મુંબઈની રફતાર ફરી શરૂ થાય ત્યારે...ખુદના અને સમાજના યોદ્ધા બનવા સજ્જ થઈ જાઓ

Published: May 23, 2020, 15:57 IST | Varsha Chitaliya | Mumbai

આવનારા સમયમાં અનેક પડકારો સામે ઝઝૂમવાની સાથે પોતાની ફિઝિકલ, મેન્ટલ અને ફાઇનૅન્શિયલ હેલ્થ માટે શું કરવાનું છે એ સમજી લો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડાવવા મહારાષ્ટ્ર સરકારે તબક્કાવાર લૉકડાઉન ખોલવાના સંકેત આપી દીધા છે, પરંતુ કોરોના ખતમ થવાનો નથી. હવે દરેક નાગરિકે આ સંકટની વચ્ચે રહીને જીવતાં શીખવું પડશે. આવનારા સમયમાં અનેક પડકારો સામે ઝઝૂમવાની સાથે પોતાની ફિઝિકલ, મેન્ટલ અને ફાઇનૅન્શિયલ હેલ્થ માટે શું કરવાનું છે એ સમજી લો

વિશ્વ આરોગ્ય સંસ્થાએ માર્ચ મહિનામાં કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યા બાદ એના ફેલાવાને નિયંત્રણમાં રાખવા ભારત સરકારે દેશવ્યાપી લૉકડાઉનનો નિર્ણય લીધો હતો. હાલમાં દેશની મોટા ભાગની વસ્તી ઘરમાં કેદ છે તેમ છતાં કોરોના સંક્રમણના કેસો વધતા જાય છે. આ ગ્રાફ કેટલો ઊંચે જશે એ કહેવું અઘરું છે. એવામાં અર્થવ્યસ્થાની ગાડી પાટે ચડે એ જરૂરી બને છે. કોરોના સંકટ વચ્ચે અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્ર સરકારે પણ લૉકડાઉન ખોલવાના સંકેત આપી દીધા છે ત્યારે આપણે સૌએ આ રોગ સાથે જીવતાં શીખવું પડશે.

લૉકડાઉન ખૂલ્યા પછી શું કોરોનાનો ભય ઓછો થઈ જશે? આપણી સોસાયટી, ઑફિસ, સંતાનોની સ્કૂલ-કૉલેજો, પરિવહન સેવા, સાર્વજનિક સ્થળો સલામત હશે? કામધંધા ચાલશે? આ પ્રશ્નો નિરુત્તર છે, કારણ કે કોરોના ખતમ થવાનો નથી. જનજીવન વ્યવસ્થિત થતાં વાર લાગવાની છે. સાવચેતીના પગલારૂપે સરકાર દ્વારા સમગ્ર સિસ્ટમને અલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવશે. આગળની રણનીતિ અંગે સમીક્ષા કરી સ્વાસ્થ્ય વ્યવસ્થાને મજબૂત બનાવવાના પ્રયાસો થશે. રોજગાર ઊભો કરવાની દિશામાં પગલાં લેવાશે. સરકાર એનું કામ કરશે, પરંતુ વ્યક્તિગત ધોરણે તકેદારી રાખવા દરેક નાગરિકે જાગૃત બનવાનું છે. ઘરની બહાર પગ મૂક્યા બાદ ડે ટુ ડે લાઇફમાં કેવી કાળજી લેવાની છે તેમ જ ધંધાકીય પડકારોને હૅન્ડલ કરવાની એક્સપર્ટ્સ દ્વારા આપવામાં આવેલી બેઝિક ગાઇડલાઇન્સને નોંધી લેજો.

હવે પછીના છ મહિના સુધી દરેક વ્યક્તિએ સતત માસ્ક પહેરીને ફરવાની આદત કેળવવી પડશે. ટ્રાવેલિંગ, માર્કેટ, વર્કપ્લેસ એમ દરેક જગ્યાએ સાવચેતી રાખવાની છે. કોરોના વાઇરસ સ્પર્શથી ફેલાય છે તેથી સામાજિક દૂરી જાળવવી ફરજિયાત રહેશે. જરા સરખી બેદરકારી તમને કોરોનાનો શિકાર બનાવી શકે છે. ફિઝિકલ હેલ્થ માટે વૉકહાર્ડ હૉસ્પિટલના ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. બેહરામ પારડીવાલાએ આપેલાં નીચેનાં સૂચનોને દરેકે ફૉલો કરવાનાં છે.

  • જાહેર સ્થળો

- ઘરની ચીજવસ્તુ લેવા બહાર જતાં પહેલાં લિસ્ટ બનાવી લો જેથી વધુ સમય ઊભા રહેવું ન પડે.

- દુકાનમાં કે બજારમાં બિનજરૂરી વસ્તુને સ્પર્શ ન કરવો.

- ખરીદી કરતી વેળાએ તમારા ફેસને હાથ ન લગાડો.

- દરેક દુકાનદારે સૅનિટાઇઝરની વ્યવસ્થા રાખવી. ગ્રાહક સાથે લેવડદેવડ કર્યા બાદ સૅનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરી લેવા.

- આપણે ત્યાં ગમે ત્યાં કચરો ફેંકવો અને થૂંકવું એ નવી વાત નથી. જાહેરમાં ગંદકી ફેલાવવાની કુટેવને છોડવી જ પડશે.

- ઘરે આવ્યા બાદ શાકભાજી, ફળો જેવી વસ્તુને ધોયા વગર ફ્રિજમાં કે ટેબલ પર ન મૂકવાં. બને ત્યાં સુધી એનો ઉપયોગ ત્રણેક કલાક પછી કરવો.

- ઑનલાઇન શૉપિંગ કરો છો ત્યારે પાર્સલને બે કલાક હાથ ન લગાવો.

  • વર્કપ્લેસ સાવચેતી

- ઑફિસમાં ક્યુબિક જગ્યા હોય તો બેસ્ટ છે અન્યથા બે ખરુશી વચ્ચે ત્રણ ફીટનું ડિસ્ટન્સ રાખો.

- મુલાકાતીઓને સામેની ખુરશી પર બેસવાનું કહો. તેમની સાથે હાથ ન મિલાવો.

- ડેસ્કટૉપ અને ટેબલ જાતે સ્વચ્છ કરવાં. લૅન્ડલાઇન ફોન વાપરવાનું ટાળો.

- ડાઇનિંગ હૉલમાં જમવાની જગ્યાએ પોતાના ડેસ્ક પર જમવું. ઑફિસના ફૉર્ક, ચમચી અને પ્લેટ ધોઈને વાપરવાં.

- વર્કપ્લેસ પર અનેક લોકો એક જ વૉશરૂમ યુઝ કરતા‍ હોવાથી ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ વધી જાય છે. સામાન્ય રીતે આપણે ટૉઇલેટ યુઝ કર્યા પછી ફ્લશ કરતા હોઈએ છીએ. હવે એમાં નવી હૅબિટનો ઉમેરો કરવો પડશે. વૉશરૂમ વાપરતાં પહેલાં અને પછી બન્ને વાર ફ્લશ કરો.

- ટૉઇલેટની સીટ પર બૅક્ટેરિયા ઉત્પન્ન થાય છે. મહિલાઓએ એના સંપર્કથી બચવા સીટને પેપરથી લૂછી લેવી. ફ્લશ બટન, દરવાજાનાં હૅન્ડલ, નળ અને લાઇટની સ્વિને પેપર વડે સાફ કરી હાથ લગાવવો.

  • ટ્રાવેલિંગ દરમિયાન

- કૅબમાં ડ્રાઇવરની બાજુમાં બેસવાનું નથી. ડ્રાઇવરની એકદમ પાછળની સીટમાં નહીં પણ વિરોધી દિશામાં એટલે કે ડાબી બાજુએ બેસવાનું છે.

- બસમાં ટ્રાવેલ કરવાનું હોય તો ચડતી-ઊતરતી વખતે હૅન્ડલને હાથ લગાવવાનું ટાળો. સીટની સામેના હૅન્ડલને બિલકુલ હાથ ન લગાવો.

- સાર્વજનિક પરિવહનનો ઉપયોગ કર્યા બાદ તાબડતોબ સૅનિટાઇઝરથી હાથ સાફ કરી લો.

- ઘર કે ઑફિસ વૉકેબલ ડિસ્ટન્સમાં હોય તો ચાલીને અથવા પોતાના વેહિકલ પર જવાનું પસંદ કરો.

- લોકલ ટ્રેનો હાલમાં શરૂ થવાની શક્યતા ધૂંધળી છે. અહીં સામાજિક અંતર રાખવું પ્રૅક્ટિકલી પૉસિબલ નથી તેથી કદાચિત શરૂ થાય તો પણ ત્રણેક મહિના ટ્રાવેલ ન કરવાની સલાહ છે.

  • બહારનું ફૂડ ખવાય?

- કોઈ પણ પ્રકારના રાંધેલા ફૂડથી કોરોના ફેલાતો નથી. પ્રોસેસ દરમિયાન જીવાણુ ખતમ થઈ જાય છે. આ બાબત ભય રાખવાની જરૂર નથી.

- બહારથી ખાવાનું મંગાવવામાં પણ ડરવાની જરૂર નથી. પાર્સલ લેતી વખતે ગ્લવ્ઝ પહેરો. બૉક્સને તરત ફેંકી દો. ફૂડ ગરમ હોય તો પણ પોતાની સંતુષ્ટિ માટે એને બે-ત્રણ મિનિટ માઇક્રોવેવમાં ગરમ કરી વાપરો.

- સ્ટ્રીટ ફૂડ માટે ઊભા રહો ત્યારે હાઇજીનનું તેમ જ સોશ્યલ ડિસ્ટન્સનું ધ્યાન રાખો. રોડ પર ઊભા રહીને ખાવા કરતાં એક વ્યક્તિ જઈને લઈ આવે એ બેસ્ટ રહેશે.

- ઘણાનું માનવું છે કે સ્ટ્રીટ ફૂડ ન ખવાય, સારી હોટેલનું ખાવામાં વાંધો નહીં. આ માન્યતા ખોટી છે. કોઈ પણ જગ્યાએ કુકને શરદી-ખાંસી હોઈ શકે છે. જોકે કદાચિત રાંધતી વખતે અચાનક તેને ખાંસી આવી હોય તો પણ ઉપર જણાવ્યું એમ રાંધવાની પ્રોસેસ દરમિયાન જીવાણુ ખતમ થઈ જવાના છે. ફૂડથી કોરોના તમારા સુધી પહોંચવાનો નથી. માત્ર પાર્સલ લેતી વખતે સામેવાળાને છીંક કે ખાંસી આવે તો ભય છે. એટલે જ ડિસ્ટન્સ જાળવીને લેવું.

  • ઇન્ટરનલ હેલ્થ

- સેલ્ફ હેલ્થકૅર માટે ઉપર જણાવેલાં સૂચનોને તમારી હૅબિટ બનાવવી અત્યંત આવશ્યક છે. આ સિવાય ઇન્ટરનલ હેલ્થની પણ કાળજી લેવી પડશે. કોરોના તમારી આસપાસ છે એ નક્કી છે પરંતુ એનાથી ડરવાનું નથી, લડવાનું છે. બાળકો અને વડીલોનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. કોવિડ-૧૯ આયુષ ડૉક્ટર તરીકે માન્યતાપ્રાપ્ત હોમિયોપૅથ ડૉ. રાખી વકીલનાં સૂચનોને પણ તમારી ડાયરીમાં નોંધી લો.

- સૌથી પહેલાં તો ઇમ્યુનિટી વધારવા પર ફોકસ રાખવાનું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા ન્યુટ્રિશનથી ભરપૂર આહાર લેવો જોઈએ. હળદરવાળું દૂધ અથવા ગરમ પાણી પીવું જોઈએ.

- લૉકડાઉન ખૂલ્યા બાદ સિનિયર સિટિઝન, હાર્ટ પેશન્ટ, ડાયાબિટીઝના દરદીઓ તેમ જ અન્ય ગંભીર રોગોના દરદીઓએ ખૂબ કાળજી લેવી પડશે. તેમને બહાર જવા ન દો.

- સ્કૂલ સિવાય બાળકોને બહાર ન મોકલો. સોસાયટીના ગાર્ડન કે કમ્પાઉન્ડમાં રમવા ન જવા દો.

- દિવસમાં બે-ત્રણ વાર મીઠાના પાણીના કોગળા કરવાના છે. જીવાણુ થોડો સમય માટે ગળાના આગળના ભાગમાંમાં રહે છે. કોગળા કરવાથી જીવાણુ ખતમ થઈ જશે.

- કોરોનાના ડરથી લોકો આયુર્વેદ અને હોમિયોપથીની સારવાર જાતે કરવા લાગ્યા છે. હોમિયોપથીમાં ઇમ્યુનિટી બૂસ્ટર મેડિસિન છે પણ એને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર બિલકુલ ન લેવી જોઈએ.

- હોમિયોપૅથ સાથે અન્ય મેડિસિન લેવાથી લાભ થતો નથી એવી માન્યતા અંગે ગેરસમજણ પ્રવર્તે છે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, થાઇરૉઇડના દરદીઓ કે જેમને લાઇફટાઇમ ઍલોપૅથી દવાઓ લેવાની છે તેઓ ડૉક્ટરની સલાહ બાદ હોમિયોપૅથિક ગોળીઓ લઈ શકે છે.

- ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થનું પણ ધ્યાન રાખવાનું છે. મજબૂત મનોબળથી જ તમે બહારની દુનિયામાં ફાઇટ કરી શકશો. આ માટે એક્સરસાઇઝ અને મેડિટેશનને તમારી લાઇફસ્ટાઇલ બનાવો.

  • મેઇડને બોલાવી શકાય?

- મેઇડ, સર્વન્ટ કે રસોઈવાળાં બહેન વગર મુંબઈમાં લાંબો સમય સુધી કોઈને ચાલવાનું નથી. આપણી સહુલિયત અને તેમની આર્થિક જરૂરિયાતને

- ધ્યાનમાં રાખી ચોક્કસ બોલાવો. એક્સ્ટ્રામાં તમારે ટેમ્પરેચર માપવાનું સાધન રાખવાનું છે.

- કામવાળી કે અન્ય સર્વન્ટને માસ્ક પહેરવાની ભલામણ કરો.

- ઘરમાં આવે ત્યારે તેનું ટેમ્પરેચર માપી લો. જો તાવ જણાય તો રજા આપો. શક્ય હોય તો ડૉક્ટર પાસે મોકલો.

- સર્વન્ટ સ્લમ એરિયામાંથી આવતા હોય તો કન્ટેનમેન્ટ ઝોનની તપાસ કરી લો. તેમની આજુબાજુમાં રહેતા લોકોને કોરોના હોય તો હમણાં ન બોલાવો.

- કામવાળી બાઈ ઘણાના ઘરે જતી હોય છે. એમાંથી કોઈ કોરોના પૉઝિટિવ નથી એની તપાસ કરો.

  • જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે શું કરવું?

લૉકડાઉન હટાવી લીધા બાદ સૌથી વધુ ચિંતા પેરન્ટ્સને થવાની છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેવી તૈયારી કરવામાં આવી છે તેમ જ સંતાનોને સ્કૂલબસમાં મોકલવાં કે જાતે મૂકવા-લેવા જવું એ અંગે વાલીઓમાં મૂંઝવણ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ સંદર્ભે અસોસિએશન ફૉર પ્રાઇમરી એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. માર્ગદર્શિકાના પાલનની ખાતરી માટે કમિટીએ દરેક સ્કૂલમાં એક સેફ્ટી-કો-ઑર્ડિનેટરની નિમણૂક કરવાની ભલામણ કરી છે. સ્કૂલ પરિસરને સમયાંતરે સૅનિટાઇઝ કરવાના રહેશે. જોકે સ્કૂલમાં કોઈ ઇવેન્ટ્સ થશે નહીં. પેરન્ટ્સ મીટિંગ્સ પણ વર્ચ્યુઅલી લેવાની સૂચના આપવામાં આવી છે. મૅનેજમેન્ટ એનું કામ કરશે, પરંતુ વાલીઓએ પોતાનાં સંતાનોના સ્વાસ્થ્ય માટે ડૉ. બેહરામ પારડીવાલા અને ડૉ. રાખી વકીલે આપેલાં સૂચનો ધ્યાનમાં રાખવાં જોઈએ.

- સ્કૂલને નિયમિતપણે સૅનિટાઇઝ કરવામાં આવે છે કે નહીં એની ચકાસણી કરતાં રહેવી.

- તમારું સંતાન બીમાર હોય તો સ્કૂલમાં મોકલશો નહીં. બે-ચાર દિવસ ન જવાથી ભણવાનું બગડી જવાનું નથી.

- જો તમારી પાસે પોતાનું વેહિકલ હોય તો આ વર્ષે સ્કૂલબસમાં મોકલવાનું માંડી વાળો.

- બાળકો એકબીજા સાથે રમ્યા વગર રહેવાનાં નથી. તેમને વારંવાર હૅન્ડ વૉશ કરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું શીખવાડો.

- પેન્સિલ, ઇરેઝર, બુક્સ તેમ જ અન્ય સ્ટેશનરી કે ટૅબ બીજાનાં વાપરવાં નહીં.

- બીજાનાં ટિફિન શૅર કરવાની ના પાડી દો.

- સંતાનની સ્કૂલ બૅગમાં સૅનિટાઇઝર અને પેપર સોપ રાખો અને તેને દર રિસેસમાં હાથ ધોવાનું સમજાવો.

- સ્કૂલમાં મોકલતી વખતે આંગળી વડે નાકમાં કોપરેલ તેલ લગાવીને મોકલો. જીવાણુ.

- નાકના વાળમાં ચોંટી જશે. ઘરે આવે પછી તેનું નાક સાફ કરો.

  • આર્થિક કટોકટી છે જ એનો સ્વીકાર કરો

લૉકડાઉનના લીધે અનેક લોકોના ધંધા-વ્યવસાય પડી ભાંગ્યા છે. હજારો લોકોની નોકરી ગઈ છે અથવા વેતનમાં ઘટાડો થયો છે. આર્થિક કટોકટીનો સામનો કરવાની પણ માનસિક તૈયારી રાખવી પડશે. જોકે સરકારે દરેક વર્ગને ધ્યાનમાં રાખી કેટલીક જાહેરાતો કરી છે. આર્થિક પૅકેજ અને ઈઝી લોનના કારણે ધંધાની લાઇન બદલનારા લોકોની સંખ્યા વધશે. આ સંદર્ભે વાત કરતાં કાંદિવલીના ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર રાકેશ પુજારા કહે છે, ‘લૉકડાઉનના લીધે કેટલાક બિઝનેસને પર્મનન્ટ લૉસ થયું છે. સરળ ભાષામાં સમજવા એકાદ ઉદાહરણ લઈએ. સમજો તમે પંદર દિવસે એક વાર હોટેલમાં જમવા જાઓ છો. લૉકડાઉનમાં ચાર વાર બહાર જમવા ગયા નથી. હવે જશો તો કંઈ પાંચ ટંકનું એક સાથે ખાવાના નથી. એવી જ રીતે અત્યારે સલૂન બંધ છે. ખૂલશે પછી સો રૂપિયામાં જ હેરકટ કરાવશો. હોટેલવાળા કે નાઈના નુકસાનની ભરપાઈ થવાની નથી. એવા ઘણા બિઝનેસ છે. દેશના જીડીપીના વીસ ટકા ખોટની ભરપાઈ ક્યારેય થવાની નથી. ભારતની સરેરાશ પ્રજા પોતાની કમાણીના વીસ ટકા બચત કરે છે. લૉકડાઉનમાં આવક બંધ થતાં આ રકમ ખર્ચાઈ ગઈ છે. સરકારી સહાય એ લોનના રૂપમાં છે જે ચૂકવવાની છે. હજી છ મહિનાનો ખર્ચ જાતે કાઢવો પડશે. અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા દરેક વ્યક્તિએ સોશ્યલ, ફાઇનૅન્સિયલ અને હ્યુમૅનિટી આ ત્રણેય ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે. તમારી અને તમારી સાથે જોડાયેલા લોકોની ફાઇનૅન્શિયલ હેલ્થ માટે નીચેના પૉઇન્ટ લખી રાખો.’

- બિઝનેસ સ્વિચ કરવાનું વિચારતા હો તો પહેલાં પેપર પર પ્રોજેક્ટ પ્લાન બનાવી લો.

- નવા બિઝનેસમાં તક કેટલી છે અને પ્રૉફિટ કઈ રીતે જનરેટ થશે એ વિશે વિચારો. યાદ રાખો, વર્તમાન માહોલમાં પહેલા બે ક્વૉટર્ર સુધી પ્રૉફિટ જનરેટ થવાની શક્યતા ઓછી છે. બિઝનેસ મૉડલ વિશેની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ આગળ વધો.

- રિસ્ક ફૅક્ટરને નજરઅંદાજ ન કરો.

- બૅન્ક લોનની ચુકવણી કેટલા સમયમાં કરી શકશો તેમ જ નફો ન થાય ત્યાં સુધી વ્યાજ માટેની શું વ્યવસ્થા છે એ બાબત સ્પષ્ટતા હોય તો જ લોન લેશો. બિઝનેસ સેટલ ન થાય ત્યાં સુધી તમારે ઘર તો ચલાવવાનું જ છે.

- ધારો કે બિઝનેસ સ્વિચ નથી કરવો પણ મેનપાવર ઘટાડવો છે. અહીં તમારે સોશ્યલ ઍન્ડ હ્યુમૅનિટી ગ્રાઉન્ડ પર કામ કરવાનું છે. માણસો ઘટાડવા કરતાં તેમનું વેતન ઓછું કરી સાચવી લો. તેમને પણ ઘરના ખર્ચા કાઢવાના છે.

- નોકરિયાત છો અને સૅલરી કટ થઈ છે તો કકળાટ ન કરો. કંપનીની આવકમાં પણ ઘટાડો થયો છે એ સ્વીકારો.

- પૈસેટકે સધ્ધર હો તો થોડી નુકસાની ભોગવી લો. તમારા પાંચ કરોડમાંથી પચાસ લાખ ઓછા થવાથી ૧૦ કર્મચારીનું ઘર ચાલશે તો એ ખોટનો બિઝનેસ નથી.

- લૉકડાઉન ખૂલ્યા બાદ સરકારી માર્ગદર્શિકામાં જણાવેલાં સૂચનોની સાથે ઉપરોક્ત તમામ સૂચનોનું પાલન કરવું એ નાગરિક ધર્મ છે.

કોરોનાથી ડરવાના બદલે સતર્કતા દાખવવાની છે. આપણી બેદરકારીથી કોઈ વ્યક્તિ કોરોનાની લપેટમાં ન આવે. આશા રાખીએ કે આ મહામારીથી દેશ અને વિશ્વને ઓછામાં ઓછું નુકસાન થાય.

બધું ખૂલી ગયા પછી પણ કોરોના ખતમ થવાનો નથી. આપણે આ સંકટની સાથે જીવવાનું છે. શૉપિંગ, ટ્રાવેલિંગ, વર્કપ્લેસ પર ખાસ સાવચેતી રાખવાની છે. આવતા છ મહિના સુધી માસ્ક, સૅનિટાઇઝર અને સામાજિક દૂરી અત્યંત જરૂરી છે. તમારા અને પરિવારના સ્વાસ્થ્યની કાળજી માટે તમામ સૂચનોનું ચુસ્ત પાલન કરવું જ પડશે: ડૉ. બેહરામ પારડીવાલા, ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ

કોરોનાથી લડવા ઇમ્યુનિટી વધારવા પર ફોકસ રાખવાનું છે. હળદરવાળું દૂધ, ગરમ પાણી અને ન્યુટ્રિશનથી ભરપૂર આહારનો તમારા ડાયટમાં સમાવેશ કરો. મીઠાના પાણીના કોગળા કરતા રહો. સિનિયર સિટિઝન, નાનાં બા‍ળકો તેમ જ દરદીઓનું ખાસ ધ્યાન રાખો. કોઈ પણ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન લેવાની સલાહ છે: ડૉ. રાખી વકીલ, હોમિયોપૅથ

અર્થવ્યવસ્થાની ગાડી પાટે ચડાવવી હશે તો દેશની દરેક વ્યક્તિએ સોશ્યલ, હ્યુમૅનિટી અને ફાઇનૅન્શિયલ ગ્રાઉન્ડ પર કામ કરવું પડશે. આર્થિક પૅકેજ સહાય નથી, લોનના સ્વરૂપમાં છે તેથી નવા વ્યવસાયમાં ઝંપલાવતાં પહેલાં રિસ્ક ફૅક્ટર, બિઝનેસ મૉડલ અને લોનની ચુકવણી અંગે વિચાર કરી આગળ વધવામાં સમજદારી છે: રાકેશ પુજારા, ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK