બિઝનેસનો ખરો વિકાસ શેમાં? ઑનલાઇન માર્કેટિંગના વિરોધમાં કે પછી સમય સાથે ચાલવામાં?

Published: 28th November, 2020 19:55 IST | Rohit Parikh | Mumbai

‘મિડ-ડે’એ મુંબઈનાં અનેક સંગઠનોના નેતા અને ઑનલાઇન બિઝનેસ કરી રહેલી મહિલાઓ તેમ જ ઑનલાઇન ખરીદી કરતી વ્યક્તિઓ સાથે વાત કરી. અહીં આપણે તેમના વિચારો જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

છેલ્લા એક દાયકામાં ઑનલાઇન વેચાણના પ્લૅટફૉર્મ્સ મશરૂમના ટોપની જેમ ઊગી નીકળ્યાં છે, એમાં કોરોનાના લૉકડાઉને તો આ ધંધાઓને એવું મોકળું મેદાન પાથરી આપ્યું કે ઑનલાઇન ખરીદીનું પ્રમાણ હાલમાં ૭૬ ટકાને પાર કરી ગયું છે. એક તરફ સેફ્ટી અને સસ્તાની લાલચ છે તો બીજી તરફ સર્વિસ અને ગુણવત્તાની ગૅરન્ટી છે. વિદેશી ઑનલાઇન પ્લૅટફૉર્મ્સને બૅન્કો દ્વારા મળતી છૂટછાટનો વિરોધ અનેક વેપારી સંગઠનોએ શરૂ કર્યો છે ત્યારે મુંબઈનાં મોટાં વેપારી સંગઠનોના હોદ્દેદારોના દિલનો અવાજ શું કહે છે એ જાણીએ

ઘણા લાંબા સમયથી ઑનલાઇન બિઝનેસ સામે જુવાળ ઊભો થયો છે. દેશભરનાં વેપારી સંગઠનોનો દાવો છે કે ઑનલાઇન બિઝનેસની વિદેશી મલ્ટિનૅશનલ કંપનીઓ ભારતના રીટેલરોને ખતમ કરી નાખશે એટલું જ નહીં, સરકારની તિજોરી પર પણ એની બહુ માટે અસર પહોંચશે. સરકાર દ્વારા બનાવવામાં આવેલી એફડીઆઇ પૉલિસીના આ કંપનીઓ ધજાગરા ઉડાડી રહી છે. ભારતીય બૅન્કો પણ સ્થાનિક રીટલરો કરતાં વધુ આ કંપનીઓને સાથ આપી રહી છે.

જોકે બીજી તરફ એક સર્વે પ્રમાણે કોરાના વાઇરસ ફાટ્યા પછી ઑનલાઇન ખરીદીમાં જબરો વધારો થયો છે. આ આંકડો ૪૬ ટકામાંથી સીધો ૭૨ ટકાએ પહોંચ્યો છે. ઑનલાઇન બિઝનેસ કરતી કંપનીઓ એના ગ્રાહકોને હોમ ડિલિવરીથી લઈને અનેક બીજી સેવાઓ ઉપલબ્ધ કરી રહી છે, જેને પરિણામે રીટેલરોમાં ઘરાકી ઘટી રહી છે. લૉકડાઉન પછી પણ આ પરિસ્થિતિ રહેવાની સંભાવના છે.

આની સાથે મુંબઈ અને મહારાષ્ટ્રના અનેક રીટેલરો અને હોલસેલર કંપનીઓ પણ વિદેશી કંપનીઓની જેમ જ મોટાં ડિસ્કાઉન્ટ અને ઑફરો સાથે ઑનલાઇન બિઝનેસમાં પ્રવેશી ચૂકી છે. તેઓ પણ માને છે કે સમય સાથે પરિવર્તન આવશ્યક છે. બીજી તરફ ટ્રેડરો કહે છે કે અમારો વિરોધ ઑનલાઇન બિઝનેસ સામે નથી, પરંતુ સરકાર અને બૅન્કોની બેવડી નીતિ સામે છે. એક બાજુ નરેન્દ્ર મોદી વોકલ ફૉર લોકલનો નારો લગાડીને લોકોને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહિત કરવા સૂચવી રહ્યા છે તો બીજી બાજુ અહીંની બૅન્કો અને સરકાર આર્થિક ફાયદાઓ મલ્ટિનૅશનલ કંપનીઓને જેટલા આપે છે એના તસુભરના ફાયદા પણ સ્થાનિક રીટેલરોને આપતી નથી. આજના સમયમાં જે બિઝનેસની સિસ્ટમ બદલશે એ જ માર્કેટમાં ટકી રહેશે.

‘મિડ-ડે’એ મુંબઈનાં અનેક સંગઠનોના નેતા અને ઑનલાઇન બિઝનેસ કરી રહેલી મહિલાઓ તેમ જ ઑનલાઇન ખરીદી કરતી વ્યક્તિઓ સાથે વાત કરી. અહીં આપણે તેમના વિચારો જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે.

નિર્વિવાદિત સત્ય છે કે લૉકડાઉન દરમ્યાન, એ પહેલાં અને ત્યાર બાદ સ્થાનિક નાના-મોટા દુકાનદારો જ ગ્રાહકોને અણીના સમયે કામ આવ્યા છે, આવે છે અને આવશે; કારણ કે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે વર્ષોથી સંબંધ બંધાયેલો છે. એક વિશ્વાસનો નાતો છે, જ્યારે ઑનલાઇનમાં ગ્રાહક ગોતી બતાવે જવાબદાર માલિકને. ફરિયાદના સમયે મળે છે ફક્ત કૉલ સેન્ટરના અનપ્રોફેશનલ લોકોના ઘસાયેલા જવાબો. અગાઉના સમયમાં તહેવારોમાં ગ્રાહકોની ભીડભાડથી માર્કેટોની રોનક ચકાચૌંધ રહેતી હતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી એમાં બદલાવ આવ્યો છે. ઑનલાઇન શૉપિંગે બજારોની ગિરદીની સાથોસાથ રોનક પણ ઓછી કરી નાખી છે. ટેક્નૉલૉજી આ સમયમાં લેમિંગ્ટન રોડ એ ઇલેક્ટ્રૉનિક્સ અને કમ્પ્યુટર માર્કેટનું અનેરું અને મહત્ત્વનું સ્થળ છે. અહીં હોલસેલ, સેમી હોલસેલ અને રીટેલ એમ ત્રણેય પ્રકારની માર્કેટ છે. દૂર પરાંઓના તેમ જ દેશભરના રીટેલ વેપારીઓ પણ અહીંથી ઇલેક્ટ્રૉનિક સામાનની ખરીદી કરે છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ઑનલાઇન શૉપિંગને કારણે રીટેલ વેપારીઓને ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. તંદુરસ્ત સ્પર્ધાનો સામનો હોય તો વેપારી ગાંજ્યો ન જાય, પરંતુ વિદેશી ઑનલાઇનવાળા ઘણી અનફેર ટ્રેડ પ્રૅક્ટિસ કરતા હોય છે. આજે ઑનલાઇન જાયન્ટ્સ ઍન્ડ ઑફ સીઝન્સ સેલ જેવું ગતકડું ગોઠવીને ગ્રાહકોને લલચાવે છે, જેમાં એન્ટ્રી લેવલના અમુક જ મૉડલ્સ સસ્તાં ઑફર કરે છે.  એમાંના ઘણાંખરાં પ્રિવિયસ જનરેશન, ઓલ્ડ મૉડલ્સના પીસીબીવાળાં મૉડલ હોય છે. બાકીનાં બધાં મૉડલ દુકાનદારો કરતાં મોંઘા ભાવે જ વેંચે છે. થર્ડ પાર્ટી સેલર ઑનલાઇનમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ પધરાવી જાય છે અને નુકસાન ખરીદદારને ભોગવવું પડે છે. જ્યારે દુકાનદાર બધી જ રીતે જવાબદાર હોય છે અને ગ્રાહકની આંખ સામે જ તેને માલ મળે છે. વિદેશી ઑનલાઇન પોર્ટલ ભારતીય તેમ જ વિદેશી બૅન્કો સાથે જોડાણ કરીને કૅશબૅકની લોભામણી જાહેરાતોનો મારો કરી ગ્રાહકોને ઑનલાઇન શૉપિંગ માટે લલચાવે છે જેથી ગ્રાહકો કાર્ડ દ્વારા ખરીદી કરવાની આદત કેળવે અને જતે દહાડે ગજા બહારની ખરીદીઓ કરી બૅન્કોને વ્યાજ ચૂકવતા રહે. એમાં લગભગ ગ્રાહકો કૅશબૅકની લોભામણી જાહેરાતોની જાળમાં ફસાઈને પોતાનું લાંબા ગાળાનું નુકસાન લખાવી લે છે અને આજે તેમને એ દેખાતું નથી. ઘણા ગ્રાહકો ઑનલાઇનમાં ડુપ્લિકેટ અને રીફર્બિશ્ડ ઇલેક્ટ્રૉનિક્સ પ્રોડક્ટ્સ મળતાં તેઓ ફરી પાછા બજારો તરફ વળ્યા છે અને માર્કેટમાં આવી, ચેક કરીને મનપસંદ પ્રોડક્ટ ગૅરન્ટી અને સંતોષ સાથે વાજબી ભાવે દુકાનોમાંથી ખરીદી કરે છે. ઑનલાઇનમાં વધતા જતા ફ્રૉડથી ગ્રાહકોનો અમુક વર્ગ ફરી પાછો દુકાનો તરફ વળ્યો છે. દુકાનદારો પણ પોતાની જવાબદારી નિભાવતા ગ્રાહકોને સારી ક્વૉલિટીવાળી પ્રોડક્ટ વાજબી ભાવે વેચવા માટે આફ્ટર-સેલ સર્વિસ અને ટેક્નિકલ હેલ્પ સમયસર પ્રદાન કરી ઑનલાઇન સામેની સ્પર્ધામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈ લડી રહ્યા છે. જો સ્થાનિક દુકાનદારોને આપણા સર્વેનો સાથ અને વેપાર મળતો રહેશે તો વિદેશી ઑનલાઇન પોર્ટલ્સને તેઓ જરૂરથી હંફાવી દેશે. સાથે-સાથે સ્થાનિક દુકાનદારોએ ગ્રાહકોને વર્લ્ડ ક્લાસ શૉપિંગની અનુભૂતિ થાય એના પર ધ્યાન આપવું પડશે. દુકાનદારોએ પોતાના ખરીદીના ભાવ ખૂબ જ કમ્પેટિટિવ રહે એની તકેદારી રાખવી પડશે. ક્વિક આફ્ટર-સેલ્સ સર્વિસ અને લેટેસ્ટ પ્રોડક્ટની મોટી રેન્જ જાળવવી પડશે. ગ્રાહક રાજા છે અને રાજા ખુશ તો વેપારી ખુશ.

- મિતેશ મોદી

પ્રેસિડન્ટઃ ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન (વેસ્ટર્ન ઝોન)

સેક્રેટરીઃ ચૅમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ

સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે

અમે અને અમારા સંગઠનમાં મોટા ભાગના સદસ્યોએ પોતપોતાનાં ઉત્પાદનો ઑનલાઇન વેચવાની શરૂઆત કરી દીધી છે. માર્ચ મહિનામાં કોરોનાને લીધે શરૂ થયેલા લૉકડાઉનને કારણે ગ્રાહકો બજારોમાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા છે, જેને લીધે ઑનલાઇન ખરીદીની ડિમાન્ડમાં વધારો થયો છે. સમયની જરૂરિયાત પ્રમાણે વેપારીઓએ પણ ઑનલાઇન પદ્ધતિથી બિઝનેસ કરવાનો શરૂ કરી દીધો છે. આવતા દિવસોમાં અમારા સંગઠન કેઇટ (કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ)  દ્વારા ભારતમાં ઈ-માર્કેટ નામનું ઑનલાઇન પ્લૅટફોર્મ લાવી રહ્યા છીએ જે પ્લૅટફોર્મ પર વેપારીઓ દ્વારા વેચવામાં આવતા માલ પર કોઈ પણ જાતનું કમિશન નહીં લેવામાં આવે અને ગ્રાહકોને ફ્રી હોમ ડિલિવરી કરવામાં આવશે જેનાથી પરંપરાગત વેપારીઓ ઑનલાઇન પદ્ધતિથી પોતાનો વેપાર સરળતાથી કરી શકશે. આ પ્લૅટફૉર્મ પર ઑનલાઇન દુકાન પણ નિઃશુલ્ક બનાવી આપવામાં આવશે.

- શંકર વી. ઠક્કર

રાષ્ટ્રીય અધ્યક્ષઃ અખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘ

મહાનગર અધ્યક્ષઃ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ

સમય સાથે ચાલશો તો જ આ હરીફાઈમાં ટકશો

સમય બદલાઈ રહ્યો છે. એની સાથે વેપારની સિસ્ટમમાં પણ બદલાવ આવી રહ્યો છે. ઑનલાઇન બિઝનેસ વેપારના વિકાસ માટેની આજના યુગની એક નવી સિસ્ટમ છે જેનો વિરોધ કરીને વેપારીઓ તેમના બિઝનેસની વૃદ્ધિ નહીં કરી શકે. વેપારીઓએ તેમના બિઝનેસને સમયની સાથે આગળ વધારવો છે અને એનો વિકાસ કરવો છે તો તેમણે નવી સિસ્ટમ અપનાવીને એની સાથે ચાલવું જ પડશે. આજે શાકભાજી અને ફ્રૂટની સાથે ડ્રાયફ્રૂટ અને મસાલાનું પણ ઑનલાઇન વેચાણ થવા લાગ્યું છે. મારી માન્યતા છે કે જે વેપારી અસોસિએશનો ઑનલાઇન બિઝનેસનો વિરોધ કરી રહ્યાં છે તેમણે એમ કરતાં અટકવું જોઈએ. એના બદલે તેમણે તેમના વેપારી સભ્યોને નવી ટેક્નૉલૉજીથી કેવી રીતે બિઝનેસની વૃદ્ધિ અને વિકાસ થઈ શકે એનું માર્ગદર્શન આપવું જોઈએ. એનું જ્ઞાન આપવું જોઈએ એટલું જ નહીં, એના માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી આપવી જોઈએ. આજે જેટલી નવી ઑનલાઇન બિઝનેસ માટે કંપનીઓ મેદાનમાં આવી છે તેમની પાસે અનુભવ નથી, ફક્ત પૈસા જ છે. જ્યારે સ્થાનિક વેપારીઓ જેઓ વર્ષોથી તેમનો બિઝનેસ સંભાળી રહ્યા છે તેમની પાસે અનુભવ છે. જો તેઓ નવી ટેક્નૉલૉજી અને નવી સિસ્ટમ બિઝનેસમાં અપનાવી લે તો તેઓ તેમના ચાલી રહેલા બિઝનેસને અત્યાર કરતાં વધુ સારો બનાવી શકે અને સારી રીતે બિઝનેસ કરી શકે તએમ છે. એમાં કોઈ શંકા નથી કે નવી કંપનીઓ પાસે અઢળક ભંડોળ હોવાથી પારંપરિક બિઝનેસ કરી રહેલા વેપારીઓ માટે માર્કેટમાં ટકવું મુશ્કેલ બની ગયું છે. તેમના બિઝનેસ પર અસર થઈ રહી છે. આમ છતાં જે વેપારીઓ સમયની સાથે ચાલશે તે ગમે તેવી હરીફાઈમાં પણ માર્કેટમાં ટકી જશે. જે સમય સાથે બદલાશે નહીં, બદલાયેલા સમયનો સ્વીકાર કરશે નહીં તેમના માટે કદાચ માર્કેટમાં ટકવું કઠિન બની શકે છે.

- યોગેશ ગણાત્રા

પ્રવક્તા, મુંબઈ મેવા મસાલા મર્ચન્ટ્સ અસોસિએશન

ઑનલાઇન તો અક્ષમ માટેની વ્યવસ્થા હતી, બાકી ગુણવત્તાની ચકાસણી તો રૂબરૂ ખરીદીમાં જ થાય

ઑનલાઇન હકીકતમાં યુરોપિયન યુનિયનમાં અક્ષમ લોકોની સવલત માટે શરૂ થયેલી વ્યવસ્થા હતી, જે સફળ થતાં બધી જગ્યાએ એ લાગુ થવા લાગી. હાલમાં કોરોનાને લઈને ઍગ્રિ પ્રોડક્ટ્સનો ઑનલાઇન બિઝનેસ શરૂ થયો છે જે લાંબા ગાળે સફળ નહીં થાય. કેમ કે અનાજ, કરિયાણાં, મેવા, મસાલામાં ઘણીબધી વરાઇટીઝ હોય છે જે રૂબરૂ ખરીદે તો જ ગ્રાહકો સાચી ખરીદી, તેમની મનગમતી ગુણવત્તાની વસ્તુઓ ખરીદી કરી શકશે. ઘઉં હોય કે બદામ, સફરજન હોય કે ધાણાજીરું, ટેસ્ટ, કલર, ફ્રેશનેસ, પૅકિંગ આ બધી ચીજવસ્તુઓ જોઈને ચકાસીને ખરીદવામાં આવે તો જ યોગ્ય ગણાય. એમાં કોઈ ફેરફાર હોય તો દુકાનદાર રોજના ગ્રાહકની ફરિયાદ સાંભળશે, માલ બદલી આપશે અથવા તો એક તબક્કે પૈસા પણ પરત કરશે. જ્યારે ઑનલાઇન ખરીદીમાં ક્વૉલિટી બાબત છેતરાવાની પૂરી સંભાવના છે. ઑનલાઇનમાં અનાજ, કરિયાણું, મેવા, મસાલા, ફ્રૂટ, વેજિટેબલમાં પરિસ્થિતિ પૂર્વવત્ થતાં લોકો રૂબરૂ ખરીદીનો આગ્રહ રાખશે એમાં કોઈ શંકા નથી.

- દેવેન્દ્ર વોરા,

ટ્રેડ ઍનૅલિસ્ટ ઍન્ડ બ્રોકર, નવી મુંબઈ

વોકલ ફૉર લોકલ સૂત્ર નિરર્થક ઠર્યું

અત્યારે ઑનલાઇન જાયન્ટ્સ કંપનીઓની સામે નાનો દુકાનદાર ઝઝૂમી રહ્યો છે. ઑનલાઇન કંપનીઓ દ્વારા મસમોટા ડિસ્કાઉન્ટ ઉપરાંત અમુક બૅન્કોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર ખરીદી કરો તો કૅશબૅક ઑફર પણ તેઓ આપતા હોય છે. આ સુવિધા નાની દુકાનોમાંથી ગ્રાહકો માલ ખરીદી કરે તો તેમને મળતી નથી, પણ ઊલટાનું નાની દુકાનોમાંથી ગ્રાહક ક્રેડિટ કાર્ડ પર માલ ખરીદી કરે તો તેમને બૅન્કના ઇડીસી મશીન વાપરવાનો ચાર્જ ચૂકવવો પડે છે. આ એક અસામાન્ય અને અન્યાયકર્તા બાબત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફૉર લોકલનું લૉકડાઉનમાં સૂત્ર આપ્યું છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ઑનલાઇન કંપનીઓ કરોડો-અબજો રૂપિયા કમાઈ રહી છે, જેની સામે સ્થાનિક નાના-મોટા રીટેલરો એમાં પણ ખાસ કરીને કાપડના વેપારીઓ તેમનો બિઝનેસ ટકાવવા ફાંફાં મારી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ રહેશે તો નાના દુકાનદારોની દુકાનો ટપોટપ બંધ થવા લાગશે. એને કારણે દેશમાં બેરોજગારીનો મોટો પડકાર ઊભો થઈ જશે. અત્યારે આમ પણ કોરોના મહામારીના લીધે કાપડના વેપારીઓના બિઝનેસ પડી ભાંગ્યા છે. એવા સંજોગોમાં બૅન્કો દ્વારા જે પદ્ધતિથી ઑનલાઇન કંપનીઓને ફેવર કરવામાં આવી રહી છે એ રીટેલ વેપારીઓ માટે વજ્રાઘાત સમાન છે. ઑનલાઇન કંપનીઓ દ્વારા આપવામાં આવતાં ડિસ્કાઉન્ટો કરતાં મોટા ભાગે નાની દુકાનોમાં પણ માલ સસ્તો અને સારો મળે છે. એ માલ જોઈને લીધો હોવાથી છેતરપિંડી થવાનો કે પાછો આપવાનો સવાલ ઊભો થતો નથી. સરકારે ઇડીસી મશીન પરના ચાર્જ બંધ કરવા જોઈએ. બૅન્કોએ નાના દુકાનદારોના ગ્રાહકોને પણ ડિસ્કાઉન્ટ અને કૅશબૅક જેવી સુવિધાઓ આપવી જોઈએ એવો નાણા મંત્રાલયે નિયમ બનાવવો જોઈએ. જો એમ નહીં થાય તો સ્થાનિક દુકાનદારોના બિઝનેસનો અંત બહુ જ ખરાબ રીતે આવી શકે છે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી તરફ પ્રજાએ પણ રીટેલરો કે જેની સાથે વર્ષો જૂના સંબંધો છે અને જેઓ કટોકટીના સમયમાં પણ તેમની સાથે ઊભા રહ્યા હતા અને રહેશે તેમને સાથસહકાર આપવા માટે ઑનલાઇન ખરીદી બંધ કરવી જોઈએ. મોટા ભાગની ઑનલાઇન કંપનીઓ વિદેશની છે જે આપણા દેશનાં નાણાં વિદેશમાં ઢસડી રહ્યા છે. આ રીતે નરેન્દ્ર મોદીના વોકલ ફૉર લોકલ સૂત્રનો કોઈ અર્થ સરતો નથી.

- હરેન મહેતા અને શૈલેશ ત્રિવેદી

સેક્રેટરી, ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લૉથ ડીલર્સ અસોસિએશન

ગ્રાહકોને માલની ગુણવત્તામાં સંતોષ નથી

ઑનલાઇન ખરીદીથી ગ્રાહકોને માલની ગુણવત્તામાં સંતોષ મળતો નથી. કપડાંની રોજ ખરીદી થતી નથી. એટલે ઑનલાઇન ખરીદવા જતાં જો કપડું સંતોષકારક ન મળે તો ગ્રાહક માટે અકળામણ ઊભી થાય છે. ઑનલાઇન પેમેન્ટ કરી દીધું હોવાથી અમુક તબક્કે ટેન્શન પણ રહે છે. આ પ્રકારની ખરીદી કરવા જતાં માલ સસ્તો મળે છે પણ છેતરાવાનો પણ ભય રહે છે. આ જ કારણે મંગલદાસ માર્કેટમાં અને અન્ય કાપડ બજારોમાં આજે પણ ગ્રાહકો માલ ખરીદવા આવે છે. લોકલ ટ્રેનો બંધ હોવા છતાં તહેવારોમાં ઘરાકી સારી રહી હતી. અમારી માર્કેટ પર લૉકડાઉનની કોઈ જ આડઅસર થઈ નથી, જેને કારણે અહીંની દુકાનોનાં ભાડાં પણ ઓછાં થયાં નથી. દુકાનદારો માર્કેટ છોડીને જવા તૈયાર નથી.

- નીલેશ મહેતા, સેક્રેટરી

શ્રી મંગલદાસ ક્લૉથ માર્કેટ મર્ચન્ટ્સ અસોસિએશન

ઑનલાઇન ખરીદી કરનારા ગ્રાહકોને શું લાગે છે?

એક વાર છેતર્યા પણ ખરા

અમે અમારા વ્યવસાયમાં વ્યસ્ત હોવાથી અને ઑનલાઇન કંપનીઓ દ્વારા સારી ઑફરો આવતી હોવાથી છેલ્લાં પાંચ વર્ષથી ઑનલાઇન ખરીદી જ કરીએ છીએ. અમે અમારા ઘરમાં માટે વાઇ-ફાઇ ફ્લોટરની ઑનલાઇન ખરીદી કરી હતી. બ્રૅન્ડેડ કપડાં, હાઉસહોલ્ડ પ્રોડક્ટ્સ, સ્માર્ટ વૉચ જેવી અનેક આઇટમો પર સ્થાનિક દુકાનદરો કરતાં ૩૦૦થી ૫૦૦ રૂપિયાનો ભાવમાં ફાયદો મળ્યો હતો. ઘેરબેઠાં ડિલિવરીને લીધે સમય પણ બચે છે. જોકે આમાં હંમેશાં સારું થાય એવું છાતી ઠોકીને કહી ન શકાય. થોડા વખત પહેલાં મોબાઇલ કવર ઑર્ડર કર્યું હતું તો જે ઑર્ડર કર્યું હતું એનાથી અલગ જ ડિઝાઇન અને ક્વૉલિટી મળ્યાં હતાં. એમ બે ટી-શર્ટ ખરીદ્યાં હતાં તો એમાં પણ ગુણવત્તાની ખામી નજરમાં આવી હતી, જેને કારણે અમારે બન્ને આઇટમો પાછી આપવી પડી હતી, પણ ત્યાર પછી અમને જે જોઈતું હતું એ મળ્યું નહોતું.

- રાજેશ દેઢિયા, દાદર (વેસ્ટ)

વિરોધ ઑનલાઇન બિઝનેસનો નહીં, વિદેશી કંપનીની નીતિ સામે છે

વેપારી સંગઠનોનો વિરોધ ઑનલાઇન બિઝનેસ કરતાં પણ વધુ જે કંપનીઓ આ સિસ્ટમથી બિઝનેસ કરી રહી છે એ કંપનીઓની નીતિ સામે છે. આ કંપનીઓ ગળાકાપ હરીફાઈ કરીને સ્થાનિક દુકાનદારોનો બિઝનેસ ખતમ કરવાના નુસખા અજમાવી રહી છે. આ કંપનીઓએ તંદુરસ્ત હરીફાઈ કરવા મેદાનમાં આવવું જોઈએ. ગ્રાહકો રાજા છે. કોરોનાને કારણે લૉકડાઉન દરમિયાન ઑનલાઇન બિઝનેસમાં જબરો વધારો થયો છે. લોકોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી આ વ્યવસાય ટોચ પર છે, જેને નિયંત્રણમાં કરવો કે રોકવો અશક્ય છે. પરંતુ સરકાર એક નીતિ બનાવી ગળાકાપ હરીફાઈને બદલે સ્થાનિક દુકાનદારો અને ઑનલાઇન કંપનીઓ માટે એકસરખું મેદાન બનાવી શકવા સમર્થ છે. સરકારે એ નિર્ણય લેવો જ જોઈએ. આની સામે સ્થાનિક વેપારીઓએ પણ તેમના ગ્રાહકોને વધુ આકર્ષિત કરવાની નીતિ તૈયાર કરવી જોઈએ. મલ્ટિનૅશનલ કંપનીઓની સામે સ્પર્ધામાં ઊભા રહેવા માટે માલની ત્વરિત ડિલિવરી અને આફટર-સેલ સર્વિસની નીતિ અપનાવવી જોઈએ. ગ્રાહકો માટે હંમેશાં વધુ માલની વરાઇટીઝ અને સારા ભાવ મળે એ મહત્ત્વનું હોય છે. દરકે દુકાનદારે તેમના પાડોશના ગ્રાહકો સુધી પહોંચવા મોબાઇલ ઍપ અને વૉટ્સઍપનો ઉપયોગ કરવો જોઈએ જેથી આજના આપત્તિ કાળમાં સિનિયર સિટિઝનો કે જેઓ દુકાન સુધી પહોંચી શકતા નથી તેમને સારી સેવા આપી શકાય. સમયની સાથે અમે પણ અમારા બિઝનેસમાં પરિવર્તન કર્યું છે. દુકાનદારોએ સેલ્સ સ્ટાફ અને ડિલિવરી બૉયની સેવા પણ શરૂ કરવી જોઈએ. શૉપથી હોમ સુધી દરેક દુકાનદારે કોઈ મેજિક વે અપનાવીને એની સાથે જાણીતા ગ્રાહકોને ક્રેડિટ સુવિધા આપવા તત્પર રહેવું જોઈએ. એમ કરવાથી જ આજના સમયમાં મજબૂતીથી લડી શકાશે.

- વીરેન શાહ

પ્રેસિડન્ટ, ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિએશન

બન્નેને સમાન પ્લૅટફૉર્મ આપો

પ્રથમ તો સરકારે ઑનલાઇન અને રીટેલ સ્ટોર્સ માટે સમાન પ્લૅટફોર્મ આપવું જોઈએ. એવા ઘણા સરકારી કાયદાઓ અને નિયમો છે જેમાં બન્નેને સમાનતા નથી. ઑનલાઇન બિઝનેસની કંપનીઓને લાઇસન્સની જરૂર નથી, જ્યારે રીટેલરો માટે એ ફરજિયાત છે. મોટા ભાગના ઑનલાઇન દિગ્ગજો ભારતની બહારના છે જેમને વિદેશની બૅન્કોમાંથી લોન પણ મળે છે, એ પણ સસ્તા વ્યાજ દરથી. ઑનલાઇન બિઝનેસમાંથી મેળવલી આવક વિવિધ વેપારી કરારોને કારણે તેમને આપણા દેશ સહિત અનેક દેશોમાં કરપાત્ર નથી. સ્થાનિક વેપારીઓ સાથે આ એક મોટો અન્યાય છે. અહીંની બૅન્કો તેમના કાર્ડનો ઉપયોગ કરીને કરેલી ઑનલાઇન ખરીદીને અમુક પ્રોત્સાહનો અને બોનસ પ્રદાન કરે છે, જ્યારે એ જ બૅન્કોમાં સ્થાનિક દુકાનદારો અને વેપારીઓ પાસેથી કાર્ડના ઉપયોગ પર ચાજિર્સ વસૂલ કરે છે. આ બેવડી નીતિમાંથી સ્થાનિક દુકાનદારોને સરકારે મુક્ત કરવા જોઈએ. ફામ અપીલ કરે છે કે આજની પરિસ્થિતિમાં દરેક ભારતીય નાગરિકે સ્થાનિક દુકાનદારો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

- આશિષ મહેતા

ડિરેક્ટર જનરલ, ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર

ઑનલાઇન બિઝનેસ કરનાર શું કહે છે?

બિઝનેસ અને ઘર બન્ને સચવાય છે

હુ સંયુક્ત પરિવારમાં રહું છું. પાંચ વર્ષના બાળકની માતા છું. આવકના સ્રોત તરીકે ઑનલાઇન બિઝનેસ કરવાથી મારા બાળક અને મારા પરિવારનું સંચાલન સરળતાથી થાય છે. બે વર્ષ પહેલાં મેં ઑનલાઇન બિઝનેસની શરૂઆત કરી હતી. ઑનલાઇનથી હું બાળકોનાં કપડાં, મહિલાઓના ડ્રેસ, ઇમેટિશન જ્વેલરી, હોમ પ્રોડક્ટ્સ સિવાય પણ અનેક પ્રોડક્ટ્સનો બિઝનેસ કરું છું. પ્રારંભ સંઘર્ષથી થઈ હતી. ધીરે-ધીરે સગાંસંબંધીઓ, મિત્રો અને તેમના રેફરન્સના માધ્યમથી બિઝનેસને સારું પુશઅપ મળ્યું છે. અનેક વાર પ્રોડક્ટ્સની ફરિયાદ પણ આવે છે. જે રંગ પસંદ કર્યો તો એ નથી મળ્યો, સાઇઝમાં નાની-મોટી છે વગેરે-વગેરે. પરંતુ તેમને પણ સંતોષ આપવામાં સફળ રહી છું. મારા ઉત્પાદકો અને વિક્રેતાઓ અમે સાથે મળીને નુકસાન પણ થાય તો કસ્ટમરને સર્વિસ આપવામાં પાછી પાની કરતા નથી. દરેક બિઝનેસના પોતાના ગુણધર્મો હોય છે. દરેક કસ્ટમર પણ એકસરખા હોતા નથી. બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે ઑનલાઇન બિઝનેસને કારણે હું મારી જરૂરિયાતો વચ્ચે ઓછામાં ઓછી આર્થિક સ્વતંત્ર છું, જેનાથી હું ખુશ છું.

- કેયા બાવીસી, કાંદિવલી (વેસ્ટ)

ઑનલાઇન ખરીદી આશીર્વાદરૂપ

આજની દોડધામભરી જિંદગીમાં ઑનલાઇન ખરીદી ઘણી વાર આશીર્વાદરૂપ બની જાય છે. હું ઘણાં વર્ષોથી મારા ઘર માટે અને મારા મિત્રોને ગિફ્ટ આપવા માટે ઑનલાઇન ખરીદી કરું છું. આ રીતે ખરીદી કરવાથી ઘરબેઠાં ડિલિવરી મળી જાય છે અને ગિફટ પણ લાગતી-વળગતી વ્યક્તિઓને ઘરબેઠાં પહોંચાડી શકાય છે. મારા જેવી જૉબ કરતી મહિલાઓ માટે તો એ ખૂબ જ મદદરૂપ બને છે. ઑફિસમાં રાતના મોડે સુધી કામ કરતા હોવાથી હું આ જ સિસ્ટમથી ખરીદી કરું છું. અત્યાર સુધીમાં મેં ઍમેઝૉન, બિગબાસ્કેટ જેવી અનેક ઑનલાઇન કંપનીઓની વેબસાઇટ પરથી ઇલેક્ટ્રિક, ગ્રોસરી, કપડાં સારી ગુણવત્તાના સસ્તા ભાવે ખરીદ્યાં છે. જોકે લૉકડાઉનના સમયમાં સ્થાનિક ઑનલાઇન કંપનીમાંથી શાકભાજી અને ફ્રૂટ ખરીદવામાં અલગ જ અનુભવ થયો હતો. સામાન્ય કરતાં એક-બે શાક ખરાબ આવે અને માર્કેટ કરતાં વધારે ભાવ પણ ચૂકવ્યા હતા. મારા બિલ્ડિંગમાં કોરોના કેસો હોવાથી ઑનલાઇન ખરીદી કરવા મજબૂર હતી. ઑનલાઇન ખરીદીના સારા અને નરસા અનુભવો પછી એક વાત ચોક્કસ શીખી છે કે પીળું દેખાય એ બધું સોનું હોતું નથી. એટલે ઑનલાઇન ખરીદી કરો કે લોકલ માર્કેટમાંથી, ખરીદી ખૂબ જ ધ્યાન રાખીને કરવી પડે છે. અહીંના દુકાનદારો પણ માલ પરત લેવામાં અનેક નાટક કરતા હોય છે.

હેમા નાકર, ઘાટકોપર (ઈસ્ટ)

આમ જુઓ તો ફાયદા અને ગેરફાયદા બન્ને છે

હું અને મારી પત્ની રિયા બન્ને છેલ્લાં સાત વર્ષથી ઑનલાઇન શૉપિંગ કરીએ છીએ. અમારો અનુભવ કહે છે કે ઑનલાઇન શૉપિંગના ફાયદા અને ગેરફાયદા બન્ને છે. એક તો ઘરેબેઠાં બધું આવી જાય છે. તમે તમારી અનુકૂળતા મુજબની વસ્તુઓ જોઈ શકો છો. ઘણા સસ્તા ભાવો, સૌથી વધારે મહત્ત્વનું તો એ છે કે કોઈ લાંબી કતારોમાં કે ભીડમાં ઊભા રહેવાના ટેન્શનમાંથી મુક્તિ મળે છે. તમે તમારી પસંદગીના કોઈ પણ સમયે શૉપિંગ કરી શકો. કિંમતની સરળ તુલના પણ ઉપલબ્ધ હોય તેમજ કૂપન કોડ્સ અને વાર્ષિક સેલ જેવી ઑફરોનો ફાયદો લઈ શકો છો. ટ્રાવેલિંગ અને બળતણના ખર્ચમાંથી છુટકારો મળે છે. આની સામે ગેરફાયદાઓ એ છે કે તમને ખરીદીનું વ્યસન થઈ જાય છે. વળતરના લોભમાં ક્યારેક જરૂરિયાત કરતાં વધુ ખરીદી થઈ જાય છે. ઉત્પાદનની માહિતી અને એના વિશે ચર્ચા કરવા માટે ત્યાં કોઈ હોતું નથી. કપડાંના ઑલ્ટરેશનની સુવિધા મળતી નથી, જે રીટેલરો આપી શકે છે. સૌથી અને અતિ મહત્ત્વનું એ છે કે આપણી પ્રાઇવેટ વિગતો ઍપ્લિકેશનો દ્વારા તેઓ કબજે કરી રહ્યા છે.

- સચિન દોશી, કાંજુર માર્ગ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK