Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જીવનમાં એન્ટર-કીની જરૂરિયાત

જીવનમાં એન્ટર-કીની જરૂરિયાત

04 November, 2020 01:09 PM IST | Mumbai
Sejal Ponda

જીવનમાં એન્ટર-કીની જરૂરિયાત

એન્ટર એટલે પ્રવેશ કરવો. જીવનમાં એન્ટરનું મહત્ત્વ ઘણું હોય છે

એન્ટર એટલે પ્રવેશ કરવો. જીવનમાં એન્ટરનું મહત્ત્વ ઘણું હોય છે


કમ્પ્યુટર અને લૅપટૉપમાં એન્ટર-કી હોય છે. અહીં એન્ટર-કી દબાવવાથી આગલી સ્પેસ તરફ આગળ વધાય છે. અહીં એન્ટર-કીની વ્યાખ્યા પ્રવેશ નથી, પણ પ્રસ્થાન છે, આગળ તરફ પ્રસ્થાન. કમ્પ્યુટરમાં લખતી વખતે એન્ટર-કી દબાવીએ એટલે નેક્સ્ટ ફકરા તરફ આગળ જવાય છે. શું જીવનમાં આવી એન્ટર-કીનું મહત્ત્વ ખરું?

એન્ટર એટલે પ્રવેશ કરવો. જીવનમાં એન્ટરનું મહત્ત્વ ઘણું હોય છે, કારણ પ્રવેશની સાથે એક આખેઆખી વ્યક્તિ જોડાય છે. આપણે કોઈકના જીવનમાં પ્રવેશ કરીએ કે કોઈ આપણા જીવનમાં પ્રવેશે ત્યારે બન્ને બાજુ બદલાવ આવતો હોય છે.
ઘરથી છૂટા પડીને આપણો સૌથી પહેલો પ્રવેશ શાળામાં હોય છે. પહેલી વખત ઘરથી દૂર જવાનો ભય બાળકના ચહેરા પર સીધો વર્તાય છે. નવા વાતાવરણમાં પરાણે ઍડ્જસ્ટ થવાનું શરૂઆતમાં બાળકને અઘરું પડે છે અને સમય જતાં બાળક એ નવા વાતાવરણ સાથે તાલમેલ સાધી લે છે.
ઉંમરની વૃદ્ધિ સાથે દરેક ક્ષેત્રમાં થતો પ્રવેશ આપણને જુદા-જુદા અનુભવ સાથે જોડી દે છે. એ પછી નવા પડકાર અને સંઘર્ષનો આપણા જીવનમાં પ્રવેશ થાય છે અને આપણે એ ઝીલવાનો, એની સામે બાથ ભીડવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. આ પ્રયત્ન જીવનભર ચાલતો રહે છે.
મગજમાં વિચારોનો પ્રવેશ ઉત્પાત મચાવે છે. અમુક પરિસ્થિતિને કારણે મન અશાંત થઈ જાય છે અને મગજમાં વિચારોની એકધારી એન્ટ્રી થવા માંડે છે. પરિસ્થિતિ કરતાં એના વિચારો માણસને વધારે ડિસ્ટર્બ કરી નાખે છે અને એટલે જ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો. એનાથી ઊલટું, સારા વિચારોનો પ્રવેશ માણસને આગળ ધપાવે છે. કંઈક સારું વાંચીએ અને એ વાત, એ વાક્ય મનમાં વસી જાય ત્યારે એ સારા વિચારને કારણે મનને બળ મળે છે. હિંમત મળે છે. એવી જ રીતે આપણો પરિવાર કે આપણા મિત્રો આપણી ભીતર સારા વિચારોનો પ્રવેશ કરાવે છે ત્યારે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ કેમ ન હોય, આપણને હિંમત મળી રહે છે.
નવી વહુનો ગૃહપ્રવેશ અનેક નવાં સપનાં સાથે એન્ટર થાય છે. ગૃહપ્રવેશ વખતે ઉંબરા આગળ ચોખાનો કળશ મૂકવામાં આવે છે. કંકુની થાળી મૂકવામાં આવે છે. વહુએ જમણા પગથી કળશ ઢોળી કંકુની થાળીમાં પગલાં મૂકીને ઘરમાં પ્રવેશ કરવાનો રિવાજ છે. ગૃહપ્રવેશ માટે પહેલાં જમણો પગ મૂકવામાં આવે છે, કારણ કે એ શુભ મનાય છે. માણસના ખરાબ વિચારોમાં આવો કોઈ શુભ પ્રવેશ થઈ શકતો હોત તો જીવનમાંથી કાવાદાવા અને પ્રપંચની બાદબાકી થઈ ગઈ હોત. કાવાદાવાથી ભરપૂર વિચારો વ્યક્તિગત હોય છે. કોઈ એને જબરદસ્તી કોઈના મગજમાં નાખી નથી શકતું. હા, ગેરસમજણ ઊભી થાય એવા વિચારોને બીજાના જીવનમાં નાખવાનો પ્રયત્ન જરૂરથી થતો આવ્યો છે. માણસનું જીવન શુભ-અશુભ, પાપ-પુણ્ય, સત્ય-અસત્યની આસપાસ ફરતું રહે છે. કોને પ્રવેશવા દેવા એ વ્યક્તિગત નિર્ણય હોય છે.
ઘણી જગ્યાએ બોર્ડ જોવા મળે છે, પ્રવેશ નિષેધ. એનો સીધોસાદો અર્થ છે પ્રવેશ મળશે નહીં. રસ્તાનાં સમારકામ ચાલતાં હોય ત્યાં આવાં બોર્ડ જોવા મળે. જંગલ એરિયામાં આવું લખાણ જોવા મળે. પ્રવેશ નિષેધનો અર્થ છે અમુક એરિયામાં દરેક માટે એન્ટ્રી નથી. એ એરિયા રિઝર્વ એરિયા કહેવાય છે. આપણે પણ આપણી જિંદગીમાં કોને પ્રવેશવા દેવા અને કોને નહીં એ નક્કી કરવાનું હોય છે. અમુક લોકો માટે પ્રવેશ નિષેધ જેવી પારદર્શકતા દાખવવાથી આપણું થતું નુકસાન બચી જાય છે.
કમ્પ્યુટર અને લૅપટૉપમાં એન્ટર-કી હોય છે. અહીં એન્ટર-કી દબાવવાથી આગલી સ્પેસ તરફ આગળ વધાય છે. અહીં એન્ટર-કીની વ્યાખ્યા પ્રવેશ નથી, પણ પ્રસ્થાન છે, આગળ તરફ પ્રસ્થાન. કમ્પ્યુટરમાં લખતી વખતે એન્ટર-કી દબાવીએ એટલે નેક્સ્ટ ફકરા તરફ આગળ જવાય છે.
શું જીવનમાં આવી એન્ટર-કીનું મહત્ત્વ ખરું? યસ. કેમ નહીં! આપણી જિંદગીમાં એવા ઘણા સંજોગો આવે છે જ્યારે આપણે અટકી જઈએ છીએ. મૂંઝાઈ જઈએ છીએ. હિંમત હારી જઈએ છીએ. કોઈ રસ્તો સૂઝતો નથી. સખત અકળામણ, બેચેની, સ્ટ્રેસ આપણા જીવનનો એક ભાગ બનવા માંડે છે. એવા સમયે જાતને થોડી વાર શાંત કરવાની જરૂર હોય છે. અટકી જઈએ ત્યારે કમ્પ્યુટરની એન્ટર-કી યાદ કરી લેવાની. આપણા જીવનની લખાયેલી વાર્તાનાં પાનાં આપણી સામે રોજ ઉઘાડાં પડતાં જાય એમ આપણે જીવવાનું હોય છે. એ વાર્તામાં જ્યારે અટકવા જેવા સંજોગો ઊભા થાય છે ત્યારે એન્ટર-કી દબાવતાં શીખવું પડે છે. આપણી એન્ટર-કી કઈ? આપણી એન્ટર-કી આપણી અંદર જ હોય છે. આપણે અટકી જઈએ ત્યારે મૂંઝવી નાખે એવા વિચારોનો પ્રવેશ થાય છે જે આપણને આગળ વધતા અટકાવે છે. એ સમયે થોડી ક્ષણ બધું જ ભૂલી, આખી દુનિયાથી કટ ઑફ થઈને જાત સાથે એકાંતમાં બેસવાનું હોય છે અને પૂછવાનું હોય છે કે શું મારે આ પરિસ્થિતિમાં માત્ર રડવાનું જ છે કે પછી રસ્તો શોધવાનો છે? અને પછી જો રસ્તો શોધવાની પસંદગી કરી લઈએ તો એ જ વિચાર આપણી એન્ટર-કી બની જાય છે, કારણ, એ વિચાર આપણને આગળ વધવા માટે દબાણ કરી રહ્યો છે.
કમ્પ્યુટરની આ એન્ટર-કી વાસ્તવિક જીવનમાં અપનાવવા જેવી છે. કોઈ વ્યક્તિમાં અટકી જઈએ અને એ આપણા જીવનમાં વધારે સ્ટ્રેસ ઊભો કરતો હોય તો એન્ટર-કી ખાસ પોતીકી કરવા જેવી છે. ઘણી વખત કોઈ વ્યક્તિથી દૂર જવાનો નિર્ણય લેવાનો હોય ત્યારે માત્ર સંબંધ તોડી નાખવાથી કશું વળતું નથી. એ વ્યક્તિના વિચારોથી મુક્તિ પણ એટલી જ જરૂરી છે. એ મુક્તિ માટે એન્ટર-કી દબાવી મૂવ ઑન થવાનો નિર્ણય ફાયદાકારક નીવડે છે. કમ્પ્યુટરમાં એન્ટર-કી દબાવીએ એટલે આગળ વધી જવાય છે. જીવનમાં એન્ટર-કી દબાવી આપણી અટકેલી વાર્તાને આગળ લઈ જવી એ જ સમજદારી છે. તો આજથી લાઇફમાં એન્ટર કી દબાવવાનું ભૂલતા નહીં.



માણસના ખરાબ વિચારોમાં આવો કોઈ શુભ પ્રવેશ થઈ શકતો હોત તો જીવનમાંથી કાવાદાવા અને પ્રપંચની બાદબાકી થઈ ગઈ હોત. કાવાદાવાથી ભરપૂર વિચારો વ્યક્તિગત હોય છે. કોઈ એને જબરદસ્તી કોઈના મગજમાં નાખી નથી શકતું. હા, ગેરસમજણ ઊભી થાય એવા વિચારોને બીજાના જીવનમાં નાખવાનો પ્રયત્ન જરૂરથી થતો આવ્યો છે. માણસનું જીવન શુભ-અશુભ, પાપ-પુણ્ય, સત્ય-અસત્યની આસપાસ ફરતું રહે છે. કોને પ્રવેશવા દેવા એ વ્યક્તિગત નિર્ણય હોય છે.


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

04 November, 2020 01:09 PM IST | Mumbai | Sejal Ponda

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK