માટુંગા-ઈસ્ટમાં રહેતા મયૂર છેડાને મેડિક્લેમ આપવામાં ઠાગાઠૈયા કરતા વીમા કંપનીના બાબુઓને નસિયત આપવા વીમા લોકપાલ યંત્રણાના કરેલા ઉપયોગની આ કથા છે.
છાતીમાં અસહ્ય દુખાવો ઊપડતાં ૨૦૧૭ની ૧૭ જૂને મયૂરભાઈને સર કીકાભાઈ કાર્ડિઍક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર અને સર્જરી પછી તબિયત બરાબર થતાં ૨૦૧૭ની ૨૪ જૂને હૉસ્પિટલમાંથી રજા અપાઈ.
મયૂરભાઈ શ્રી ક.વી.ઓ. સેવા સમાજની સંજીવની સ્કીમ હેઠળ નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડની ૫,૦૦,૦૦૦/- રૂપિયાની મેડિક્લેમ પૉલિસી ધરાવતા હતા. વીમા કંપનીની કૅશલેસ સ્કીમ હેઠળ મંજૂરી મેળવી લીધેલ હોવાથી હૉસ્પિટલના બિલની રકમ ચૂકવવાની જવાબદારી વીમા કંપનીની હતી. હૉસ્પિટલમાં ઍડ્મિશન લેતી વખતે, ૧૭-૦૬-૨૦૧૭ના રોજ ડિપોઝિટ તરીકે ૧,૦૪,૦૦૦/- રૂપિયાની રકમ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લેતી વખતે ડિપોઝિટની રકમ ચૂકવવાની હૉસ્પિટલને વિનંતી કરી ત્યારે વીમા કંપનીએ ડિપોઝિટ પરત કરવા માટેનું નો ઑબ્જેક્શન લેટર આપેલ નથી તથા બિલની રકમની પણ ચુકવણી કરેલ નથી આથી હૉસ્પિટલના નિયમ મુજબ ડિપોઝિટની રકમ ત્યાં સુધી મળશે નહીં એમ જણાવવામાં આવ્યું.
આજકાલ કરતાં નવ મહિનાનો સમય પસાર થઈ ગયો. વીમા કંપનીને વિગતવાર પત્ર લખીને ડિપોઝિટની રકમ ત્વરાએ પરત કરવાનું જણાવ્યું, જેનો જવાબ આપવાની કોઈ તસ્દી ન લીધી.બહાનાબાજીના દોરમાં બાબુઓએ બીજા ત્રણ મહિનાનો સમય ખેંચી કાઢ્યો.
બાબુઓની નિષ્ક્રિયતા સામે શું કરવું?ની અવઢવમાં તેઓ સરી પડ્યા. કઝિન અમિતભાઈની યાદ આવી. તેમને ફોન કરી પોતાની વેદનાની વાત કરી. અમિતભાઈ તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાન સંચાલિત RTI સેવા કેન્દ્ર-મલાડના સંયોજક હોવાના નાતે મયૂરભાઈની વેદનાની ગૂંચ ઉકેલવી તેમના માટે ડાબા હાથનો ખેલ હતો. અમિતભાઈએ મયૂરભાઈના મેડિક્લેમને લગતા દસ્તાવેજો, પત્ર-વ્યવહાર, મેડિક્લેમ પૉલિસી અને પત્ર-વ્યવહારનો અભ્યાસ કરી વીમા કંપનીના કસ્ટમર ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટને વિગતવાર પત્ર લખી મયૂરભાઈને ઈ-મેઇલ દ્વારા મોકલાવ્યો તથા એની પ્રિન્ટ આઉટ લઈ, સહી કરી વીમા કંપનીના સંબંધિત વિભાગમાં આપી, એની ફોટોકૉપી પર સહીસિક્કા સહની પહોંચ લેવા જણાવ્યું તથા જો જવાબ આવે તો એ સ્કૅન કરી મોકલાવવા જણાવ્યું અને જો જવાબ આવે જ નહીં તો મહિના બાદ ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર મેડિક્લેમની ફાઇલ લઈને આવવા જણાવ્યું.
મયૂરભાઈએ લખેલા પત્ર પર કાર્યવાહી કરવાની વાત તો જોજનો દૂર રહી, પત્ર મળ્યાની પહોંચ લખવાનું સૌજન્ય પણ બાબુઓએ ન દાખવ્યું.
જુલાઈ ૨૦૧૮ના બીજા પખવાડિયામાં અમિતભાઈએ બનેલ ઘટનાક્રમના ઉપલક્ષમાં સૌથી સહજ અને ઉત્તમ રસ્તો વીમા લોકપાલ યંત્રણાનો ઉપયોગ કરવાનો જણાવ્યો અને મયૂરભાઈ સંમત થતાં લોકપાલશ્રીને ફરિયાદ કરતો વિગતવાર પત્ર બનાવી આપ્યો, જે વીમા લોકપાલ કાર્યાલય, સાંતાક્રુઝ-વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૫૪ના સરનામે મોકલાવી આપવા જણાવ્યું.
ઑક્ટોબર ૨૦૧૮ના બીજા પખવાડિયામાં મયૂરભાઈએ ફોન કરી લોકપાલ કાર્યાલયમાંથી પત્ર આવ્યાની જાણ કરી. ૨૦૧૮ની ૧૨ ઑક્ટોબરે આવેલ પત્રમાં નીચે મુજબ જણાવાયેલું.
૧. ધી ઇન્શ્યૉરન્સ ઑમ્બડસમેન રૂલ્સ, ૨૦૧૭ની કલમ ૧૩(૨) મુજબ વીમા કંપની સામેના તમારા વિવાદમાં લોકપાલશ્રીની લવાદ તરીકે કાર્ય કરવાની તથા વિવાદના ઉકેલ માટે ભલામણો કરવાની તમારી લેખિત સંમતિ મોકલાવશો.
૨. ફરિયાદની વિગતવાર માહિતી આ સાથે જોડેલ એનેક્સ VI-Aમાં ભરી તથા એના સંબંધિત સર્વ દસ્તાવેજોની કૉપીઓ જોડવાથી વીમા કંપનીના નિર્ણયો સામેની તમારી ફરિયાદ તથા ક્લેમ પુરવાર થાય/બળવત્તર બને એ આમેજ કરશો.
૩. વીમા કંપનીએ લીધેલા અંતિમ નિર્ણયની કૉપી મોકલાવશો. વીમા કંપનીના અંતિમ નિર્ણય સામે તમે કરેલી રજૂઆતની પ્રત પણ આમેજ કરશો.
૪. મેડિક્લેમ પૉલિસીના ફોટોકૉપી પર પ્રત્યેક પાને સહી કરેલ પ્રત મોકલાવશો.
૫. ઉપરોક્ત બધા દસ્તાવેજો તથા માહિતી આપને આ નોટિસ મળ્યાના ૧૦ દિવસમાં નહીં મળે તો આપને જાણ કર્યા વગર આ ફરિયાદની ફાઇલ બંધ કરી દેવાશે.
અમિતભાઈએ પત્ર વાંચી એનેક્સ VI-A ભરી આપ્યું, માગેલ માહિતી તૈયાર કરી આપી. મયૂરભાઈએ અમિતભાઈએ બનાવી આપેલા દસ્તાવેજ અને પત્ર લોકપાલ કાર્યાલયમાં આપી, ફોટોકૉપી પર સહીસિક્કા સાથેની પહોંચ મેળવી લીધી.
લોકપાલ કાર્યાલયે મયૂરભાઈએ આપેલ દસ્તાવેજની કૉપીઓ વીમા કંપનીને મોકલી, જેમાં કીકાભાઈ હૉસ્પિટલને મયૂરભાઈના ક્લેમની બાબતમાં કૅશલેસ ક્લેમની મંજૂરી આપતો વીમા કંપનીએ મોકલેલ ઈ-મેઇલ હતો. ૧૬ મહિનાથી ક્લેમની રકમ ન મોકલવા માટે કેવી રીતે અને કયું કારણ આપી શકાય? મયૂરભાઈની ડિપોઝિટ હૉસ્પિટલ પાસે પડી રહેલ રકમ પરત કરવા માટે નો ઑબ્જેક્શન લેટર ન આપવા માટે લોકપાલને કયું કારણ આપી શકાય? બાબુઓ અવઢવમાં સરી પડ્યા.
૨૦૧૮ની ૨૬ ઑક્ટોબરે ચૂપચાપ કીકાભાઈ હૉસ્પિટલના બૅન્ક ખાતામાં કૅશલેસની રકમ જમા કરી દેવામાં આવી અને ઈ-મેઇલ દ્વારા કીકાભાઈ હૉસ્પિટલને ડિપોઝિટની રકમ મયૂરભાઈને ચૂકવવા માટે વાંધો ન હોવાનું જણાવી દીધું. આથી મયૂરભાઈના બૅન્ક ખાતામાં કીકાભાઈ હૉસ્પિટલે ડિપોઝિટની ૧,૦૪,૦૦૦/- રૂપિયાની રકમ જમા કરી દીધી.
મયૂરભાઈએ આ શુભ સમાચાર અમિતભાઈને આપ્યા અને તેમનો અને મલાડ-કેન્દ્રના અન્ય સેવાભાવીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો. સૌજન્યને વિસારે ન મૂકતાં અમિતભાઈએ લોકપાલશ્રીને ઈ-મેઇલ મોકલાવી વીમા કંપનીએ કલેમની ચુકવણી કરી દીધેલ હોવાથી કેસ બંધ કરવાની વિનંતી સાથે આભાર માન્યો.
મુખવાસ
જિંદગી જીના આસાન નહીં હોતા
બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા
જબ તક ન પડે હથોડી કી ચોટ
તબ તક પત્થર ભી ભગવાન નહીં હોતા!
કંગનાના કેસમાં બીએમસીએ વકીલને અધધધ ૮૨.૫૦ લાખ ફી ચૂકવી
9th February, 2021 12:23 ISTપીએમ કેર્સ ફંડમાં પીએસયુના સ્ટાફે ૧૫૫ કરોડ રૂપિયા આપ્યા
8th December, 2020 14:07 ISTઆ કારણે બિલ્ડરની RTIએ કરી ટાંય-ટાંય ફીશ
21st November, 2020 19:13 ISTમેડિક્લેમની અરજી આવે એટલે બાબુઓનાં મગજ ઊંધાં ચાલવા લાગે...
22nd August, 2020 19:01 IST