Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે

દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે

11 September, 2020 02:29 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે

પ્રતીકાત્મકત તસવીર

પ્રતીકાત્મકત તસવીર


ત્રણ મહિને એક વાર નાનકડું વીક-એન્ડનું વેકેશન અને વર્ષમાં એક ફૉરેનની ટૂર. શું આટલું કરીએ એટલે વાઇફ પ્રત્યેની પ્રેમની જવાબદારી પૂરી? જન્મદિવસે અચૂક, ભૂલ્યા વિના અને ખિસ્સાં ખાલી હોય તો કોઈ પાસેથી ઉછીના લઈને ગોલ્ડ ઑર્નામેન્ટ્સ અને ઍવિનર્સરીમાં પણ આ જ પ્રથા નિભાવવી એનું નામ પ્રેમ? પ્રેમ એટલે શું? શૉપિંગ વખતે કોઈ જાતનો હિસાબ પૂછયા વિના ક્રેડિટ, રાધર ડેબિટ કાર્ડ હાથમાં આપીને ખરીદવું હોય એ ખરીદવાની છૂટ આપવી એટલે પ્રેમ? કે પછી પ્રેમ એટલે જ્યારે માગે ત્યારે, જે માગે એ હાથમાં મળે એ સ્વાતંત્ર્ય? વાઇફ કે પછી ગર્લફ્રેન્ડ કે પછી હસબન્ડ કે પછી બૉયફ્રેન્ડ સાથેના સંબંધોમાં આ આઝાદી જ પ્રેમની પરિભાષા માનવી જોઈએ કે પછી કવિ મુકુલ ચોકસીએ લખેલા ગીત પ્રેમ એટલે કે... માં વ્યક્ત થયેલી લાગણીઓ એટલે પ્રેમ? કહ્યું એ કોઈ શિષ્ટાચારો પ્રેમ નથી જ નથી. પ્રેમની એ અભિવ્યક્તિ હોઈ શકે પણ પ્રેમની વ્યાખ્યા નહીં. યાદ રાખજો, પ્રેમની વ્યાખ્યા ક્યારેય કોઈ એક ઘટના કે વ્યવહાર સાથે જોડાઈને ઘડી ન શકાય. પ્રેમની એ વ્યાખ્યાનું પેલા અણુ અને પરમાણુ જેવું છે. અઢળક પરમાણુ જોડાઈને એક અણુ બને એમ અસંખ્ય અને અઢળક ઘટનાઓને સાંકળીને તૈયાર થતું એક વહેણ એનું નામ પ્રેમ.
જરૂરી નથી કે પ્રેમ એટલે ત્રણ મહિને આપવામાં આવતું વીક-એન્ડ વેકેશન. ના, જરા પણ નહીં. રાતે ઘરે મોડા આવતાં પહેલાં ફોન કરીને વાઇફને મોડા આવવાનું કારણ સમયસર આપવામાં આવે એ પણ પ્રેમ જ છે અને મોડા આવ્યા પછી જો વાઇફ સૂઈ ગઈ હોય તો અવાજ કર્યા વિના ચૂપચાપ ઘરમાં દાખલ થવું એ પણ પ્રેમ છે. જાગ્યા પછી મરવાનો પણ વાઇફ પાસે સમય ન હોય એવા સમયે બેડ સરખો કરી લેવો એ પણ પ્રેમ છે અને શરમ વિના, સંકોચ વિના કે કોઈ જાતના ખચકાટ વિના સાવરણી હાથમાં લઈને પૌરુષત્વની ટિપિકલ વ્યાખ્યાઓને ગજવામાં મૂકીને ઘરમાં સફાઈ શરૂ કરી દેવામાં આવે તો એ પણ પ્રેમ છે. ઑફિસ લઈ જવામાં આવેલું ટિફિન મોડી રાતે ઘરે આવે અને નવશેકા તાવથી પીડાતી વાઇફને હેરાનગતિ ન થાય એ માટે જાતે ટિફિન ધોઈ નાખવું પણ પ્રેમનો જ પુરાવો છે અને વીકમાં એકાદ વાર વાઇફની ડિમાન્ડ વિના તેની ફેવરિટ આઇટમ લઈ જઈ તેના ચહેરા પર સ્મિત આંકવું એ પણ પ્રેમ છે.
પ્રેમ, પ્રેમ માટે ક્યાંય ડાયમન્ડ રિન્ગની આવશ્યકતા નથી. પ્રેમ બરફના એક ગોળાથી પણ જીતી શકાય અને શરદીના કારણે બંધ થઈ ગયેલા નાકમાં નેઝલ ડ્રૉપ્સ નાખી આપવામાં પણ પ્રેમની અભિવ્યક્તિ થઈ જાય. દાઢી કરતાં જો લોહી નીકળે અને ત્યાં જો વાઇફનો પાલવ યાદ આવે તો એ પ્રેમ છે અને ઘરમાં રસોઈ કરતી વાઇફને ગરમ તેલનો એક છાંટો ઊડે અને રાતે એ છાંટો જોઈને મોઢામાંથી અરેરાટી નીકળી જાય તો એ અરેરાટી પણ પ્રેમ છે. અંધારિયા મલ્ટિપ્લેક્સની સીટ પર બેસીને સાથે ફિલ્મ જોવી એ પ્રેમ હોઈ શકે છે પણ ફિલ્મ જોતી વખતે ઍરકન્ડિશનના કારણે લાગતી ઠંડીને રોકવા માટે જૅકેટ ઉતારીને આપવું અને એ પછી દોડીને હૉલનું તાપમાન વધારવા માટે ઍરકન્ડિશન બંધ કરાવવાની દરકાર કરવી એ પણ પ્રેમ છે. આગળ કહ્યું એમ, પ્રેમ અણુ ન હોઈ શકે પણ એ અઢળક પરમાણુમાંથી જન્મતો એક અંશ હોઈ શકે.
આખો દિવસ મમ્મી-પપ્પા માટે ભાગદોડ કરતી વાઇફને એક દિવસ સુખદ સરપ્રાઇઝ આપીને તેના ઘરે જઈને બેસી, તેનાં મમ્મી-પપ્પાને હસાવો એ પણ પ્રેમ છે અને એ પણ પ્રેમ છે કે આ વાત પણ તેને બહારથી ખબર પડે અને એ મનોમન તમારા પર ઓવારી જાય. જરૂર પડે ત્યારે ઊભા રહેવાની માનસિકતા તે કેળવીને આવી છે અને એટલે જ આજે તમારી મમ્મી દાંતના ચોકઠાની કોઈ ફરિયાદ તમને નથી કરતી. જરૂર છે એવી જ માનસિકતા તમે કેળવો અને જ્યારે તેની ફૅમિલીને જરૂર હોય ત્યારે તમારા સમયનું મૂલ્ય ભૂલીને કામની અગત્ય સમજી ત્યાં જઈને ઊભા રહો એ પણ પ્રેમ છે. આ પ્રેમ પેલી ફૉરેનની ટ્રિપનું વેકેશન ઝાંખું પાડી દેનારો છે અને આ પ્રેમમાં એ ફૉરેનની ટ્રિપના વેકેશનમાં મળનારા આનંદ કરતાં વધારે સ્થૂળતા છે. પ્રેમ આપો તો મળે. આ હકીકત છે, ખાસ કરીને એવા દરેક સંબંધમાં જે સંબંધોને હવે નામ મળ્યું છે. નામ સાથે બંધાયેલા સંબંધોમાંથી મોટા ભાગના સંબંધોમાં પ્રેમની ઉષ્મા ઓસરી જાય છે અને આ એક સામાન્ય ફરિયાદ છે. આ ફરિયાદને દૂર કરવા માટે કોઈ જાતના રૉકેટ સાયન્સનો ઉપયોગ કરવાનો નથી અને એની જરૂર પણ નથી. માત્ર મામૂલી કહેવાય એવી સજાગતા અને એ સજાગતા વચ્ચે નાની, ક્ષુલ્લક એવી વાતોમાં કાળજી માત્ર રાખવાની છે. આ કાળજી સંબંધોમાં નવેસરથી ઉષ્મા ભરવાનું કામ કરી શકે છે અને સંબંધોને નવેસરથી ખુશ્બૂ આપવાનું કામ પણ કરી શકે છે. સુકાઈ ગયેલા અને આછી સરખી ગંધ મારવા લાગેલા સંબંધો સાથે આખી જિંદગી જીવવા કરતાં તો બહેતર છે કે કાળજી સાથે સંબંધોને નવેસરથી પ્રેમની દુનિયા દેખાડવામાં આવે અને આ દુનિયા ઍટ્લાન્ટિકામાં કે સૅન ફ્રાન્સિસકોમાં નથી, આ દુનિયા તમારા ઘરની ચાર દીવાલ વચ્ચે જ છે. ફેંકી દીધેલા નૅપ્કિનને જાતે ઊંચકવાનું છે અને શાવર પછી ભીના થઈ ગયેલા ટૉવેલને દોરી પર નાખવાનું કામ તમારા હાથે કરવાનું છે. દાઢી કરતાં લોહી નીકળે તો બબડાટ કરવાને બદલે બાજુમાંથી પસાર થતી વાઇફના પાલવથી એ લોહીનો ટશીયો ભૂંસવાનો છે અને રોટલી બનાવતી વખતે વાઇફના ગાલ પર લાગેલો લોટ હથેળીથી સાફ કરવાનો છે. વાઇફના કોરા રહેતા નખ પર નેઇલ-પેઇન્ટની ગેરહાજરી હવે નોંધવાની છે, એ નોંધમાં ક્યાંક ગેરહાજર રહેતા પ્રેમની હાજરી પુરાવાની શરૂ થશે.
ગૅરન્ટી.
(caketalk@gmail.com)
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 02:29 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK