Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ભારત પર વાવાઝોડાંનો મારો કેમ વધી ગયો છે?

ભારત પર વાવાઝોડાંનો મારો કેમ વધી ગયો છે?

17 November, 2019 11:50 AM IST | Mumbai
Sanjay Pandya

ભારત પર વાવાઝોડાંનો મારો કેમ વધી ગયો છે?

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


નાના હતા ત્યારે મુંબઈની સ્કૂલમાં વેકેશન પડે એટલે અમે વાયા અમદાવાદ ઉત્તર ગુજરાતના અમારા ગામભેગા થઈ જતા. ધૂળિયો મલક, સાઠ ઘરની વસ્તીવાળું નાનું ગામ અને કોઈ પણ દિશામાં ઊભા રહો તો ક્ષિતિજ સુધી વિસ્તરેલાં ખેતર આંખોમાં ઠલવાય. આજથી ૪૦-૪૫ વર્ષ પહેલાંનો સમય. ગામમાં ન ટેલિફોન હોય કે ન અખબાર આવે. ટીવીનાં પગરણ પણ એ વખતે થયાં નહોતાં. એવા સમયે બનેલી એક-બે ઘટનાઓ યાદ છે જ્યારે ભરબપોરે ધૂળની ડમરીથી ગામનું આકાશ ઢંકાઈ જતું. પવનની ગતિ વધવા માંડે. ફળિયામાંનું લીમડાનું વૃક્ષ પવનના જોર સામે ઝીંક ઝીલવાની કોશિશ કરે. ફળિયામાં રમતાં બાળકોને ઘરમાં બોલાવી લેવાય. જેમ પવનનું જોર વધે એમ દૂર ખેતરમાંનો મૉલ એક દિશામાં કુર્નિશ બજાવતો હોય એમ નમી પડે. છૂટી પડેલી તાડપત્રીઓ હવામાં ઊડવા માંડે. પવનની આંધીનું જોર વધતાં બે-ચાર ઘરનાં છાપરાંય ઊડીને ગામને ઝાંપે પડે. ‘અલ્યા, ઓંધું આયું છ, હાચવજો’ કહી બધાને સાવચેત કરાય! આ એવો સમય હતો જ્યારે વાવાઝોડું આવે ને એકાદ રાજ્યના કેટલાક જિલ્લાને, ક્યારેક આખા રાજ્યને તો ક્યારેક બે-ત્રણ રાજ્યને ધમરોળીને જતું રહેતું, પણ એની બહુ વાત ન થતી.
ચાર-પાંચ દાયકામાં પરિસ્થિતિ બદલાઈ છે. જનસંખ્યા વધી અને સાથે સંસાધનોનો વિકાસ પણ થયો. દેશના અંતરિયાળ ભાગોમાં જ્યાં પાકા રસ્તા નહોતા ત્યાં સારા રસ્તા બન્યા. ગામમાં સમ ખાવા માટેય ફોન ન હોય ત્યાં પ્રથમ લૅન્ડલાઇન આવી અને હવે ઘરે-ઘરે મોબાઇલ ફોન પણ આવી ગયા. ટીવીએ દરેક ઘરમાં સ્થાન જમાવ્યું. અખબાર ઠેર-ઠેર પહોંચી ગયાં એટલે સંદેશવ્યવહારનાં સાધનો વધ્યાં. લોકો પાસે માહિતીનો ડુંગર ઠલવાવા માંડ્યો. નાની-મોટી ઘટનાઓની ખબર ક્ષણમાં સમગ્ર વિશ્વ સુધી પહોંચવા માંડી. કુદરતી આપદાની જાણકારી પ્રજા સુધી પહોંચાડતો વિભાગ પણ વધુ જાગ્રત થયો, વધુ સજ્જ થયો, પણ સમગ્ર વિશ્વમાં ડેવલપમેન્ટના મોજા પર સવાર શાસકોએ પ્રકૃતિ તરફ ધ્યાન નથી આપ્યું એટલે પ્રકૃતિ જ્યારે વીફરે છે ત્યારે ટેક્નૉલૉજીની કાખઘોડી દૂર ફંગોળાઈ જાય છે.
મુંબઈગરાને વાવાઝોડાનો ઝાઝો અનુભવ નથી, પણ જેનાં મૂળિયાં દ્વારકા, સોમનાથ, જામનગર જેવા ગુજરાતના દરિયાઈ વિસ્તારો અને સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામો અને નગરો સાથે જોડાયેલાં છે એવા બધા વાચકોને વાવાઝોડાંનો ફર્સ્ટહૅન્ડ અનુભવ હશે! ભારતના પશ્ચિમ કાંઠે ફક્ત ગુજરાત એવું રાજ્ય છે જેણે અનેક વાવાઝોડાં સામે ઝીંક ઝીલી છે. ભારતના પૂર્વ વિભાગનાં પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, ઓડિશા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પૉન્ડિચેરી પર પણ વાવાઝોડાં અવારનવાર પોતાનો પ્રેમ ઠાલવતાં રહે છે; પણ આ પ્રેમ ઘણો મોંઘો અને કાતિલ છે. જબરી તીવ્રતા સાથેનાં વાવાઝોડાંએ હજારો લોકોનો ભોગ લીધો છે. અંગત તથા સરકારી માલ-મિલકત ખેદાન-મેદાન થઈ જાય છે. કેટલાંય વૃક્ષો ધરાશાયી થઈ જાય છે. વીજળીના ઉન્નત થાંભલાઓ વીજળીના તાર સાથે જમીનભેગા થાય છે. કેટલાંયે કાચાં ઘર ધ્વસ્ત થાય છે તો દરિયાકિનારે માછીમારોની વસાહતો પણ મોટું નુકસાન ભોગવે છે.
ભારતને ૭૫૧૬ કિલોમીટર લાંબો દરિયાકિનારો છે જેમાંથી ૫૪૦૦ કિલોમીટર મુખ્ય ભૂમિ સાથેનો કિનારો છે. ૧૩૨ કિલોમીટર કિનારો લક્ષદ્વીપ પાસે છે અને ૧૯૦૦ કિલોમીટર આંદામાન નિકોબાર ટાપુઓ પાસે છે. વિશ્વના ટ્રૉપિકલ સાયક્લોનના ૧૦ ટકા આપણા દરિયાકિનારાના પ્રદેશને ધમરોળે છે. આપણી ૪૦ ટકા માનવવસ્તી દરિયાકિનારાથી ૧૦૦ કિલોમીટરના વિસ્તારોમાં જ વસી છે એટલે જ્યારે દરિયામાંથી ઊભું થયેલું વાવાઝોડું ભૂમિ તરફ આગળ વધે ત્યારે આ ૪૦ ટકા પ્રજા પર જોખમ વધી જાય છે.
આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી છેલ્લાં બે વર્ષનાં વાવાઝોડાંની વાત કરીએ? પાડોશના આન્ટી હાથમાં વાટકી લઈ મેળવણ લેવા પાછા બીજે દિવસે આવી ઊભાં હોય એટલી સહજતાથી અને એવી ફ્રીક્વન્સીથી વાવાઝોડાં આજકાલ કેમ આપણા દ્વારે ટકોરા મારે છે! સોશ્યલ મીડિયા અને ટીવી કે અખબાર દ્વારા ન્યુઝ ઝડપથી મળે છે એટલે એવું લાગે છે કે ખરેખર વધુ સંખ્યામાં વાવાઝોડાં ભારતની ભૂમિ પર ત્રાટકી રહ્યાં છે?
૧૮૯૧થી ૧૯૯૦ સુધીના આંકડા જણાવે છે કે આ ૧૦૦ વર્ષમાં ૨૬૨ વાવાઝોડાં ભારતના પૂર્વ કિનારે નિર્માણ થયાં અને પશ્ચિમ કિનારે ૩૩ વાવાઝોડાં આવ્યાં. અર્થાત્ પૂર્વ કિનારાનાં રાજ્યો પર વાવાઝોડાંનું જોખમ વધુ છે. ૨૦૧૮માં પ્રકૃતિ જાણે કે પડખું ફરે છે. આ વર્ષના ભારતીય ઉપખંડના પશ્ચિમના અરબી સમુદ્ર તથા પૂર્વ તરફના બંગાળના ઉપસાગરમાં ૧૪ જેટલાં ડિપ્રેશન નોંધાયાં છે જેમાંથી ૭ વાવાઝોડાંમાં પરિણમે છે. આ સિલસિલો ૨૦૧૯માં પણ બરકરાર છે અને અત્યાર સુધી નવેમ્બરના મધ્ય સુધી આપણે ૭ વાવાઝોડાંને ઝીલી ચૂક્યા છીએ.
ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ આંકડાઓ મુજબ છેલ્લા દસકામાં ૧૧ ટકા જેટલાં વધુ વાવાઝોડાં ભારતીય ઉપખંડના મહાસાગરમાં નોંધાયાં છે. ૨૦૧૮ અને ૨૦૧૯ના પ્રત્યેક વર્ષમાં ૭માંથી ૬ વાવાઝોડાં તીવ્ર કે સિવિયર કૅટેગરીનાં ગણાયાં છે. આ વર્ષે ‘પબક’ નામનું વાવાઝોડું આંદામાન નજીકના દરિયામાં સર્જાયું હતું અને સમયગાળો હતો જાન્યુઆરી ૨૦૧૯નો.
ત્યાર બાદ આવ્યું ‘ફણી’ જેની અતિ તીવ્ર ગતિના વાવાઝોડામાં ગણના થાય છે, પણ આનું નામકરણ બંગલા દેશે કર્યું હતું જેથી ફણીનો પહોળો ઉચ્ચાર ‘ફોની’ પ્રચલિત થયો. ફણીએ ઓડિશામાં ઘણું નુકસાન પહોંચાડ્યું. ૧૯૬૫ બાદ ઓડિશાને ધમરોળનારાં વાવાઝોડાંમાં ‘ફણી’ની  ઉગ્રતા સૌથી વધુ હતી. ઓડિશાના ઘણા વિસ્તારો એના નુકસાનની અસરમાંથી હજી ઊભા નથી થઈ શક્યા.
જૂન ૨૦૧૯માં ‘વાયુ’ની પધરામણી થઈ. ભારતમાં વરસાદની ઋતુનો આ આરંભકાળ. ‘વાયુ’મહારાજે ભારતીય ઉપખંડના આકાશમાં ઘેરાતાં વાદળોને પોતાની તરફ ખેંચી લીધાં અને ગુજરાતના દરિયાકિનારા તરફ પ્રયાણ કર્યું. ‘વાયુ’ના પ્રતાપે ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવા સાથે સારોએવો વરસાદ થયો. જોકે એની આડઅસરરૂપે ચોમાસું બે અઠવાડિયાં પાછું ઠેલાયું. 
વર્ષનું ચોથું વાવાઝોડું હતું ‘હિક્કા.’ એ પછી ૨૪ ઑક્ટોબરે નિર્માણ થયું ‘ક્યાર’ જે સુપર-સાયક્લોન શ્રેણીનું હતું. ક્યાર હજી ઝાંખું પડે ન પડે ત્યાં ‘મહા’ નામનું વાવાઝોડું તૈયાર થયું. આ વર્ષનું એ છઠ્ઠું વાવાઝોડું હતું અને તાજેતરમાં બંગાળના ઉપસાગરમાંથી ઓડિશા પર જે ત્રાટક્યું એ ‘બુલબુલ’ આ વર્ષનું સાતમું વાવાઝોડું હતું. બુલબુલે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પશ્ચિમ બંગાળને પહોંચાડ્યું હોવાનો અંદાજ છે.
વિશ્વમાં નિર્માણ થતાં વાવાઝોડાંના ત્રીજા ભાગનાં હિન્દ મહાસાગરના ઉત્તરી હિસ્સામાં તૈયાર થાય છે જે અગાઉ જોયું એમ, આપણા પૂર્વ કિનારાનાં પાંચ અને પશ્ચિમ તરફ ગુજરાત રાજ્યને વધુ અસર કરે છે. આ વાવાઝોડાં નિર્માણ પામે છે એ માટે સાતેક ભૌગોલિક અને વાતાવરણને લગતાં પરિબળ જવાબદાર હોય છે. એમાં જે અગત્યનાં છે એ છે દરિયાની સપાટી પરના જળનું ઉષ્ણતામાન, બીજું ભેજનું ઊંચું સ્તર અને ત્રીજું દરિયા પરના વાતાવરણમાં અચાનક બદલાવ. આ ત્રણે પરિબળો જ્યારે ખૂબ વધી જાય ત્યારે સમુદ્રમાં વાવાઝોડું નિર્માણ થાય છે. દરિયાના ઉપલા સ્તરના જળનું ઉષ્ણતામાન જ્યારે ૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું હોય ત્યારે એ વધેલું ઉષ્ણતામાન દરિયા પરના ભેજને ઉપરની તરફ ધકેલે છે. પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ આ વાયુઓને ચક્રાકાર ગતિ આપે છે અને ઉષ્ણ ભેજ વધુ ઉપર જાય છે. 
પર્યાવરણવિદોનું કહેવું છે કે વાતાવરણમાં જે બદલાવ આવી રહ્યો છે, ભૂમિ પર ઉષ્ણતામાન વધી રહ્યું છે અને સાથે-સાથે સમગ્ર વિશ્વમાં દરિયાનું પાણી પણ વધુ ઉષ્ણ થઈ રહ્યું છે આ બધાં કારણોને લીધે વાવાઝોડાં વધી રહ્યાં છે.
ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટના સિનિયર સાયન્ટિસ્ટ અને સાયક્લોન વિભાગના વડા ડૉ. એમ. મહાપાત્રએ સાથે જ્યારે ટેલિફોન પર વાત કરી તો તેમનો સૂર ડિફેન્સિવ લાગ્યો. તેમના કહેવા મુજબ ગ્લોબલ વૉર્મિંગને કારણે વાવાઝોડાં વધી શકે કે તીવ્ર બને એ વાત હજી સિદ્ધ નથી થઈ. તેમના કહેવા મુજબ ઉત્તરી હિન્દ મહાસાગરમાં ભારતને અસર કરે એવાં પાંચ વાવાઝોડાંની ઍવરેજ હાલમાં છે. બે વર્ષ માટે વાવાઝોડાં પાંચને બદલે સાત થાય તો એ ઋતુના સામાન્ય કારણસર પણ બની શકે એવું મહાપાત્રનું કહેવું છે. આઇએમડીના અવલોકન મુજબ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાં ઘટી રહ્યાં છે અને અરબી સમુદ્રમાં વધી રહ્યાં છે. મહાપાત્રજીએ ખાસ ઉમેર્યું કે વિથ લો કૉન્ફિડન્સ (પૂરેપૂરી ખાતરી સાથે નહીં) અમે કહીએ છીએ કે ગ્લોબલ વૉર્મિંગની અસર વાવાઝોડાના નિર્માણ પર હોઈ શકે. તેમના કહેવા મુજબ આઇએમડી વિશ્વસ્તરે શ્રદ્ધેય છે અને વાવાઝોડાં વધ્યાં છે કે ઘટ્યાં છે એ સમજવા અમે ૩૦ વર્ષના આંકડા જોતા હોઈએ છીએ. આઇએમડી સમય-સમયે વાવાઝોડાની ચેતવણી આપતું રહે છે અને સરકારની યંત્રણા એના પર કાર્ય કરે છે.
ડૉ. મહાપાત્રનો વ્યુ એક છેડે છે તો વિશ્વના પર્યાવરણવિદો બીજો સૂર કાઢે છે. તેમના કહેવા મુજબ ક્લાઇમેટ ચેન્જને કારણે ગ્લેસિયર્સ પીગળી રહ્યાં છે અને સમુદ્રનું સ્તર ઊંચે આવ્યું છે એ બાબત અને વાવાઝોડાં સાથેનો અતિ વરસાદ નુકસાનનું સ્તર વધારે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના એન્વાયર્નમેન્ટ ચેન્જ વિભાગના ડૉ. ફેડરિકો ઓટ્ટો પણ ઉપરનાં કારણો નીચે પોતાની સહી કરે છે!
 લંડનની ગ્રેન્થમ ઇન્સ્ટિટ્યૂટના પાઉલો સેપીએ ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે ગ્લોબલ વૉર્મિંગ અને સાયકલોન એકબીજા સાથે સંકળાયેલાં છે. ગ્લોબલ વૉર્મિંગને કારણે વાતાવરણમાં આવતો બદલાવ વાવાઝોડાની ઉગ્રતા વધારે છે. વાતાવરણમાં ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા આપણે પૅરિસ ઍગ્રીમેન્ટમાં વિવિધ દેશોએ કબૂલ કર્યું છે એમ વિશ્વનું કાર્બન એમિઝનનું સ્તર ઘટાડવું પડશે! 
 ડૉ. ઓટ્ટો એ પણ સૂચવે છે કે જે દેશો કે જે વિસ્તારો અવારનવાર વાવાઝોડાની અડફેટમાં આવે છે ત્યાંનાં ઘર વાવાઝોડાને ઝીલી શકે એવાં બનાવવાં જોઈએ. ત્યાં વસતા લોકોનું વાવાઝોડા વખતે સ્થળાંતર કરાવવું જોઈએ.
આઇએમડીના મહાપાત્ર પણ કહે છે કે આ આપત્તિ સામે આપણી જાગરૂકતા વધી છે.  સમયસરની ચેતવણી તથા વહીવટી તંત્રના યુદ્ધના ધોરણે લેવાતાં પગલાંથી વાવાઝોડાથી થતાં મૃત્યુનો આંક ૧૦-૨૦ હજારથી સારોએવો ઘટાડી ૧૫થી ૨૫ જેવી બે આંકડાની સંખ્યા સુધી લાવી શકાયો છે.
 ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવા માટે તમે શું કરી શકો? પ્રથમ તો વાતાવરણમાં જતા કાર્બન અને ગ્રીનહાઉસ ગૅસનું પ્રમાણ ઓછું કરવું પડે જેથી પેટ્રોલ-ડીઝલથી ચાલતાં વાહનોનો વપરાશ ઓછો કરો. જ્યાં ચાલીને જઈ શકાતું હોય ત્યાં વાહનનો ઉપયોગ ન કરો. વસ્તુઓ રીસાઇકલ કરો એવું પશ્ચિમના નિષ્ણાતો કહે છે, પણ એનાથી તો ભારતીયો સારી રીતે પરિચિત છે. નાહવા માટે વપરાતો ટુવાલ ફાટે ત્યારે નૅપ્કિન અને પછી લૂછવાના પોતા તરીકે વપરાય એ પણ એક પ્રકારનું રીસાઇક્લિંગ છે! ગરમ પાણીનો વપરાશ ઓછો કરો, વિમાની પ્રવાસ ઓછો કરો. એસીનો વપરાશ ઓછો કરો. આનાથી પણ ગ્લોબલ વૉર્મિંગ ઘટશે. સૌથી શિરમોર સમો ઉપાય છે વૃક્ષો વાવો. વૃક્ષોથી વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ઘટશે અને દસકા પછી પૃથ્વી થોડી વધુ હરિયાળી લાગશે.      
વાવાઝોડાં અને એના નુકસાનની સમજ સામાન્ય માણસનેય હવે પડવા માંડી છે. કુદરતના વિવિધ પડકારોની જેમ જ વાવાઝોડાના પડકારનેય માનવી ઝીલે છે. જોકે હવે પછીની આપણી પેઢીઓને જીવવાલાયક ભૂમિ અને શ્વસવાલાયક હવા આપીને જવું હશે તો ગ્લોબલ વૉર્મિંગ ઘટાડવાના પ્રયત્ન સરકારે તો કરવા જ પડશે અને સાથે-સાથે આપણે સૌએ પણ કરવા પડશે!

અગમચેતીનાં પગલાં શું લેવાં
ભારતનાં જે ૬ રાજ્યોની આપણે વાત કરી એમણે વાવાઝોડા સામે શું અગમચેતીનાં પગલાં લેવાં જોઈએ? આ રાજ્યોના દરિયાકિનારા નજીક રહેનારા લોકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ....
૧. તેમણે જોવું જોઈએ કે પોતાનું ઘર વાવાઝોડાનો માર ઝીલી શકે એમ છે કે નહીં? ઘર નબળું હોય તો ગામની શાળા કે પંચાયતની ઑફિસમાં આશરો લેવો જોઈએ.
a૩. વૃક્ષ પડવાની સંભાવના હોય તો લોકોને તથા વાહનોને દૂર રાખવાં જોઈએ.
૪. ઘરની બહાર પડેલો લૂઝ સામાન કે બાળકોનાં રમકડાં ઘરમાં લઈ લેવાં જોઈએ.
૫. દવા-ગોળીની ઇમર્જન્સી કિટ હાથવગી રાખવી જોઈએ. 
૬. માછીમારોએ પોતાની બોટ વ્યવસ્થિત રીતે કિનારે બાંધી દેવી જોઈએ.
૭. બારીઓ બંધ રાખવી જોઈએ અને કાચ પર ક્રૉસમાં ટેપ લગાવી દેવી જોઈએ જેથી કાચ ફૂટે તોય નીચે ન આવી જાય. 
૮. ૪-૬ દિવસ જેટલું પીવાનું પાણી ઘરમાં ભરી લેવું જોઈએ. ખાધાખોરાકીનો સામાન, ટૉર્ચ વગેરે પણ હાથે ચડે એ રીતે ઘરમાં રાખી લેવાં જોઈએ.
૯. બાળકો અને પાળતુ પ્રાણીઓને ઘરમાં સલામત સ્થળે રાખવાં જોઈએ.
૧૦. બીજે આશરો લેવાનો હોય તો ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણો કે ગૅસ બંધ કરીને નીકળવું જોઈએ. 
૧૧. ચિત્ત શાંત રાખીને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટીમને સહકાર આપવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 11:50 AM IST | Mumbai | Sanjay Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK