Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી : આજે મતદાન, ૨૪મીએ પરિણામ

હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી : આજે મતદાન, ૨૪મીએ પરિણામ

21 October, 2019 11:22 AM IST | નવી દિલ્હી

હરિયાણામાં પણ વિધાનસભા ચૂંટણી : આજે મતદાન, ૨૪મીએ પરિણામ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી દિલ્હી : (જી.એન.એસ.) દેશમાં લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ અને હરિયાણાની ૯૦ સીટ પર મતદાન યોજાશે. આ અગાઉ શનિવારે સાંજે પાંચ વાગ્યે ચૂંટણીપ્રચાર થંભી ગયો હતો. આ ઉપરાંત દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ૬૪ વિધાનસભા સીટો પર પણ પેટા-ચૂંટણીઓ યોજાશે જેનું મતદાન આજે થશે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા માટે સવારે ૭થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે. ગુરુવાર ૨૪મીએ પરિણામ જાહેર થશે.

૧૭ રાજ્યોની ૬૪ વિધાનસભા બેઠક પર પેટા-ચૂંટણી મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની સાથે-સાથે યોજાવાની છે જેમાં ઉત્તર પ્રદેશની ૧૧, કર્ણાટકની ૧૫, કેરલ અને બિહારની પાંચ-પાંચ, ગુજરાત ૬, આસામ અને પંજાબની ચાર-ચાર, સિક્કિમની ત્રણ, હિમાચલ, તમિલનાડુ અને રાજસ્થાનની બે-બે, અરુણાચલ, તેલંગણ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પુડુચેરીની એક-એક સીટ પર મતદાન થશે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં કુલ ૩૨૩૭ ઉમેદવારો મેદાનમાં છે જેમની કિસ્મતનો ફેંસલો ૮.૯૭ કરોડ મતદાતા કરશે. હરિયાણા ચૂંટણીમાં કુલ ૧૧૬૯ ઉમેદવારો મેદાનમાં છે. ૧.૮૨ કરોડ મતદારો તેમનો ફેંસલો કરશે.
મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાના ગઠબંધનની સરકાર છે. બીજી બાજુ હરિયાણામાં બીજેપીએ બહુમતી સાથે સરકારની રચના કરી હતી. એને સત્તા જાળવવાનો તો કૉન્ગ્રેસ માટે ફરી સત્તામાં આવવાનો પડકાર છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકો છે. આ વખતે પણ મુખ્ય મુકાબલો બીજેપી-શિવસેના ગઠબંધન અને કૉન્ગ્રેસ-એનસીપી વચ્ચે છે. ચૂંટણીપ્રચાર દરમ્યાન બન્ને પક્ષોએ એકબીજા સામે પ્રહારો કરવાની કોઈ તક છોડી ન હતી. બીજેપી તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ, નીતિન ગડકરી જેવા દિગ્ગજો ચૂંટણીપ્રચારમાં લાગ્યા હતા. બીજેપીએ વીર સાવરકરને ભારત રત્ન આપવા જેવા મુદાઓ ઉછાળતાં રાજકારણ ગરમાયું હતું. બીજેપીએ પાકિસ્તાન અને કાશ્મીરનો મુદ્દો પણ ગજવ્યો હતો જેની સામે કૉન્ગ્રેસ-એનસીપી નબળી દેખાઈ હતી.
હરિયાણામાં આ વખતે મુકાબલો એક બાજુ જ દેખાય છે. બીજેપીની સરખામણીએ કૉન્ગ્રેસ, જજપા, હજકાં જેવા પક્ષો નબળા નજર આવી રહ્યા છે. અહીં પણ નરેન્દ્ર મોદી, અમિત શાહ, સની દેઓલ તેમ જ હેમા માલિની પણ પ્રચાર કરતાં દેખાયાં હતાં. કૉન્ગ્રેસ માટે રાહુલ ગાંધીએ પણ જોર લગાવ્યું છે અને અનેક રૅલીઓને સંબોધિત કરી હતી. તેમણે આર્થિક મંદી અને બેરોજગારી મુદ્દે સરકાર પર નિશાન તાક્યું હતું. રાજ્યમાં મતદાન માટે ૭૫,૦૦૦થી વધુ પોલીસકર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2019 11:22 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK