કેમ આપણને કેટલીક જ વ્યક્તિઓ સાથે વારંવાર વાત કરવાનું ગમે છે?

Published: Jul 06, 2020, 17:21 IST | Falguni Jadia Bhatt | Mumbai

કેટલીક વ્યક્તિઓ સાથે આપણે બેધડક વાત કરી શકીએ છીએ, જ્યારે કેટલીક વ્યક્તિઓ સાથે વાત કરતા ચાર વાર વિચાર કરવો પડે છે.

છે તમારી પાસે આવી કોઈ વ્યક્તિ? અત્યંત તણાવભર્યા શેડ્યુલની વચ્ચે જેમની પાસે તમને વારંવાર દોડી જવાનું મન થાય? જેમની સાથે વાત કરવા માત્રથી તમારામાં ઊર્જાનો સંચાર થઈ જાય?
છે તમારી પાસે આવી કોઈ વ્યક્તિ? અત્યંત તણાવભર્યા શેડ્યુલની વચ્ચે જેમની પાસે તમને વારંવાર દોડી જવાનું મન થાય? જેમની સાથે વાત કરવા માત્રથી તમારામાં ઊર્જાનો સંચાર થઈ જાય?

કેટલીક વ્યક્તિઓ સાથે આપણે બેધડક વાત કરી શકીએ છીએ, જ્યારે કેટલીક વ્યક્તિઓ સાથે વાત કરતા ચાર વાર વિચાર કરવો પડે છે. એવો તે શું ફરક હોય છે આ બન્ને પ્રકારની વ્યક્તિઓમાં કે એક જ્યાં આપણી અંદર ઊર્જાનો સંચાર કરે છે તો બીજાની સાથે વાત કરતા જાણે આપણે નિચોવાઈ ગયા હોય તેવી લાગણી થઈ આવે છે? આવો જરા વિચારી જોઈએ.

આપણે બધા સંબંધોની દુનિયામાં રહીએ છીએ. જન્મ લેતાંની સાથે જ આપણે અઢળક લોકો સાથે કંઈ કેટકેટલાય સંબંધોથી જોડાઈ જઈએ છીએ. આપણને માતા-પિતા મળી જાય છે. ભાઈ-બહેન મળી જાય છે. અંગ્રેજી ભાષામાં એ સિવાયના બાકી બધા આપણા અંકલ અને આન્ટી હોય છે, પરંતુ આપણી તો ભાષાનો વૈભવ પણ પાછો એટલો બહોળો છે કે એ બધા સંબંધો માટે આપણી પાસે કાકા-કાકી, મામા-મામી, ફોઈ-ફૂઆ વગેરે જેવાં અલાયદા નામો પણ છે. અલબત્ત નામ ખાતર સંબંધો હોવાનો કોઈ અર્થ નથી. તેમાં સંબંધ નામનું જીવંત તત્ત્વ હોવું વધુ જરૂરી છે. તેથી બૃહદ્ પરીપ્રેક્ષ્યમાં જોઈએ તો સંબંધોને બે પ્રકારમાં વહેંચી શકાય. એક એવા સંબંધો, જેને તમે દિવસમાં એક વાર ફોન કરો, અઠવાડિયે એક વાર ફોન કરો, મહિને એક વાર ફોન કરો કે પછી વર્ષે એક વાર ફોન, વાતનો દોર જ્યાં પડતો મૂક્યો હોય ત્યાંથી ફરી પાછા આગળ વધી શકાય. સંબંધોનો બીજો પ્રકાર એટલે એવા સંબંધો જેને તમે ગમે ત્યારે ફોન કરો વાતનો દોર ક્યાંથી શરૂ કરવો તેનો જ વિચાર કરવો પડે.
કારણસર કોઈને ફોન કરીએ અને વાતનો દોર આગળ વધે એ અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે અકારણ કોઈને ફોન કરવાનો હોય ત્યારે આપણને મનમાં થનગનાટ થાય છે કે પછી ખચકાટ, બસ એ એક સવાલના જવાબ માત્રમાં આખા સંબંધનો સાર આવી જાય છે. કેટલીક વ્યક્તિઓ સાથે વાત કરીને આપણા આખા દિવસનો થાક ઊતરી જાય છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ સાથે વાત કરીને આપણો આખા દિવસનો થાક ત્રાસમાં બદલાઈ જાય છે. કેટલીક વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરો તો એવું લાગે જાણે આપણા જ ફોનની રાહ જોવાઈ રહી હતી, જ્યારે કેટલીક વ્યક્તિઓને ફોન કરો તો એવું લાગે જાણે આપણો ફોન મુકાવાની રાહ જોવાઈ રહી છે. કેટલીક વ્યક્તિઓને ફોન કરો તો કંઈ એટલી બધી વાતો થાય કે સમય ક્યાં વહી રહ્યો છે તેની ખબર જ ન પડે અને કેટલીક વ્યક્તિઓને ફોન કરો તો તેઓ એવી રીતે વાતો કરે કે જાણે મોઢામાં મગ ભર્યા હોય.
પારાવાર ભાગાદોડી અને તણાવભર્યા દિવસની વચ્ચે બેઘડી આંખ બંધ કરો તો એવી કઈ વ્યક્તિ છે જેની સાથે તમને સાંજે વાત કરી મન હળવું કરવાનું મન થાય છે? છે કોઈ એવું જેમની સાથે લગાતાર ચાલી રહેલી મીટિંગ્સની હારમાળાની વચ્ચે તમને અચાનક ફોન કરી ગપ્પાં મારવાની તાલાવેલી થઈ આવે છે? મોબાઈલ પર કેટલીક વ્યક્તિઓનાં નામ વાંચીને જ મનમાં એક પ્રકારનો કંટાળો આકાર લેવા માંડે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓનાં નામનો વિચાર માત્ર હૃદયના કોઈ સંગીતમય તાર ઝંઝેડી જાય છે અને તેમની સાથે વાત કરવાનો વિચાર માત્ર આખા દિવસના જખમો પર મરહમ લગાડવાનું કામ કરવા લાગે છે.
એવું તે શું હોય છે આ લોકોમાં કે તેમની સાથે વાત માત્ર કરવાથી આપણા સહરાના રણ જેવા મન પર પહેલાં વરસાદ જેવી ભીનાશ પથરાઈ જાય છે? વાણી અને વર્તનમાં તેઓ આપણા જેવા જ હોય છે એટલા માટે? કદાચ કંઈક અંશે એ વાતમાં સત્ય હશે, પણ તેનાથી મોટું અને સવાયું સત્ય એ હોય છે કે તેમની સાથે આપણે જેવા છીએ તેવા બની શકીએ છીએ. આપણા માટેની તેમની પસંદગી તેમના અભિગમમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે, તેથી તેમને ગમવા માટે આપણે કોઈ મુખવટો પહેરવો પડતો નથી કે નથી કોઈ દેખાડો કરવો પડતો. તેઓ ન ફક્ત આપણને બોલવાની, પરંતુ આપણે જેવા છીએ તેવા અભિવ્યક્ત થવાની પણ છૂટ આપે છે. કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના તેઓ જે ધીરજપૂર્વક આપણી વાત સાંભળે છે તેનાથી જ સમજાઈ જાય છે કે તેમને મન આપણે કેટલા મહત્ત્વના છીએ. તેમને પોતાની કથા કે વ્યથા નથી કહેવી હોતી, બલકે આપણી વાર્તા સાંભળવી હોય છે.
તેમને પોતાના પૂર્વગ્રહના માપદંડથી આપણું મૂલ્યાંકન કરવામાં કોઈ રસ ન હોવાથી તેઓ પોતાની ટીકા-ટિપ્પણી પોતાના સુધી જ સીમિત રાખે છે અને આપણે સારા છીએ કે ખરાબ, સાચા છીએ કે ખોટા તેનું પરીક્ષણ-નિરીક્ષણ કરવા બિલોરી કાચ લઈ આપણી પાછળ નથી પડ્યા રહેતા. તેઓ અત્યંત સહાનુભૂતિપૂર્વક આપણી વાત સાંભળે છે અને જ્યારે માગવામાં આવે ફક્ત ત્યારે જ પોતાનો મત આપે છે. તેથી જ તેમની સાથે વાત કરતી વખતે તમે એક મસ્તીખોર બાળકની જેમ બેધડક ખડખડાટ હસી પણ શકો છો અને નાદાન શિશુની જેમ ચોધાર આંસુએ રડી પણ શકો છો.
મજાની વાત તો એ છે કે આવા લોકોમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને હકારાત્મક ટ્વીસ્ટ આપવાની કળા હોય છે. પારાવાર વેદનામાં પણ તેઓ હળવાશ શોધી શકે છે. પરિણામે આપણને સાંત્વના આપવાની સાથે તેઓ સલાહ પણ આપી શકે છે અને પ્રેરણા પણ. પરિણામે આપણા જીવનમાં ક્યાંક તેઓ પ્રોફેશનલ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા અદા કરતા હોય છે, જેઓ દિશાદોરી તો આપે છે, પરંતુ એ પણ પાછી એવી રીતે કે આપણને એવું લાગે જાણે આપણે જ એ શોધી કાઢી છે. તેઓ જેટલા સમય, શક્તિ અને પ્રયાસોનું આપણામાં રોકાણ કરે છે એનાથી જ આપણે તેમને કેટલા ગમીએ છીએ તેનો અંદાજ આવી જાય છે.
છે તમારી પાસે આવી કોઈ વ્યક્તિ? અત્યંત તણાવભર્યા શેડ્યુલની વચ્ચે જેમની પાસે તમને વારંવાર દોડી જવાનું મન થાય? જેમની સાથે વાત કરવા માત્રથી તમારામાં ઊર્જાનો સંચાર થઈ જાય? જેમની પાસે બેઘડી બેસવા દિલ તલપાપડ થઈ જાય કે જેમને અઠવાડિયે એક વાર ફોન કરો, મહિને એક વાર કરો કે વર્ષે એક વાર કરો, પળભરનો પણ વિચાર કરવો ન પડે?
બલકે તેનાથી વધારે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તમે કોઈના માટે આવી વ્યક્તિ બની શક્યા છો?કેટલાક લોકોમાં કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને હકારાત્મક ટ્વીસ્ટ આપવાની કળા હોય છે. પારાવાર વેદનામાં પણ તેઓ હળવાશ શોધી શકે છે. પરિણામે આપણને સાંત્વના આપવાની સાથે તેઓ સલાહ પણ આપી શકે છે અને પ્રેરણા પણ. પરિણામે આપણા જીવનમાં ક્યાંક તેઓ પ્રોફેશનલ મનોવૈજ્ઞાનિકની ભૂમિકા અદા કરતા હોય છે, જેઓ દિશાદોરી તો આપે છે, પરંતુ એ પણ પાછી એવી રીતે કે આપણને એવું લાગે જાણે આપણે જ એ શોધી કાઢી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના 
અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK