ગુજરાત થીજી ગયું : ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૯.૧ ડિગ્રી

Published: 13th December, 2011 04:55 IST

ઉત્તર ગુજરાત અને કચ્છમાં આકરી ઠંડી પડશે,  એની અસર મધ્ય ગુજરાત -સૌરાષ્ટ્ર પર દેખાશેગુજરાતમાં શરૂ થયેલી કોલ્ડ વેવની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીનો પારો વધુ એકથી ચાર ડિગ્રી જેટલો ઘટી ગયો હતો. ગુજરાત હવામાન વિભાગની આગાહી છે કે આવતા ૪૮ કલાક દરમ્યાન હજી ગુજરાતમાં ઠંડી વધશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના લઘુતમ તાપમાનમાં એકથી ચાર ડિગ્રી જેટલો ઘટાડો દેખાશે. ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર કમલજિત રેએ કહ્યું હતું કે ‘કાશ્મીરની હિમવર્ષા અને ઉત્તરીય પવનોને કારણે ઠંડીનું પ્રમાણ ધારણા બહારનું વધ્યું છે. આવી અસર હજી ચારથી પાંચ દિવસ સુધી રહેશે અને એ પછી ઠંડી ઘટે એવી સંભાવના છે.’

એક જ અઠવાડિયામાં ગુજરાતનું તાપમાન અડધોઅડધ ઘટી જતાં ગઈ કાલે ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેક્ટરને આદેશ આપીને ગુજરાતની સવારની શિફ્ટની તમામ સ્કૂલ-કૉલેજો અડધાથી પોણો કલાક અને નલિયામાં એક કલાક મોડી કરવામાં આવી છે. કચ્છના કલેક્ટર એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘ટૂરિસ્ટોને પણ વિનંતી કરવામાં આવી છે કે શક્ય ન હોય ત્યાં સુધી રાતનું ટ્રાવેલિંગ ટાળવું. જોકે બસ-સ્ટૅન્ડ અને રેલવે-સ્ટેશન પર હીટર મૂકવા સુધીની અમારી તૈયારી છે.’

ગઈ કાલે પણ ગુજરાતનું સૌથી ઠંડું શહેર નલિયા રહ્યું હતું. નલિયાનું લઘુતમ તાપમાન ૪.૬ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે બીજા નંબરના ઠંડા શહેર તરીકે જૂનાગઢ રહ્યું હતું. જૂનાગઢનું લઘુતમ તાપમાન ૮.૮ ડિગ્રી નોંધાયું હતું. ડીસાનું મિનિમમ ટેમ્પરેચર ૯.૧ ડિગ્રી હતું. રાજકીય ગતિવિધિમાં હંમેશાં અવ્વલ રહેતા ગાંધીનગરનું લઘુતમ તાપમાન ગઈ કાલે ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતનાં અન્ય શહેરોની વાત કરીએ તો ગઈ કાલે કંડલામાં ૯.૪, ભુજમાં ૧૦, રાજકોટમાં ૧૦.૨, અમરેલીમાં ૧૦.૪, અમદાવાદમાં ૧૦.૯, વલ્લભવિદ્યાનગરમાં ૧૧.૪, વડોદરામાં ૧૧.૯, ભાવનગરમાં ૧૨.૧, જામનગરમાં ૧૨.૩ અને સુરતમાં ૧૫ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.

રણ મહોત્સવને કારણે ધોરડોમાં એક કામચલાઉ વેધર લૅબોરેટરી બનાવવામાં આવી છે, જેની નોંધ મુજબ ગઈ કાલે ધોરડોમાં ૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન હતુ, જ્યારે ગીરનાર પર્વત પર ગઈ કાલે ૫.૧ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું.

દેશના તાપમાન પર નજર

ગઈ કાલે પશ્ચિમ રાજસ્થાનના લઘુતમ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્શિયસનો વધારો થયો હતો. એ સિવાયના ભારતના ઉત્તર-પશ્ચિમ વિસ્તાર, મધ્ય અને પૂર્વ ભારત તથા કર્ણાટકના અંતરિયાળ ભાગોના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્શિયસનો ઘટાડો થયો હતો.

ગઈ કાલે દેશમાં ચાર ડિગ્રી સેલ્શિયસ કરતાં ઓછું તાપમાન પંજાબના અમૃતસર, હરિયાણાના રોહતક અને નરનૌલ, રાજસ્થાનના ચુરુ અને જવાઈ ડૅમ અને મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં જોવા મળ્યું હતું. આ જગ્યાઓમાં રોહતક અને ચુરુમાં સૌથી ઓછું ત્રણ ડિગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન નોંધાયું હતું.

પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક હિસ્સાઓમાં ભારે ધુમ્મસ જોવા મળ્યું હતું. લખનઉ, ગોરખપુર, વારાણસી, સુલતાનપુર, બહરાઇચ અને પટના જેવા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં તો એટલું ગાઢ ધુમ્મસ હતું કે પચાસ મીટરથી દૂરનું દૃશ્ય જોવાનું અશક્ય હતું.

સિક્કિમના ઘણા વિસ્તારોમાં, આંદામાન અને નિકોબાર તથા લક્ષદ્વીપમાં કેટલીક જગ્યાએ તેમ જ અરુણાચલ પ્રદેશ, આસામ, તામિલનાડુ, કેરળ અને દક્ષિણ આંધ્ર પ્રદેશમાં એકાદ-બે જગ્યાએ વરસાદ પડ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK