Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દૃષ્ટિફેર એટલે વ્યક્તિફેર નહીં

દૃષ્ટિફેર એટલે વ્યક્તિફેર નહીં

10 February, 2021 12:47 PM IST | Mumbai
Sejal Ponda

દૃષ્ટિફેર એટલે વ્યક્તિફેર નહીં

દૃષ્ટિફેર એટલે વ્યક્તિફેર નહીં

દૃષ્ટિફેર એટલે વ્યક્તિફેર નહીં


મતભેદ જેનો અર્થ છે આપણી ધારણા અને વિચારો કરતાં જુદો મત ધરાવવો. કોઈ પ્રોડક્ટ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ વિચારને લઈને દરેક વ્યક્તિના એકસરખા મત હોય એ જરૂરી નથી. દરેક વ્યક્તિ પોતાની રીતે વસ્તુ, વ્યક્તિ, ઘટના, પ્રસંગને મૂલવતી હોય છે.
એક જ પરિવારમાં રહેતા હોઈએ એમાં પણ બધાનો ટેસ્ટ એકસરખો હોતો નથી. કોઈને રીંગણનું શાક સખત ભાવતું હોય અને કોઈને જરાય ન ભાવતું હોય. રીંગણને લઈ બે વ્યક્તિના જુદા-જુદા મત હોઈ શકે છે. એવી જ રીતે ઘરના પડદાની પસંદગીમાં પણ કોઈને ઘેરો રંગ પસંદ હોય તો કોઈને આછો રંગ.
કોઈ ફિલ્મને લઈને પણ જુદા-જુદા મત બનતા હોય છે. તમે દસ વ્યક્તિને એક ફિલ્મ જોવા બેસાડો તો તમને દસ જુદા મત મળી શકે છે. એ ફિલ્મ કોઈને ઓછી ગમી હોય, કોઈને વધુ ગમી હોય, કોઈને સોથી વધુ ગમી હોય તો કોઈને જરાય ન ગમી હોય. આવા મતભેદનો અર્થ એ નથી કે આપણે સૌથી વધુ હોશિયાર છીએ. એક ફિલ્મને જોવાની દૃષ્ટિ, એને મૂલવવાની દૃષ્ટિ જુદી છે બસ. અને જેણે ફિલ્મ બનાવી છે એણે પોતાના કન્વિક્શનથી ફિલ્મ બનાવી હશે. એની સાથે આપણો મત મળે એવું ન પણ બને.
એવી જ રીતે કોઈ નાટક કે ધારાવાહિકને લઈને દરેકના ભિન્ન-ભિન્ન મત જોવા મળતા હોય છે. ભિન્ન મતનો અર્થ એવો બિલકુલ નથી કે આપણામાં વધુ બુદ્ધિ છે અને બીજી વ્યક્તિમાં બુદ્ધિ જ નથી. મતભેદને બુદ્ધિ સાથે સરખાવવાની જરૂર નથી. એવું માનવાની જરૂર નથી કે મારો મત જ સાચો છે, મારું મંતવ્ય જ અંતિમ છે.
મતભેદ થતા હોય ત્યારે આપણે આપણાથી ભિન્ન મત ધરાવતી વ્યક્તિને તુચ્છ ગણવાની ભૂલ કરતા હોઈએ છીએ. આપણને એવું લાગે છે કે સામેની વ્યક્તિનો મત આપણા મત જેવો નથી એટલે એ વ્યક્તિ મારા લાયક નથી. મતભેદ વખતે આપણે એવું ધારીએ છીએ કે ભિન્ન મત ધરાવતી વ્યક્તિ અડિયલ છે કાં તો ખરાબ છે. આ વિચાર સૌથી ખતરનાક છે.
આવા વિચારને લીધે આપણી અંદર એ વ્યક્તિ માટે નકારાત્મક વિચાર ઘર કરવા લાગે છે અને પછી તેની દરેક વાતમાં આપણને વાંકું પડે છે. આપણે આપણા મતને સાચો સાબિત કરવા લડવા-ઝઘડવા લાગીએ છીએ અને આપણને એવું લાગે છે કે એ વ્યક્તિ સમજતી જ નથી, પણ વાસ્તવમાં જોવાની દૃષ્ટિ જુદી-જુદી હોય છે. દૃષ્ટિફેરનો અર્થ વ્યક્તિફેર ન હોવો જોઈએ.
આપણે બધા જ જુદા છીએ. જુદો રસ, સ્વાદ, વિચાર, પસંદગી ધરાવીએ છીએ. આપણી સાથે જીવતી કે આપણી સાથે કામ કરતી વ્યક્તિનો વિચાર, સ્વાદ, પસંદગી, ઘટના જોવાની-મૂલવવાની રીત આપણા જેવી હોવી જોઈએ એવો આગ્રહ ન જ રખાય, પણ એની રિસ્પેક્ટ કરાય.
ખાસ તો જ્યારે એક ટીમમાં કામ કરતા હોઈએ ત્યારે મોટા ભાગે બૉસનો મત માન્ય રાખવો પડતો હોય છે. બૉસનો અને આપણો મત જુદો હોય ત્યારે આપણને બૉસ ખડૂસ, અડિયલ અને જિદ્દી લાગતા હોય છે. એવું પણ બની શકે કે બૉસનો મત આપણા મત કરતાં નબળો હોય અને આપણો મત વધારે સ્ટ્રૉન્ગ હોય, પણ એ સમયે ઉપરીનો ઑર્ડર માનવો જ પડતો હોય છે. આવી ઘટના વખતે આપણે આપણી રીતે સમજાવવાનો પ્રયત્ન કરી જોઈ પછી બૉસનો ઑર્ડર માનવા મન મનાવી લેવું જોઈએ. એમાં સમજદારી છે. એ વખતે જો આપણે એવું વિચારીએ કે બૉસ કંઈ સમજતા નથી અને પોતાનું જ ધાર્યું કરાવે છે તો તેમના માટે નકારાત્મકતા ઘર કરી જશે. જુદા મતને વ્યક્તિની પર્સનલ લાઇફ સાથે જોડવાની ભૂલ તો ક્યારેય ન કરવી. આપણે અલગ છીએ એટલે જ સાથે છીએ આ સમજ જો પચાવી શકાય તો મતભેદ મનભેદ સુધી નહીં પહોંચે. એક વાર મનભેદ થઈ ગયો તો દરેક વાતે એકબીજાને પછાડવાની પ્રોસેસ શરૂ થઈ જશે, એકબીજાને નીચા પાડવાના પેંતરા રચાતા જશે અને ઈગો એમાં ઘી હોમવાનું કામ કરશે. ઈગો આપણને સમાધાન કરતાં, સ્વીકાર કરતાં અટકાવે છે અને બીજા માટે નકારાત્મક વિચારવા પ્રેરે છે. મતભેદને કેટલી હદ સુધી સિરિયસ્લી લેવા જોઈએ એ વ્યક્તિ પર નિર્ભર કરે છે. અમુક મતભેદમાં સમાધાન જ સમજદારી હોય છે.
મતભેદ થતા હોય ત્યારે મનની અંદર શાંતિ જાળવવી સૌથી અઘરી હોય છે, કારણ કે આપણે બીજાના મતને સ્વીકારી શકતા નથી એ સમયે મનમાં અકળામણ વધતી જાય છે.
જીવનમાં ઘણી વાર ઓકે શબ્દ મોટા ઝઘડા થતા રોકી શકે છે. જ્યારે કોઈ ઉપાય જ ન હોય ત્યારે મન શાંત કરીને બીજાના મતને ઓકે કરતાં શીખવું જોઈએ. ઓકે શબ્દ આપણી સહમતી દર્શાવે છે. બીજાની સહમતીમાં આપણી અસહમતી હોય તો એ બહુ લાર્જ ન બને એનું ધ્યાન રાખવું જોઈએ.
આપણને નાનપણથી જ વિરુદ્ધાર્થી શબ્દ શીખવવામાં આવે છે. સહમતીનો વિરુદ્ધાર્થી છે અસહમતી. શબ્દો અને વિચારોની વિપરીતતા મન સુધી ન પહોંચે એ માટે સતત જાતને ચકાસતા રહેવું પડે છે. દિવસ દરમ્યાન એવું ઘણું થાય છે જે આપણા મતની વિરુદ્ધ હોય છે. ઇટ્સ ઓકે. આપણો જ મત સ્વીકારાવો જોઈએ એવી જીદ સંબંધો ખરાબ કરે છે.
મતભેદ દ્વારા ઊભી થતી કડવાશ મન સુધી ન પહોંચવી જોઈએ, કારણ કે કડવાશથી રોગ પણ દૂર થાય છે અને કડવાશથી સંબંધો પણ દૂર થાય છે. ચૉઇસ ઇઝ યૉર્સ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

મતભેદ વખતે આપણે એવું ધારીએ છીએ કે ભિન્ન મત ધરાવતી વ્યક્તિ અડિયલ છે કાં તો ખરાબ છે. આ વિચાર સૌથી ખતરનાક છે. મતભેદ થતા હોય ત્યારે મનની અંદર શાંતિ જાળવવી સૌથી અઘરી હોય છે, કારણ કે આપણે બીજાના મતને સ્વીકારી શકતા નથી એ સમયે મનમાં અકળામણ વધતી જાય છે


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 12:47 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK