Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ૨૦૨૦ પાસેથી મળેલા સબક ૨૦૨૧માં યાદ રાખીશું?

૨૦૨૦ પાસેથી મળેલા સબક ૨૦૨૧માં યાદ રાખીશું?

28 December, 2020 03:15 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

૨૦૨૦ પાસેથી મળેલા સબક ૨૦૨૧માં યાદ રાખીશું?

પ્રતીકાત્કમ તસવીર

પ્રતીકાત્કમ તસવીર


૨૦૨૦નું આખું વર્ષ આપણે કોરોનાના ભય અને ભોગ સાથે પસાર કર્યું એ ખરું, પણ આ વર્ષમાં આપણને વેદના સાથે સંવેદના પણ મળી. કેટલીય સારી બાબતો આપણા જીવનનો ભાગ બની ગઈ, પણ આવનારા નવા વર્ષમાં આ સારી બાબતોને આપણે જાળવી શકીશું ખરા? જોકે હજી નવા વાઇરસનો ભય માથે લટકી રહ્યો છે ત્યારે એ નવા વાઇરસની ચિંતા સાથે નવા વર્ષ માટે થોડું ચિંતન પણ કરી લઈએ...

હાશ! કોરોના વાઇરસની વૅક્સિન આખરે શોધાઈ ગઈ. ૨૦૨૦નું વર્ષ આખી દુનિયા માટે ખૂબ કપરું રહ્યું, પરંતુ હવે આ વર્ષ પૂરું થવામાં છે. બધા જ આ વર્ષની પૂર્ણાહુતિ સાથે આ વર્ષમાં આવેલી તકલીફો અને નિરાશાઓ પર પણ પૂર્ણવિરામ મૂકવા માટે આતુર બની ગયા છે. સાથે જ બધાને આશા છે કે આ વૅક્સિનને પગલે ૨૦૨૧નું વર્ષ એક નવી સવાર, એક નવી આશા લઈને આવશે. પરિણામે હાલ તો દુનિયા આખીની નજર આ વૅક્સિન પર મંડાયેલી છે. એમાં કશું ખોટું પણ નથી, પરંતુ સાથે એ પણ જરૂરી છે કે આ નવા વર્ષની શરૂઆત સાથે આપણે બધા ગત વર્ષમાં શીખેલી કેટલીક જરૂરી બાબતોને યાદ રાખીએ અને ફક્ત આવનારા વર્ષમાં જ નહીં, પરંતુ આજીવન એને અમલમાં ઉતારીએ. તો ચાલો આજે વાત કરીએ કેટલીક એવી બાબતોની જે ૨૦૨૦એ આપણને શીખવાડી છે.
૨૦૨૦ની શરૂઆત થતાં જ કુદરતે આપણા બધાના જીવન પર સાવ જ અણધાર્યું આક્રમણ કર્યું એ વાત સાચી, પરંતુ એ સાથે જ કુદરત આપણને ખુદ આપણી નજીક પણ લઈ આવી. હવે આપણને આ વાઇરસની ચાલ લગભગ સમજાવા માંડી છે. સાથે જ એના ષડયંત્રમાંથી કેવી રીતે બચી શકાય એ માટેની તકેદારીનાં પગલાં પણ હવે આપણા રોજિંદા જીવનના ભાગ બની ગયાં છે. આ જ કારણ છે કે હવે લોકો મોઢા પર માસ્ક અને હાથમાં સૅનિટાઇઝરની બાટલીઓ લઈ ઘર બહાર નીકળવા માંડ્યા છે અને પોતપોતાના કામધંધે વળગી ગયા છે, પરંતુ આ મહામારીનો શરૂઆતનો તબક્કો બધા માટે કપરો રહ્યો. મહિનાઓ સુધી સૌકોઈએ ઘરની ચાર દીવાલો વચ્ચે પુરાઈ રહેવું પડ્યું. સોશ્યલ મીડિયાના આ સમયમાં જ્યારે લોકો ઘડીભર પોતાના મોબાઇલ ફોનથી પણ દૂર રહી શકતા નથી એવામાં આપણે સૌએ મહિનાઓ સુધી લોકોથી દૂર રહેવું પડ્યું. માનવજાતનો સમાજ સાથેનો સંપર્ક જ જાણે તૂટી ગયો.
પરંતુ એ સાથે પહેલી વાર આપણે આપણી નજીક આવ્યા. પહેલી વાર આપણને સમજાયું કે રોજેરોજ, દિવસના પ્રત્યેક કલાક, પ્રત્યેક સેકન્ડ એક નહીં તો બીજું કામ કરતાં રહેવું જરૂરી નથી. કેટલીક વાર કશું જ ન કરવામાં પણ મજા છે. કેટલીક વાર પોતાના વિચારોને સાવ હવામાં તરંગોની માફક છોડી માત્ર એને અનુસરવામાં પણ ગમ્મત છે. કેટલીક વાર માત્ર આંખો બંધ કરીને બેસી રહેવામાં પણ આનંદ મળી શકે છે. પહેલી વાર આપણને સમજાયું કે કેટલીક વાર યોગીઓની જેમ સાવ નિષ્કર્મ બની જવામાં કશું ખોટું નથી બલકે એના જેવો માનસિક કે આધ્યાત્મિક ઉન્નતિનો રાજમાર્ગ બીજો કોઈ નથી. તો પછી શું આવનારા વર્ષને આપણે પહેલાંની જેમ જ ભરપૂર કામથી ભરી દઈશું કે પોતાની જાત માટે આવી કેટલીક શાંતિની પળો ચોરી લેવાનું પણ ચાલુ રાખીશું?
૨૦૨૦માં પહેલી વાર આપણને સમજાયું કે જીવનમાં જીવન જેવો અનિશ્ચિત શબ્દ જ બીજો કોઈ નથી. ફિલ્મ આનંદના રાજેશ ખન્નાના શબ્દોમાં કહું તો કબ, કૌન, કૈસે ચલા જાએગા કોઈ બતા નહીં સકતા. પહેલી વાર આપણને સમજાયું કે જીવન ફક્ત પામવાનું નામ નથી, પરંતુ માણવાનું નામ છે. આપણે અહીં છીએ ત્યાં સુધી કેટલું ભેગું કરી શકીએ છીએ એ મહત્ત્વનું નથી, પરંતુ આપણે અહીં છીએ ત્યાં સુધી કેટલું મન ભરીને જીવી શકીએ છીએ એ મહત્ત્વનું છે. તો પછી જો કરવું જ હોય તો જીવનને એવાં કામોથી શા માટે ભરી ન દઈએ જે કરતાં-કરતાં ગમે ત્યારે આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું આવે તો મનમાં કોઈ અફસોસ ન રહે બલકે એક સંપૂર્ણતાની લાગણી સાથે અહીંથી જઈ શકીએ?
આ ખાલીખમ્મ દિવસોએ આપણને સમજાવ્યું કે ખરેખર માણસને જીવવા માટે કેટલી ઓછી વસ્તુઓની જરૂર પડે છે. આખું વર્ષ ચાલતા રહેતા સેલનાં પાટિયાંઓએ આપણને કમ્પલ્સિવ શૉપર્સ બનાવી દીધા છે, પરંતુ એમાંની કેટલી બધી વસ્તુઓ એવી છે જે આજે મહિનાઓથી કબાટની બહાર પણ નીકળી નથી કે જેને આપણે હાથ સુધ્ધાં લગાડ્યો નથી. તો પછી નકામો ઘરમાં બધો સામાન ભેગો કર્યા કરવાનો શું ફાયદો? તેથી હવે આ નવા વર્ષમાં ફરી પાછું મનમાં શૉપિંગ કરવાની ચટપટી થાય તો શું ઉપરનો બોધપાઠ યાદ નહીં રાખીશું અને છતાં ન જ રહેવાય તો શું કોઈ ગરીબ પરિવાર માટે એક મહિનાનું રૅશન કે પછી આપણા ઘરની કામવાળીના ઘર માટે એક અઠવાડિયાનું શાક ન ખરીદી શકાય?
આપણા સમાજની એક સમસ્યા છે. આપણને હંમેશાં પોતાની જાત પહેલાં અન્યોને રાખવાની સલાહ આપવામાં આવે છે. એમાંય સ્ત્રીઓને તો ખાસ. બલકે કેટલાંક ઘરોમાં તો દીકરીઓને આ સંસ્કાર બાળપણથી જ આપવાની પ્રથા ચાલતી આવે છે, પણ શું ક્યારેક પોતાની જાત માટે કશું કરવું ખરેખર એટલો મોટો ગુનો છે? અરે! પોતાની જાતને પોતાના બાળકની જેમ જ વહાલ કરવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે. તેથી ક્યારેક પોતાની જાતને લાડ લડાવવામાં કશું ખોટું નથી. દર વખતે પોતાની જાતને દબાવીને કચડી નાખવી જરૂરી નથી. બલકે કેટલીક વાર પોતાની જાતને એવું કંઈક કરવાની છૂટ આપવી જે આપણને અંદરખાને ખૂબ ગમે છે, એ આપણા રોજિંદા જીવનની સમસ્યાઓને સહનીય બનાવવામાં મહત્ત્વપૂર્ણ કામ કરતું હોય છે. તેથી ક્યારેક બહુ મન થઈ આવે તો ચૉકલેટનો એકાદ ટુકડો મોઢામાં મૂકી દેવામાં કે પછી પોતાની ગમતી સિરિયલનું બિન્જ વૉચિંગ કરવામાં કશું ખોટું નથી. જ્યાં સુધી આપણે કોઈને નુકસાન નથી પહોંચાડતા, જ્યાં સુધી આપણું અંતરમન સાફ છે ત્યાં સુધી દુનિયાને જવાબ આપવાની કોઈ આવશ્યક્તા નથી.
પણ એ સાથે જ જીવનમાં શિસ્ત લાવવાનું પણ યાદ રાખવું પડશે, કારણ કે આ મુશ્કેલ સમયે આપણને સમજાવ્યું કે મુસીબત સામે ટકી રહેવામાં આપણને સૌથી વધારે મદદરૂપ થાય છે એ શિસ્ત જ હોય છે. કલ્પના કરો કે આટલા મહિનાઓ જ્યારે ઘરે કામવાળીઓ નહોતી આવતી ત્યારે ઘરની સ્ત્રીઓએ ઘરનું કામ કરવાની ના પાડી દીધી હોત તો? જેઓ હંમેશાંથી ઑફિસે જઈને કામ કરવા ટેવાયેલા છે તેમણે ઘરેથી કામ કરવાની ના પાડી દીધી હોત તો? પણ એવું નહીં થયું; કારણ કે આપણને સાફસફાઈનું, કામનું મહત્ત્વ સમજાય છે. તેથી જ આપણે શિસ્તબદ્ધ રીતે લૉકડાઉનના પ્રત્યેક નિયમનું પાલન કર્યું અને એ માટે જે કંઈ કરવું પડે એમ હતું એ બધું જ કર્યું. તો પછી શું આવનારા વર્ષમાં ફરી પાછા પહેલાંની પેઠે બેધડક અને બેફિકર બની જઈશું? નહીં જ. સાવધાનીના પ્રત્યેક પ્રયત્ન આપણે આગળ પણ ચાલુ રાખીશું, જેથી કોરોના કે એના જેવો બીજો કોઈ વાઇરસ ફરી પાછો આપણને આવા દિવસો ન દેખાડે.
મહાન અંગ્રેજી સાહિત્યકાર શેક્સપિયરે કહ્યું છે કે કુદરતનો એક સ્પર્શ આખી દુનિયાને એક કરી દે છે. તેમના આ કથનમાં રહેલું સત્ય હવે આપણને પરખાઈ ગયું છે. કુદરતે આપણને એક મહાન શીખ આપી છે. તો ચાલો, એ શીખને કાયમ માટે યાદ રાખીએ અને કોવિડ-19 પછીના જીવનમાં પગ મૂકીએ ત્યારે ફક્ત એક નવા વર્ષમાં જ નહીં, પણ એક નવી દુનિયા તરફ પ્રયાણ કરીએ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2020 03:15 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK