની ટૂર પર ગયા અને ત્યાં જ તેમનું નિધન થયું. તેમના જેવા ગાયક અને તેથી વધુ ઉત્તમ મનુષ્ય ભાગ્યે જ આ દુનિયામાં જોવા મળે.’

મુકેશને શ્રદ્ધાંજલિ આપતાં આશા ભોસલે એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘તેમની સાથે કામ ઓછું કર્યું છે, પરંતુ જ્યારે અમે મળતાં ત્યારે એક જ વાત કરતા, આ નામ અને દામ બન્ને ઈશ્વરની મહેરબાનીથી મળ્યાં છે; ગમેતેવા સંજોગો હોય, ઈશ્વરમાં શ્રદ્ધા ન ગુમાવવી જોઈએ. અમે ખુરસી પર બેસી રિહસર્લ કરતાં હોઈએ તો કહેતા, આશા, આ નીચે બૈઠકે રિહર્સલ કરતે હૈં.’ એટલું બોલતાં તે નીચે જમીન પર બેસી જતા. હું પૂછું કેમ આમ? તો કહેતા કે એક દિન ઇસી મેં મિલ જાના હૈ, ફિર ક્યૂં ન ઇસસે દોસ્તી કર લેં?’

તેમણે ગાયેલું ગીત ‘પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે, બહુયે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માગે..’ જાણે સાર્થક કરતા હોય એમ ૨૭ ઑગસ્ટ, ૧૯૭૬ના દિવસે મુકેશચંદ માથુરે આ દુનિયાને અલવિદા કરી. એ સમયે તેમના મનમાં તો આ જ ગીત રમતું હશે, ‘સજન રે જૂઠ મત બોલો, ખુદા કે પાસ જાના હૈ, ન હાથી હૈ ન ઘોડા હૈ, વહાં પૈદલ હી જાના હૈ...’ રોજ સવારે વહેલા ઊઠીને હનુમાન ચાલીસા અને રામાયણની ચોપાઈઓ ભૂલ્યા વિના ગાતા મુકેશને સંગીતપ્રેમીઓ એટલે જ એમ કહીને સ્વરાંજલિ આપે છે, ઓ જાનેવાલે હો સકે તો લૌટકે આના.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2018 11:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK