જાણીતા નાટ્યનિર્માતા-પ્રચારક મનહર ગઢિયાનું ટૂંકી માંદગી બાદ નિધન થયું

Published: Nov 17, 2019, 11:01 IST | Mumbai

મેસિવ હાર્ટ-અટૅકથી બ્રેઇન-હૅમરેજ થયા બાદ કોમામાં સરી પડેલા. ૪૦ વર્ષની જાહેરખબર-નાટકોની પ્રોડ્યુસર કારકિર્દી બદલ બેસ્ટ પીઆર પર્સન ઑફ મુંબઈ સિટીનો અવૉર્ડ મળેલો

મનહર ગઢિયાનું અવસાન
મનહર ગઢિયાનું અવસાન

જાણીતા થિયેટર પ્રોડ્યુસર, પ્રચારક અને નાટ્યજગત સાથે સંકળાયેલા મનહર ગઢિયાનું ગઈ કાલે સવારે તેમના અંધેરીના નિવાસસ્થાને નિધન થયું હતું. ૬૭ વર્ષના મનહરભાઈને હાર્ટ-અટૅક આવતાં તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મનહરભાઈના અવસાન વિશે તેમના મૅનેજર જિજ્ઞેશ કારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મનહરભાઈને બુધવારે સવારે છાતીમાં દુખાવો થતાં હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને બ્રેઇન-હૅમરેજ થતાં તેઓ કોમામાં સરી પડ્યા હતા. સ્થિતિ વિશે અન્ય ડૉક્ટરોનો મત લીધા બાદ પરિવારે આજે સવારે ઘરે લાવવાનો નિર્ણય લીધો હતો, જ્યાં ૯.૪૫ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની ભારતીબહેન અને કાજલ ગઢિયા-બ્રહ્મભટ્ટ તથા હેતલ છેડા નામની બે દીકરીઓ છે.’
મનહરભાઈ ચાર દાયકાથી ગુજરાતી નાટ્યજગત સાથે સંકળાયેલા હતા. નાટકની છણાવટથી રંગભૂમિ પર પ્રયોગાત્મક કૃતિઓને નવા સ્વરૂપે રજૂ કરવામાં તેઓ એક્કા હતા. નાટકોની રચનાત્મક જાહેરખબરની દુનિયામાં તેમની કંપની કાજલ ઍડ્સ દ્વારા તેમણે નામના મેળવવાની સાથે તેઓ ખરા અર્થમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી રંગભૂમિને વરેલા હતા.
મનહરભાઈએ ભણતાં-ભણતાં મુંબઈ સમાચાર અખબારમાં શેડ્યુલિંગ વિભાગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. એ સમયે નાટકોની જાહેરખબરને નવી રીતે રજૂ કરીને તેમણે નામના મેળવી હતી. મહેશકુમાર ઍન્ડ પાર્ટીના પહેલા શોની જાહેરખબર તેમણે બનાવી હતી, જેનાથી પ્રેક્ષકો આકર્ષાતાં શો હાઉસફુલ ગયા હતા.
જાહેરખબર ડિઝાઇનમાં હાથ અજમાવ્યા બાદ મનહરભાઈએ ‘ખેલૈયા’ નાટકથી નાટ્યનિર્માણની શરૂઆત કરી હતી. નાટ્યજગતના કાન્તિ મડિયા, પ્રવીણ જોષી, અરવિંદ ઠક્કર, અરવિંદ જોષી, સરિતા જોષી, શફી ઈનામદાર, સંજય ગોરડિયા સહિતનાં ખેરખાંઓ સાથે કામ કર્યું હતું. નાટકોની પબ્લિસિટી અને જાહેરખબર ઉપરાંત પ્રોડ્યુસર રૂપે તેમને બેસ્ટ પીઆર પર્સન ઑફ મુંબઈ સિટીનો અવૉર્ડ એનાયત થયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK